મહાપાલિકામાં ઈજનેરોની બદલીનો ઘાણવો

September 13, 2017 at 3:44 pm


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે સિટી ઈજનેરો સહિતના ઈજનેરોની બદલીનો ઘાણવો કાઢયો છે. લાંબા સમયથી ઈજનેરોની બદલી થતી ન હોય વહીવટી શિથિલતા આવી ગયાનું અનુભવાતાં વહીવટી ગતિશીલતા લાવવા માટે જાહેરહિતમાં ઈજનેરોની બદલીના હકમ કરવામાં આવ્યા છે. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા પણ એકથી દોઢ મહિનામાં અમલી થઈ જશે તેવી ધારણાઓ વચ્ચે ઈજનેરોની બદલીના હકમ થયાનું મનાય રહ્યું છે. ટૂંક સમયમાં વધુ ઈજનેરો અને અધિકારીઓની બદલીના હકમો થનાર હોવાનું પણ જાણવા મળે છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ગત બેઠકમાં ડામર કોન્ટ્રાક્ટ મામલે થયેલી ઉગ્ર બોલાચાલી તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ સાથે કરેલી માથાકૂટ સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનિયર ચિરાગ પંડયાને નડી ગઈ છે અને તેને ડ્રેનેજનો સ્વતંત્ર હવાલો સોંપી દેવામાં આવ્યો છે.
વિશેષમાં કમિશનર બ્રાન્ચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનિયર ચિરાગ પંડયાને ડ્રેનેજ વિભાગમાં મુકી દેવામાં આવ્યા છે. જ્યારે ઈસ્ટઝોનના સિટી એન્જિનિયર મહેન્દ્રસિંહ કામલીયાને સેન્ટ્રલ ઝોનમાં સિટી એન્જિનિયર તરીકે મુકાયા છે. ડ્રેનેજ વિભાગની કામગીરી સંભાળતાં એમ.એચ.ઘોણીયાને ડ્રેનેજ શાખામાં જ ડેપ્યુટી એન્જિનિયર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સેલની કામગીરી સંભાળતાં ડેપ્યુટી એન્જિનિયર કે.એસ.ગોહેલને ઈસ્ટઝોનમાં ઈન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે કામલિયાની જગ્યાએ મુકવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડેપ્યુટી ઈજનેરોની પણ બદલી કરાઈ છે જેમાં ઈસ્ટઝોનના વોર્ડ નં.4માં ફરજ બજાવતાં એચ.એસ.દવેને ટેક્નીકલ વિજિલન્સ બ્રાન્ચમાં મુકી દેવાયા છે. જ્યારે વોટર વર્કસમાં કાર્યરત ડેપ્યુટી એન્જિનિયર એમ.આર.શ્રીવાસ્તવને સેન્ટ્રલ ઝોનમાં મુકાયા છે. સેન્ટ્રલ ઝોનમાં કાર્યરત ડેપ્યુટી ઈજનેર આર.આર.રૈયાણીને રાજકોટ રાજપથ લિમિટેડમાં ડેપ્યુટી ઈજનેર ગોસ્વામીની જગ્યાએ મુકવામાં આવ્યા છે, પરેશ પટેલને આવાસના પ્રોજેક્ટમાંથી દૂર કરી ટ્રાફિક વિભાગમાં મુકી દેવાયા છે, એસ.બી.છૈયાને વોટર વર્કસમાંથી આવાસ વિભાગમાં મુકવામાં આવ્યા છે જ્યારે વર્ષોથી ડામરના નમૂના લેવાની કામગીરી કરતાં એચ.એચ.ટોળીયાને ટેક્નીકલ વિજિલન્સ બ્રાન્ચસમાંથી ફંગોળી વોટર વર્કસમાં મુકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત એચ.એમ.સોંડાગરને ડ્રેનેજ વિભાગમાંથી વોટર વર્કસ વિભાગમાં મુકી દેવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL