ભારત પ્રવાસ પૂર્વે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ દુબઇમાં પ્રેક્ટિસ કરશે

January 3, 2017 at 8:25 pm


ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત ખાતેની આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં દુબઈમાં પ્રેક્ટિસ કરવાનો વિચાર કરે છે. એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
વિશ્ર્વની ટોચના ક્રમની ટીમ સામે આવતા મહિને રમાનારી ટેસ્ટ શ્રેણી માટેનો પ્રવાસ ઓસ્ટ્રેલિયા માટે ઘણો કપરો ગણવામાં આવી રહ્યો છે, જેણે 2004થી ભારતની ભૂમિ પર કોઈ ટેસ્ટ મેચ જીતી નથી.

દુબઈની સ્ટેટ ઑફ ધી આર્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈ.સી.સી.) ઍકેડેમી ખાતે યોજાનાર આ શિબિરનું ઓસ્ટ્રેલિયાના 2013માં ભારતમાં રમાયેલી શ્રેણીમાં નિરાશાજનક દેખાવને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવનાર છે કે જ્યારે પ્રવાસી ટીમ ચારે ટેસ્ટ મેચ હારી ગઈ હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સી.એ.)ના હાઈ પર્ફોર્મન્સ જનરલ મેનેજર પેટ હોવાર્ડે એક પ્રચાર માધ્યમને કહ્યું હતું કે દુબઈમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જુદી જુદી પિચ પર રમવાની પ્રેક્ટિસ કરશે.

દુબઈ ઍકેડેમીમાં કે જેમાં તાજેતરમાં નિવૃત્તિ લીધેલ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય સિલેકટર રોડ માર્શે ડિઝાઈન અને તેની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, ત્યાં મોટા કદના બે ફ્લડલિટ મેદાન છે જેમાં વિશ્ર્વભરમાંથી વિવિધ સ્થાનની માટીના ઉપયોગ સાથે જુદા જુદા પ્રકારની 30થી વધુ ઘાસની પિચ તૈયાર કરવામાં આવી છે. હોવાર્ડે કહ્યું હતું કે દુબઈ ઍકેડેમીમાં ભારતની જેમ ફક્ત સ્પ્નિ બોલિંગ માટેની પિચો નથી અને જુદા જુદા પ્રકારની પિચ તૈયાર કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની ટીમે પણ 2012માં ભારત ખાતે 2-1થી શ્રેણી જીતેલા પોતાના પ્રવાસની તૈયારીમાં આ પ્રમાણે જ પ્રેક્ટિસ કરી હતી અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ પણ ભારતમાં ગયા વર્ષે રમાયેલ ટી-20 વર્લ્ડ કપ જીતવા પહેલા આ ઍકેડેમીમાં થોડો સમય ગાળ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ દુબઈમાં બે પ્રેક્ટિસ મેચ પણ રમશે જે માટેની હરીફ ટીમ એ જ સમયે ત્યાં યોજાનાર પાકિસ્તાન સુપર લીગ (પી.એસ.એલ.)માના યુવાન ખેલાડીઓની બનેલી હશે, એમ તે અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું. ભારત સામેની શ્રેણીમાં પહેલી ટેસ્ટ પુણેમાં 23મી ફેબ્રુઆરીથી રમાનાર છે.

print

Comments

comments

VOTING POLL