ફિલ્મના પડદા પર સની લિયોનનું સેક્સ વેચાય અને ચૂંટણીના મેદાનમાં સેક્સસીડી અને વિવેકહિન ભાષાની બોલબાલા

November 27, 2017 at 8:16 pm


ઈલેક્શનની ફાઈટ કે પછી રિંગમાં રેસલિંગ વખતે કે પછી અખાડામાં પહેલવાનીના દાવ ખેલતી વખતે સામાન્ય રીતે જોશ અને ઝનૂન એક સરખા જ હોય છે. લડાઈ તો હંમેશા લડાઈ જ હોય છે અને તેમાં જેટલું થ્રિલર ઉમેરાય એટલી જ લડાઈ વધુ મનોરંજક, વધુ તીવ્ર અને વધુ માણવાલાયક બને છે પરંતુ હવે આજના દિવસોમાં સોશ્યલ મીડિયા અને મોબાઈલીયા યુગમાં ઈલેક્શનની ફાઈટના આયામ બદલાઈ ગયા છે. તેનો ચહેરો વધુ બિહામણો અને વિકૃત થતો જાય છે. ઈલેક્શનની પ્રક્રિયા લોકશાહીવાદી શાસન વ્યવસ્થાને મજબૂત કરવા માટે હોય છે પરંતુ તેમાં હવે જે પ્રકારની ભાષા અને જે શૈલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને જોતાં એમ લાગે છે કે વાત ઘણી ઝડપથી બગડી રહી છે. સમાચારની ચેનલો પર નાના અને મોટા નેતાઓ જે ગટરછાપ શબ્દોની ઊલટી મોઢામાંથી કરતાં હોય છે તે જોઈ અને સાંભળીને આજની જનરેશનના માનસ પર શું અસર થતી હશે તેની ચિંતા કરવાની આપણી સૌની ફરજ છે. આપણે કોઈની ટીકા કે કોઈની પ્રશંસા કરવાનો હેતુ ધરાવતા નથી પરંતુ ઈલેક્શનની એક તંદુરસ્ત ફાઈટને જે વળાંક આપવામાં આવી રહ્યો છે તે વાયરસ જેવો છે અને તેની બદબૂ આખી પેઢીને આવી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. પ્રચારમાં આંધી પહેલાં સોશ્યલ મીડિયામાં અને સમાચાર ચેનલોમાં સામસામે આક્ષેપોના આદાન-પ્રદાન અને મોટી મોટી વાતો સંભળાઈ રહી છે ત્યારે આપણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સમાચાર ચેનલ પર બોલતી વખતે જે વિવેકભાન ગુમાવ્યું હતું અને જે પ્રકારની તોછડી અને બરછટ ભાષાનો પ્રયોગ કર્યો હતો તે જોઈ અને સાંભળીને બધા મોઢામાં આંગળા નાખી ગયા છે.

હાર્દિક પટેલની વિરુદ્ધમાં નીતિન પટેલના નાનકડા કદમાં જેટલું જોર હતું એટલું બધું એમણે લગાવીને માઈક પર જે રીતે એમણે બરાડા પાડયા અને ‘હાર્દિક તૂ ખોવાઈ જઈશ, તૂ તો ખરતો તારો છો, તારા જેવા તો કેટલાય આવ્યા અને કેટલાય ગયા’ વગેરે જેવા શબ્દપ્રયોગો કરીને નીતિનભાઈએ પોલિટીકલ ડિસીપ્લીનને તોડી હોવાની ફરિયાદો લોકોમાં સંભળાઈ રહી છે.

બીજી બાજુ પ્રભાતસિંહ ચૌહાણ નામના ભાજપ્ના ઉમેદવાર વિશે જે રીતની એલફેલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પણ આઘાતજનક લાગે છે. કોઈએ એમને એવી ચેલેન્જ આપી છે કે માનું દૂધ પીધું હોય તો અમારા વિસ્તારમાં પ્રચાર કરવા આવજો…! આ પ્રકારની લેંગ્વેજ રાજનેતાઓની ન હોઈ શકે અને ભાતીગળ સંસ્કૃતિ ધરાવતાં ગુજરાતની ધરતી પર જીવનારા લાખેણા ગુજરાતીની આવી ભાષા હોઈ જ ન શકે. આપણને ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતાને અપ્નાવવાનું ગૌરવ છે અને તે કાયમ રહેશે પરંતુ આ ગૌરવને કલંક લગાડવાથી રાજનેતાઓએ દૂર રહેવું પડશે એમ કીધા વગર રહેવાતું નથી.

નરેન્દ્ર મોદીની સમક્ષ જો કોઈ ચપ્પલ ફેંકે તો તેને એક લાખનું ઈનામ આપવામાં આવશે. આ પ્રકારની વાહિયાત ઓફરો અને ઈનામોની જાહેરાતો આપણા સમાજની વ્યવસ્થાને, સભ્યતાને અને મયર્દિાને નષ્ટભ્રષ્ટ કરી રહી છે. રાજકીય દુશ્મનાવટને અંગત દુશ્મનાવટ ગણી લઈને જે રીતે બેફામ વાણીવિલાસ કરવામાં આવે છે અને જે પ્રકારની આડેધડ ઈનામોની જાહેરાત કરવામાં આવે છે તેને જોઈને ખરેખર નિરાશા થાય છે કે આ લોકો નવી પેઢીને શું શીખવાડવા માગે છે ? લાલુપુત્ર તેજપ્રતાપે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને થપ્પડ મારવાની વાત કરી હતી તો તેની સામે ભાજપ્ના જ એક નેતાએ વળતી ઓફર કરીને એવી જાહેરાત કરી છે કે તેજપ્રતાપ્ને જો કોઈ ફડાકો મારે તો તેને ા.1 કરોડ આપવામાં આવશે. આમ આ બધી ઘટનાઓ પર બારીક નજર કરીએ તો એમ લાગે છે કે રાજકીય લોકો મયર્દિા ઓળંગી રહ્યા છે, વિવેકભાન ગુમાવી રહ્યા છે. સત્તાની વાસના અને ખુરશીની હવસમાં એમના શબ્દો પર કોઈ કાબૂ રહ્યો નથી. પોતે શું બોલી રહ્યા છે તેનું કંઈ ભાન નથી અને આ બધા ખેલતમાશા આજની જનરેશન જોઈને શું વિચાર કરતી હશે તે સૌથી મોટો પ્રશ્ર્ન છે.

વળી સેક્સસીડીઓ ઈલેક્શન વખતે જ બહાર આવે તો તે પણ આમ જનતામાં ખરેખર ચચર્નિો વિષય બની રહે છે. વિદેશના નેતાઓ અને એમના પરિવારજનો પર નજર કરીએ તો એમની વૈચારિક ઉંચાઈ આપણા કરતાં વધુ દેખાય છે. દાખલા તરીકે અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાની સુપુત્રી માલિયાએ ફૂટબોલ ગેમ પહેલાં એક યુવકને કિસ કરી અને સિગરેટના ધૂમાડા કાઢયા તેવા વીડિયો વહેતા મુકાયા ત્યારે ટ્રમ્પ્ના સુપુત્રી ઈવાન્કા અને ક્લિન્ટનના પુત્રી ચેલ્સીયા તરત જ બચાવમાં આવી ગયા હતા. ત્યાં એમણે પોલિટીકલ ફાઈટને વરવું સ્વપ આપીને માલિયાની વધુ બદનામી કરવાને બદલે તેને બચાવવા માટે રીતસર સ્પીચ આપી હતી. આમ પર્સનલ લાઈફને રાજકીય દુશ્મનાવટમાં વણી શકાય નહીં તેનો આ તાજો જ દાખલો છે પરંતુ આપણે ત્યાં એવું નથી. હાર્દિક પટેલની કથિત સેક્સસીડીનો મુદ્દો અત્યારે યુવાનોમાં પણ ગલગલીયા કરાવી રહ્યો છે. ફિલ્મના પડદા પર સની લિયોનનું સેક્સ વેચાય છે અને ચૂંટણીના મેદાનમાં સેક્સસીડીની બોલબાલા છે તેવા ટોણા જો કોઈ મારે તો આપણે ખોટું લગાડવા જેવું નથી કારણ કે એમની આ વાતમાં ઘણું બધું સત્ય છુપાયેલું છે. સની લિયોન કે બીજી કોઈ હિરોઈન ફિલ્મના પડદા પર જ્યારે અડધા કપડાં ઉતારે તો આપણે તાળીઓ પાડીએ છીએ પરંતુ રાજનેતાઓ પોતાના મોઢાની અંદરના તમામ કપડાં ઉતારીને જે ખુલ્લા શબ્દોનું પ્રદર્શન કરે છે તેની સામે કોઈ અવાજ ઉઠતો નથી કે ટોચ લેવલની નેતાગીરી પણ એમને ટપારતી નથી. જો પોલિટીકલ સ્તર આટલું નીચે જ ઉતારવું હોય તો પછી હિરોઈનોના સેક્સ પ્રદર્શનની તુલના નેતાઓ સાથે પણ કેમ ન થઈ શકે ? જો એમને પણ એ જ લેવલ પર રમવું હોય તો પછી સેક્સી સીનની વાંધો લેવાની શું જર છે ?
ભૂતકાળ પર નજર કરીએ તો અટલ બિહારી વાજપેયી, ઈન્દીરા ગાંધી, મોરારજીભાઈ દેસાઈ, ચીમનભાઈ શુક્લ, બળવંતભાઈ મહેતા, કેશુભાઈ પટેલ વગેરે જેવા દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણીના મેદાનમાં પોતાની દલીલો રજૂ કરતાં હતા અને એમની ફાઈટની જે હાઈટ હતી તે એટલી સંસ્કારી અને ઉંચી હતી કે તેને ફોલો કરવાનું મન થતું હતું પરંતુ આજે કમનસીબે એ સ્થિતિ રહી નથી તો તેના માટે કોણ જવાબદાર છે ? શું આપણે આ સ્તરને સુધારવા માટે તમામ રાજકીય પક્ષો પર દબાણ લાવવાની જર નથી?

print

Comments

comments

VOTING POLL