ભાજપની પ્રદેશ કારોબારીનો પ્રારંભ: સોમનાથને અનેરો શણગાર

April 21, 2017 at 11:25 am


સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ સોમનાથ દાદાના સાંનિધ્યમાં આજે બપોરથી ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વેની પ્રદેશ કારોબારીની આ બેઠકને રાજકીય નિરીક્ષકો ભારે મહત્વની ગણાવી રહ્યા છે. આજે બપોરે શરૂ થયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરશોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.
‘કાશીથી સોમનાથ’ની થીમ પ્રદેશ કારોબારીમાં રજૂ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં 300 અને ગુજરાતમાં 150ના અમિત શાહે આપેલા ટાર્ગેટને સિધ્ધ કરવા માટે અત્યારથી જ સૌ કોઈએ કામે લાગી જવાની હાંકલ આ બેઠકમાં કરવામાં આવી હતી. કારોબારીની બેઠક પૂર્વે ગઈકાલે પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા-મહાનગરોના પ્રભારીઓ, પ્રમુખોની બેઠક યોજવામાં આવી હતી અને તેમાં કારોબારીના વિવિધ મુસદ્દા અને પ્રસ્તાવ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આજે બપોરે શરૂ થયેલી પ્રદેશ કારોબારીમાં પ્રથમ દિવસે સ્વાગત-પ્રવચન અને પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આવતીકાલ તા.22ના રોજ પ્રદેશ કારોબારીના સમાપ્ન દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ માર્ગદર્શન આપશે. આ ઉપરાંત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી તથા ગુજરાતના પૂર્વ પ્રભારી ડો.દિનેશ શર્માનું આવતીકાલે વિશિષ્ટ સન્માન કરવામાં આવશે. ગુજરાતના નવા પ્રભારી તરીકે રાજસ્થાનના ભૂપેન્દ્ર યાદવની નિમણૂક કરવામાં આવી છે. તેમનું કારોબારીની બેઠકમાં સ્વાગત કરવામાં આવશે.
બે દિવસની કારોબારીની બેઠકમાં રાજકીય અને અભિનંદન પ્રસ્તાવ ઉપરાંત સંગઠનાત્મક બાબતો, જિલ્લા-મહાનગરોમાં થયેલા કાર્યક્રમોનું રિપોર્ટિંગ અને પક્ષના આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરવામાં આવશે. કારોબારીની આ બેઠકમાં સમગ્ર રાજ્યમાંથી 500 જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL