બૂટલેગરો પર દરોડો પાડવા ગયેલી પોલીસ પર હુમલોઃ ૧૩ રાઉન્ડ ફાયરિંગ

February 6, 2018 at 11:26 am


છોટાઉદેપુર તાલુકાના ઘોઘાદેવ ગામમાં દરોડો પાડવા ગયેલી પોલીસ પર બૂટલેગરોએ તીરમારો અને પથ્થરમારો કરી હુમલો કરતા પોલીસે તેર રાઉન્ડ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ હિંસક ઘટના વચ્ચે પણ ગામમાં ઘુસી ગયેલી પોલીસે દારૂનો જથ્થો ભરેલી બે પિકઅપ વાન અને એક ટેન્કર સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લા પોલીસે ટેન્કરમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે તપાસ કરતાં જાંબલા ગામેથી પાણીનું ટેન્કર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. જેમાં વિદેશી દારૂની પેટીઓ હતી. તેની સાથે બે વ્યક્તિઓ પકડાઇ ગઇ હતી. તેઓની આ દારૂ ક્યાંથી લાવ્યા? અને ક્યાં લઇ જાવો છો? તે અંગેની નાયબ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ પૂછપરછ કરતાં ઘોઘાદેવ ગામેથી ટેન્કર લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે તાત્કાલીક સ્થળ પર જઇને તપાસ કરતાં બતાવેલું સ્થળ ભયંકર કોતરો વચ્ચે મળી આવ્યું હતું. જો કે, ત્યાંથી કોઇ જ વસ્તુઓ મળી આવી ન હતી. પરંતુ ગાડીના ટાયરના નિશાન મળી આવ્યાં હતા. જેના આધારે પોલીસે તેનો પીછો કરતાં બે પિકઅપ વાન જોવા મળી હતી. તેનો પીછો કરતાં પોલીસ અંતરિયાળ રસ્તામાં ટેકરીઓ વચ્ચે ઘુસી ગઇ હતી. તેની સાથે જ ટેકરીઓ પરથી પોલીસ પર તીરમારો અને ગોફણથી પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જઇ રહી હોવાથી પોલીસે તેર રાઉન્ડ ગોળીબાર કરવાના ફરજ પડી હતી.

પોલીસે તીરમારા દરમિયાન પોલીસના વાહનો તથા ઝાડની આડશ લઇને હુમલાનો પ્રતિકાર કરતાં કોઇ જ પોલીસમેન ઘાયલ થયો ન હતો. જો કે, બે પિકઅપ વાન પકડવામાં પોલીસને સફળતા મળી હતી. આમ બે પિકઅપ વાન અને ટેન્કર મળીની સાથે પોલીસે છવ્વીસ લાખથી વધુ મતાનો મનાતો પાંચસો પેટી દારૂના જથ્થો કબજે કર્યો હતો. પોલીસે ગૌરણ ઉર્ફે નનો નરવતભાઇ પરમાર (રહે. કાલોલ, પંચમહાલ), કમલેશ અમરસિંહ પરમાર (રહે. કાલોલ, પંચમહાલ)ની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

print

Comments

comments

VOTING POLL