માણસા તાલુકા પંચાયતના ૧૦ સભ્યો ગેરલાયક ઠરતાં કોંગ્રેસ ફરીથી સત્તામાં

January 12, 2018 at 12:14 pm


રાજ્યમાં કેટલીક પંચાયતો અને પાલિકાની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાવાની છે ત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા મેળવવા માટે ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ આદરી છે. આ તૈયારીઓ વચ્ચે ગત મહિને માણસા તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના ૧૦ કોંગી સભ્યોએ પક્ષપલટો કરીને ભાજપનો ભગવો ધારણ કરતાં કોંગ્રેસ લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે, આ સભ્યોને સક્ષમ ઓથોરિટીએ ગેરલાયક ઠેરવવાનો આદેશ કરતા માણસા તાલુકા પંચાયતમાં ફરીથી કોંગ્રેસ સત્તામાં આવી ગઈ છે.

ગેરલાયક ઠેરવાયેલાં સભ્યોમાં પંચાયતના તત્કાલિન પ્રમુખ જગતસિંહ બિહોલા અને ચાર મહિલા સભ્ય સહિત ૧૦ સભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આ સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવશે.

માણસા તાલુકા પંચાયતમાં કુલ ૨૪ સભ્યો છે. જેમાંથી કોંગ્રેસે ૧૮ બેઠક સાથે સત્તા કબજે કરી હતી જ્યારે ભાજપને ૬ બેઠક મળી હતી. જો કે, વિધાનસભાની ચૂંટણી પહેલાં માણસાના ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. તેમની સાથે માણસા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કોંગ્રેસના ૧૦ સભ્યોએ પક્ષપલટો કરીને ભાજપનો ભગવો ધારણ કરતાં કોંગ્રેસ લઘુમતીમાં મૂકાઈ ગઈ હતી.
જો કે, ૧૦ સભ્યોના પક્ષપલટા સામે કોંગ્રેસે પક્ષાંતર ધારાની કલમ ૩(૧) મુજબ આ સભ્યો કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટાયા હોવાથી તમામ સભ્યોને ગેરલાયક ઠેરવવા સક્ષમ અધિકારી સમક્ષ ધા નાખી હતી. તમામ દસ્તાવેજો અને દલીલોને અંતે ડેઝીગ્નેટેડ ઓથોરિટીએ કોંગ્રેસની દલીલ માન્ય રાખીને તમામ સભ્યોને ગેરલાયક ઠેરવતાં માણસા તાલુકા પંચાયતમાં ભાજપનો રકાસ થયો છે અને કોંગ્રેસના હાથમાં ફરીથી સત્તાના સૂત્રો આવી ગયા છે.

કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ માણસા તાલુકા પંચાયતના પક્ષપલટુઓને ગેરલાયક ઠેરવતા હુકમને આવકારતાં જણાવ્યું છે કે, રાજ્યની ૧૪૭ તાલુકા પંચાયત અને ૨૩ જિલ્લા પંચાયતમાં નાગરિકોએ કોંગ્રેસમાં વિશ્વાસ મુકીને સત્તા સોંપી હતી ત્યારે લોભ, લાલચ અને ધાક-ધમકીથી પક્ષપલટો કરીને પ્રજાદ્રોહ, પક્ષદ્રોહ કરનાર જે તે સભ્યોને સક્ષમ ઓથોરિટીએ તેમનું સ્થાન બતાવી દીધું છે. કોંગ્રેસને સાંપડેલાં જનાધારથી હતાશ થયેલો ભાજપ યેનકેન પ્રકારે કાવાદાવા-કાવતરાં રચીને કોંગ્રેસ શાસિત તાલુકા-જિલ્લા પંચાયતો તોડવા માટે પ્રયાસો કરી રહ્યો છે પરંતુ તેમાં તેમને નિષ્ફળતા સાંપડી છે.

ગેરલાયક ઠરેલાં સભ્યો

જગતસિંહ મનુસિંહ બિહોલા-પ્રમુખ, રાઠોડ જીલાબેન દરૂસિંહ, જયંતીલાલ અંબાલાલ પટેલ, વિપુલ ખોડાભાઈ પટેલ, વિષ્ણુ નારણભાઈ ચૌધરી, વિનુબા ગનુજી દેવડા, માધાભાઈ જોરાભાઈ ચૌધરી, ઉષાબેન લાલજીભાઈ ચૌધરી, સંગીતાબેન પ્રકાશજી ઠાકોર, જશવંતસિંહ વક્તુસિંહ રાઠોડ.

print

Comments

comments

VOTING POLL