બોર્ડ નિગમમાં ટૂંક સમયમાં નિમણૂક: તમામ સમાજને આવરી લેવાશે

September 24, 2016 at 11:34 am


બોર્ડનિગમમાં લાંબા સમયથી અટકી પડેલી નિમણૂકોનો દોર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને તેમાં સમાજના વિવિધ વર્ગ, જ્ઞાતિ અને સંપ્રદાયના લોકોને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવશે તેવી મહત્વની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘આજકાલ’ના ધરોહર ધનરાજભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી સાથેની ખાસ વાતચીતમાં કરી હતી.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરથી માંડી મુખ્યમંત્રીપદ સુધીની રાજકીય સફર દરમિયાન હંમેશા ‘આજકાલ’ સાથેનો ધરોબો અને પારિવારિક નાતો જાળવી રાખનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શુભેચ્છા મુલાકાત ‘આજકાલ’ના ધરોહર ધનરાજભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર ચંદ્રેશભાઈ જેઠાણીએ ગાંધીનગર ખાતે લીધી હતી. તેમની સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે બોર્ડનિગમમાં ચેરમેન અને સભ્યો સહિતની નિમણૂકોનો દોર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને તેમાં તમામ બાબતોનો ખ્યાલ રાખી પાયાના કાર્યકરો અને આગેવાનોને તક આપવામાં આવશે.

રાજકોટ સહિત રાજ્યભરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે સરકારનો શું એક્શન પ્લાન છે ં તેવા સવાલના જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આધુનિક ટેક્નોલોજીના આ યુગમાં ગુનાખોરીને ડામવા માટે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. સુરતમાં ડાયમંડ એસોસિએશનના અને વેપારીઆેના સહયોગથી 600 સીસીટીવી કેમેરા સમગ્ર શહેરમાં લગાવવામાં આવ્યા છે અને તેનું સીધું હકારાત્મક પરિણામ ક્રાઈમ રેટના ઘટાડામાં અને ગુનાના ઉકેલમાં જોવા મળી રહ્યું છે. સુરતની આ પેટર્ન મુજબ રાજકોટમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલ પર શહેરના મુખ્ય માર્ગો પર અને જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે.

રાજકોટના મેયર અને ગુજરાતના પાણીપૂરવઠા વિભાગના કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે પાણીના મુદ્દે ‘પાણીદાર’ કામગીરી કરનાર વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે ‘સૌની યોજના’ના ઉદ્ઘાટનની જાહેરાત કરી પોતાના ‘પાણીદાર’ નેતૃત્વનો વધુ એક વખત પરિચય ગુજરાતની પ્રજાને આપેલ છે. આ મુદ્દાની ચર્ચા પર તેમણે જણાવ્યું હતું કે ‘સૌની યોજના’ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રાેજેક્ટ છે અને તે જ્યારે સાકાર થઈ રહ્યાે છે ત્યારે તેમાં વડાપ્રધાનની હાજરી મહત્વની બની રહેશે. તેમને આમંત્રણ આપવા માટે આગામી તા.27ના રોજ મંત્રીમંડળના સભ્યો સાથે અમે દિલ્હી જવાના છીએ અને વડાપ્રધાન ગુજરાત આવશે તેવી અમને ચોક્કસ ખાતરી છે.

વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે ‘સૌની યોજના’ના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ધમાકેદાર યોજાશે અને તેમાં પચાસ હજાર જેટલા ખેડૂતો હાજર રહેશે. રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાને હાલ તુરત આ યોજનાનો મોટો લાભ મળતો હોવાથી આ ત્રણ જિલ્લાના ખેડૂતોને અનુકૂળ આવે તેવા સ્થળે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવશે.

આેલ ઈન્ડિયા મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાની અપેક્ષા કેન્દ્ર સરકાર પાસે સ્વાભાવિક રીતે જ વધારે છે અને ગુજરાતને એઈમ્સ મળશે તેનો મને દૃઢ વિશ્વાસ છે.

પ્રજાના સાચા કામોમાં ધક્કા ન ખવડાવવા જોઈએ અને લાંચ કે ભ્રષ્ટાચાર વગર લોકોના કામ થવા જોઈએ તેવી સ્પષ્ટ વાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગયા સપ્તાહે કલેક્ટર કોન્ફરન્સમાં કરી હતી અને હવે ક્રાઈમરેઈટ અને ગુનાખોરી નાબૂદીના મુદ્દે આગામી દિવસોમાં આઈપીએસ અધિકારીઆેની અલગથી બેઠક બોલાવવામાં આવશે અને તેમને પણ ચોક્કસ સુચનાઆે આપી ગુનાખોરી આેછામાં આેછી થાય તે માટે જણાવવામાં આવશે.

વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે આઈએએસ અને આઈપીએસ અધિકારીઆે સહિત બ્યુરોક્રેટમાં આગામી દિવસોમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યા છે. અધિકારીઆે પ્રજા અને સરકાર વચ્ચેની કડી બની રહે અને લોકોને ગુડ ગવર્નન્સનો અહેસાસ થાય તે દિશામાં કામગીરી કરવા માટેની સુચના આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંતમાં જણાવ્યું હતું કે ‘આજ આવતીકાલનો ભૂતકાળ છે’ આ બાબતને ધ્યાનમાં રાખી આગામી દોઢ વર્ષના સમયગાળામાં વધુમાં વધુ લોકઉપયોગી કામો થાય અને ગુજરાતનો વિકાસ વધુ વેગવંતો બને તે માટેના પ્રયાસો રાત-દિવસ જોયા વગર કરવામાં આવશે તેવી ગુજરાતની પ્રજાને મારી ખાતરી છે.

print

Comments

comments

VOTING POLL