પ્રભુ, પહેલા સુરક્ષા આપો પછી ભાડાવધારો

May 18, 2017 at 7:35 pm


રેલવે દેશની પ્રવાસી જનતા ઉપર સેફટી સેસના નામે બોજો નાખવાનું વિચારી રહી છે. રેલવેમંત્રી સુરેશ પ્રભુએ આવો સંકેત આપી દીધો છે પરંતુ તેમને એટલું ચોકકસ કહેવાનું મન થાય છે કે તેમણે સૌપ્રથમ રેલવેના યાત્રીઓને સુરક્ષાની ખાત્રી આપવી જોઈએ અને પછી આવો સેફટી સેસ નાખવાનું વિચારવું જોઈએ. રેલવે અકસ્માતો ભારત માટે કોઈ નવી ઘટના નથી. છાશવારે નાના મોટા અકસ્માતો અને ડિરેલમેન્ટ થતાં રહે છે. આ પ્રકારના અકસ્માતોમાં અનેક લોકો મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. આવા નિર્દોષ લોકોએ રેલવે ઉપર ભરોસો રાખીને મુસાફરી કરી હશે પરંતુ તેમના નસીબમાં રેલવેની અણઘડ સેફટી સીસ્ટમ લખાયેલી હશે અને તેથી એમને અકાળે મોત મળ્યું છે.

કેન્દ્રમાં સરકાર ગમે તેની હોય તમામ રેલવે મંત્રીઓ સુરક્ષાની મોટી મોટી વાતો હંમેશા કરે છે પરંતુ અમલના નામે હંમેશા મીંડું જ રહ્યું છે. દર વર્ષે બજેટમાં પણ સેફટી માટે કરોડો પિયા ફાળવવામાં આવે છે પરંતુ આ પિયા કઈ સીસ્ટમને ડેવલપ કરવા માટે વપરાય છે તે કોઈ કહી શકતું નથી. જયારે જયારે અકસ્માતો થાય છે ત્યારે ત્યારે રેલવેના બાબુઓ અને મંત્રીઓ મગરના આંસુ સારીને પ્રજાની આંખે પાટા બાંધવાનો પ્રયાસ કરે છે પરંતુ પછીના બે દિવસમાં જ બધું જેમનું તેમ થઈ જાય છે અને મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે.
અત્યારના રેલવે મંત્રી સુરેશ પ્રભુ પણ હવે રેલવે સુરક્ષા મુદ્દે ગંભીર બન્યા છે તેવું તેમના નિવેદનો ઉપરથી લાગી રહ્યું છે પરંતુ આ માટે લોકો ઉપર બોજો નાખી રેલવેની તિજોરી ભરવી વ્યાજબી લાગતું નથી. રેલવેને અકસ્માતો રોકવા માટેની સીસ્ટમ બનાવવા માટે ા.1 લાખ કરોડની જરિયાત છે અને આ નાણાં રેલવેની ટિકિટમાંથી વસુલવાનું વિચારાઈ રહ્યું છે.

આમ પણ રેલવે બજેટ અલગ રીતે રજૂ કરવાનું માંડી વાળ્યા પછી સરકારે રેલવે માટે એક અલગ ઓથોરિટીની રચના કરી છે જે વર્ષમાં બે વખત રેલવેના ભાડામાં વધારો કરી શકે છે. આ ઓથોરિટી દ્વારા પણ ગમે ત્યારે ટિકિટભાડા અને નૂરભાડામાં વધારો થઈ શકે છે.
રેલવેએ ટિકિટ ઉપર સેફટી સેસ નાખવાને બદલે તેની પાસે ભંગાર જેવી હાલતમાં પડેલું ટન બંધ લોખંડ તેમજ પડતર જમીનો વેચીને સેફટી ફંડ ઉભું કરવું જોઈએ.
અહીં એક બીજો ઉલ્લેખ કરવો પણ જરી લાગે છે કે થોડા સમય પહેલા દેશના કયા સરકારી વિભાગમાં વધુ ભ્રષ્ટાચાર થાય છે તેનો ઈન્ટરનલ સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં રેલવે પ્રથમ સ્થાને હતું. રેલવેના અનેક બાબુઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને જો આવા ભ્રષ્ટાચારીઓ ઉપર અંકુશ લાદવામાં આવે તો પણ રેલવેની તિજોરીમાં મોટી બચત થઈ શકે છે.
રેલવે મંત્રીએ મુસાફર જનતા ઉપર બોજો નાખવાને બદલે પોતાના ઘરની સાફ સફાઈ કરવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL