મહાપાલિકાની કાલે મહા સીલિંગ ઝુંબેશ: સેંકડો મિલકત સીલ કરાશે

March 20, 2017 at 3:18 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા એપ્રિલ–૨૦૧૮થી કાર્પેટ એરિયાબેઈઝ વેરા આકારણીની અમલવારી કરવામાં આવનાર છે પરંતુ તે પૂર્વે રૂા.૪૦૦ કરોડનું બાકી લેણું ‘ઝીરો’ કરવા માટે તાજેતરમાં વ્યાજમાફીની યોજના અમલી બનાવવામાં આવી છે. વ્યાજમાફીની યોજના અમલી હોવા છતાં બાકીદારો કોઠું આપતાં ન હોય હવે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ ત્રીજું નેત્ર ખોલ્યું છે. હાલ સુધી દરરોજ ૪૦–૫૦ મિલકતો સીલ કરવામાં આવતી હતી પરંતુ આવતીકાલે શહેરના ત્રણેય ઝોનમાં મહાસીલિંગ ઝુંબેશ હાથ ધરી એક સાથે સેંકડો મિલકતો સીલ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાના અધિકારી વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ઈસ્ટઝોન હેઠળના ઉપલાકાંઠા વિસ્તાર, સેન્ટ્રલ ઝોનમાં જૂના રાજકોટનો વિસ્તાર અને વેસ્ટઝોન હેઠળના ન્યુ રાજકોટ વિસ્તાર સહિતના ત્રણેય ઝોનમાં આવતીકાલે એક સાથે ટેકસ બ્રાન્ચની ટુકડીઓ ત્રાટકશે અને ધડાધડ બાકીદારોની મિલકતો સીલ કરશે.
આવતીકાલે મહાસીલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હોય તેના ભાગરૂપે આજે કાગળો તૈયાર કરવાની કાર્યવાહી ચાલી રહી હોય આજે કોઈ ઝોનમાં સીલિંગ ઝુંબેશ હાથ નહીં ધરાઈ હોવાનું જાણવા મળે છે. સેન્ટ્રલ ઝોનમાં આસિ.કમિશનર હરેશ કગથરા અને આસિ.મેનેજર રાજીવ ગામેતી, વેસ્ટઝોનમાં ઈન્ચાર્જ આસિ.કમિશનર સમીર ધડુક, આસિ.મેનેજર વત્સલ પટેલ, ઈસ્ટઝોનમાં ઈન્ચાર્જ આસિ.કમિશનર વાસંતીબેન પ્રજાપતિ અને આસિ.મેનેજર એમ.ડી.ખીમસુરીયા સહિતનો ટેકસ બ્રાન્ચનો સમગ્ર સ્ટાફ આજે આવતીકાલે હાથ ધરવામાં આવનારી મહાસીલિંગ ઝુંબેશની કાર્યવાહીમાં જોતરાઈ ગયો છે. નોટબંધી દરમિયાન રદ્દ થયેલી રૂા.૫૦૦ અને ૧૦૦૦ની નોટ બાકીવેરા પેટે સ્વીકારવામાં આવી હોય આ વર્ષે ટેકસ બ્રાન્ચને છેલ્લા ૪૩ વર્ષની રેકોર્ડબ્રેક આવક થઈ ગઈ છે પરંતુ હજુ પણ ટાર્ગેટ પૂર્ણ થયો નથી આથી બાકી લેણાની વસૂલાત માટે તત્રં આક્રમક બન્યું છે

print

Comments

comments

VOTING POLL