મંત્રી પુરુષોત્તમ સોલંકી હજુ નારાજ : ધારાસભ્ય તરીકે શપથ લીધા જ નથી

February 7, 2018 at 11:58 am


ભાજપની નવી સરકારના મંત્રી પરસોતમ સોલંકીએ મંગળવારે યોજાયેલા બાકી ધારાસભ્યોના શપથ વિધિ કાર્યક્રમમાં પણ ભાગ લીધો ન હતો. અગાઉ વિધાનસભા સત્રના મુખ્ય શપથવિધિ સમારંભમાં પણ તેઓ ઉપસ્થિત ન રહી પોતાની નારાજગી યથાવત રાખી હતી.

વિધાનસભા સત્રને ફક્ત ૧૨ દિવસ બાકી છે છતાં એક મંત્રી ધારાસભ્ય તરીકે શપથ લેવા માટે તૈયાર નથી. કોળી સમાજ મને મોભાદાર ખાતુ મળવું જોઇએ તેમ ઇચ્છી રહ્યો છે તેમ જાહેર કરીને સોલંકી અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સારૂ ખાતુ આપવા માગણી કરી ચૂકયા છે. સોલંકીને મત્સ્યોધ્યોગ વિભાગ ફરી વખત અપાતા તેઓ નારાજ છે. ગત બુધવારે પણ સ્વર્ણિમ સંકુલમાં મંત્રી મંડળની બેઠક વખતે જ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથનને મળ્યા હતા પણ મુખ્યમંત્રીના વડપણ હેઠળની બેઠકમાં ભાગ લેવા જવાનું છેક સુધી ટાળ્યું હતું અને છેલ્લે કેબિનેટ ખંડમાં ગયા હતા.

મંગળવારે વિધાનસભા કાર્યાલય દ્વારા બાકી રહી ગયેલા તમામ ધારાસભ્યોની સોગંદવિધિ યોજાઇ હતી. જેમાં ભાજપના બાકી ધારાસભ્યોમાં મંત્રી વિભાવરી દવે અને જગદિશ પંચાલે શપથ લીધા હતા. જયારે કોંગ્રેસમાંથી પણ બાકી ત્રણે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, અશ્વિન કોટવાલ અને મહેશ પટેલને કાર્યકારી અધ્યક્ષ નિમાબહેન આચાર્યએ શપથ લેવડાવ્યા હતા.

વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલને આ અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે બાકી ધારાસભ્યોને શપથવિધિ માટે આમંત્રણ અપાયું હતું પરંતુ પરસોતમભાઇ હાજર રહ્યા નથી. આ માટે લેખિતમાં કે અન્ય રીતે ગેરહાજર રહેવાની જાણ કરાઇ ન હોવાનું તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સોલંકી અગાઉ ગેરહાજર રહ્યા ત્યારે ભાજપ દ્વારા તેઓ સામાજિક પ્રસંગે બહારગામ હોવાથી શપથ લઇ શકયા નહીં હોવાનું જણાવાયું હતું. તેવું કોઇ કારણ પણ આ વખતે જાહેર કરાયું નથી.

print

Comments

comments

VOTING POLL