મનપામાંથી રાજીનામું આપી બન્યા ઈન્ડિયન આર્મી કેપ્ટન

August 24, 2017 at 3:42 pm


રાજકોટ મહાનગરપાલિકામાં અધિકારીઓના રાજીનામા આપવાનો સિલસિલો લગાતાર ચાલતો રહે છે. ક્યારેક કોઈ અધિકારી કે ઈજનેરને મોટી કોર્પોરેટ કંપ્નીમાંથી સારી ઓફર આવે તો તેઓ રાજીનામું આપી દેતાં હોય છે જ્યારે અમુક અધિકારીઓને સરકારના અન્ય વિભાગોમાં સારી પોસ્ટ ઓફર થાય તો પણ તેઓ મહાનગરપાલિકાને અલવિદા કહી દેતાં હોય છે. જ્યારે અમુક અધિકારીઓ રાજકીય દબાણ અને અધિકારીઓના આંતરિક રાજકારણથી ત્રાસીને વહેલું રાજીનામું ધરી દેતાં હોય છે તેવા અનેક કિસ્સા બહાર આવી ચૂક્યા છે પરંતુ દેશ સેવા માટે આરામદાયક નોકરીમાંથી રાજીનામું આપવાનો કિસ્સો પહેલી વખત પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં તબીબ તરીકે ફરજ બજાવતાં એક અધિકારીએ રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ હાલમાં તેઓ ઈન્ડિયન આર્મીમાં જોડાઈને કેપ્ટન બન્યા છે અને ઈન્ડો-ચાઈના બોર્ડર પર લેહ-લદાખ ખાતે ફરજ બજાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં આ અંગે મહાનગરપાલિકાના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, એક વર્ષ પૂર્વે રાજકોટ મનપાની આરોગ્ય શાખાના મવડી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો.પાર્થિક મનસુખભાઈ કાલરિયા (એમબીબીએસ)એ રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ તેમણે કોઈ ટોચ લેવલની કોર્પોરેટ કંપ્ની કે રાજ્ય અથવા કેન્દ્ર સરકારના વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરવાના બદલે આર્મીમા જોડાવાની તૈયારી શ કરી હતી અને તેમનો દેશપ્રેમ અને દેશસેવાની લગન રંગ લાવી હતી અને તમામ પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ગયા હતા અને તેમને ઈન્ડિયન આર્મીમાં પોસ્ટીંગ મળી ગયું હતું. આર્મીમાં પસંદગી પામ્યા બાદ તેમને પોસ્ટીંગ માટેના વિકલ્પો આપવામાં આવ્યા હતાં જેમાં તેમણે વિશ્ર્વમાં સૌથી જોખમી અને ઠંડા સ્થળ સિયાચીનમાં પોસ્ટીંગ મેળવવાનું પસંદ કર્યું હતું પરંતુ કોઈ પણ કારણસર તેમને ત્યાં પોસ્ટીંગ મળી શક્યું હતું. અંતે તેમને ઈન્ડો-ચાઈના બોર્ડર પર લેહ-લદાખ વિસ્તારમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું જે તેમણે સ્વીકારી લીધું હતું અને હાલમાં તેઓ ત્યાં આગળ ફરજ બજાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. મુળ ભાણવડ પંથકના અને વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા કડવા પાટીદાર પરિવારના આ સુપુત્ર ટૂંક સમયમાં રાજકોટ આવનાર છે ત્યારે તેનું સ્વાગત સન્માન કરવા સૌકોઈ આતૂર બની ગયા છે.

print

Comments

comments

VOTING POLL