માતા–પિતાની આંખમાં આંસુ છલકાતા બધં થશે ત્યારે ‘મધર્સ ડે’ની ઉજવણીમાં ઉપરવાળો પણ હોંશભેર જોડાઈ જશે..

May 15, 2017 at 6:29 pm


આપણે ઘણા બધા ‘ડે’ની ઉજવણી કરતા શીખી ગયા છીએ. ઉજવણી કરવામાં કદાચ આપણો પ્રથમ નંબર આખા જગતમાં આવે તો પણ નવાઈ નહીં. અલગ અલગ ‘ડે’ની ઉજવણીનો તર્ક શું છે, તેના ઉંડાણમાં શું છે, તેનો સંદેશ કેવો છે તે જાણવાની પરવા કર્યા વગર આપણે ગાડરીયા પ્રવાહમાં જોડાઈ જઈને દેખાદેખીના ભાગરૂપે ઉજવણી કરીએ છીએ. અખબારોમાં નામ આવે અને ફોટા છપાય અથવા સોશ્યલ મિડિયામાં પોતાના નામે સૌથી વધુ મેસેજ વાયરલ થાય તેવા ગણિત સાથે કદાચ આપણે ઉજવણી કરીએ છીએ. જે લોકો દિલથી ઉજવણી કરે છે એમની વાત આખી અલગ જ હોય છે. ગઈકાલે રવિવારે ‘મધર્સ ડે’ હતો અને તેની ઉજવણી માટે સોશ્યલ મિડિયામાં જાણે પૂર આવ્યું હતું. યગં જનરેશનને કોઈને કોઈ બહાનું મળી જાય છે અને સંદેશાઓના સમંદરના સમંદર મોબાઈલમાં ઉતારવા માટે તેઓ આગલા દિવસથી જ સક્રિય થઈ જાય છે. જે લોકોએ કયારેય પોતાની માતુશ્રીની વાત માની નથી કે એમની ઈજજત કરી નથી અથવા તો કયારેય એમના કહ્યામાં રહ્યા ન હોય તેવા લોકો પણ સૌથી વધુ મેસેજ ‘મધર્સ ડે’ પર આપતા હોય છે અને આ બધી કોસ્મેટીક લાગણી જોઈને એકતરફ હસવું પણ આવે છે અને બીજી તરફ દિલ ઘાયલ પણ થઈ જાય છે કે ખરેખર આપણે કેવા આડંબર અને નાટકીયા યુગમાં જીવી રહ્યા છીએ. પત્ની માટે માતાને ત્રાસ દેનારા અથવા તો માતાને હડધૂત કરનારા લોકો જયારે ‘મધર્સ ડે’ નિમિત્તે મેસેજ કરવા માટે પોતાની આંગળીઓને તકલીફ આપતા હોય છે ત્યારે શૈતાન પણ કદાચ તેનાથી નારાજ થઈ જતો હશે અને વિચારતો હશે કે આ માણસ મારા કરતાં પણ વધુ ડેન્જરસ છે.

આજના મોબાઈલીયા અને ટેકનોલોજીના યુગમાં યગં જનરેશન મા–બાપને ભાજી મુળા ગણે છે અને એમની કોઈ આમન્યા જાળવવા કે એમને પુરેપુરી ઈજજત આપવા કે પછી એમનો પડયો બોલ ઝીલી લેવાની કોઈ ફરજ બજાવવાની એમનામાં તાકાત નથી અથવા તો દાનત નથી. સમગ્ર યગં બ્રિગેડ ખરાબ છે એમ કહેવાનો કોઈ હેતુ નથી પરંતુ આજે જે ઝડપથી આપણો સમાજ નવા ઓર્ડરમાં વિંટાયો છે અને તેને પગલે જે ફેરફારો જોવા મળી રહ્યા છે, જે પ્રકારની હવા ચાલી રહી છે તેને જોઈને એમ લાગે છે કે મોટાભાગની ઔલાદો ખરેખર મા–બાપને જાળવતી નથી, સંભાળતી નથી. હજુ બે દિવસ પહેલા જ અખબારોમાં ઉપરાછાપરી એવા બનાવો આવ્યા કે તેને લખતી વખતે સેન્સીટીવ પત્રકારોની આંગળીમાં જાણે કાંટા ઘુસી જતા હોય તેવી પીડા અનુભવાઈ હતી. પુત્ર અને પુત્રવધુએ ભેગા મળીને માને માર માર્યાની બે ત્રણ ઘટનાઓ સૌરાષ્ટ્ર્રમાં પણ આકાર લઈ ગઈ છે. આવી તો રોજ કોણ જાણે કેટલી ઘટનાઓ બનતી હશે અને કેટલી માના કલેજા કપાતા હશે, કેટલી માઓની આંખમાં આંસુ ખુટી પડતાં હશે તે તો ભગવાન જાણે.
મધર્સ ડેની ઉજવણી કરવાની સામે કોઈ વાંધો કે વિરોધ નથી પરંતુ કોસ્મેટીક, તકલાદી, લાગણીહીન અને ફકત દેખાડો કરવાવાળી ઉજવણીથી મધર્સ ડેની ઉજવણીનો હેતુ બર આવતો નથી. દરેક ડેની ઉજવણી પાછળ એક ચોકકસ સંદેશ હોય છે જેને આપણા જીવનમાં, આપણા આચરણમાં, આપણા સિધ્ધાંતોમાં, આપણી એકશનમાં વણી લેવાના હોય છે પરંતુ આવું ખરેખર બને છે ? જો તમે આ સવાલ કોઈપણ જગ્યાએ પુછશો તો જવાબ ‘ના’માં જ મળશે. સ્વામી વિવેકાનંદને એકવાર કોઈએ એમ પુછયું કે એક માને દુનિયામાં સૌથી ઉંચો દરજજો શા માટે અપાયો છે? સ્વામી વિવેકાનંદે એ સમયે કોઈ જવાબ દીધો નહીં અને એ સવાલ પુછનારને સ્વામીએ માત્ર એટલું કહ્યું કે પોતાના પેટ પર ચાર કિલો વજનવાળો પથ્થર બાંધી અને આખો દિવસ ફરો. એ વ્યકિતએ સ્વામીના અનુરોધ મુજબ આખો દિવસ ચાર કિલોનું વજન પેટ પર બાંધીને જોયું અને દરેક કામ કરવામાં તેને ભારે તકલીફ પડી. દિવસ સમા થતા પહેલા જ તે થાકીને હારીને પાછો સ્વામી વિવેકાનદં પાસે આવી ગયો કારણકે હવે તેનાથી એ વજન ઉંચકાતો નહોતો. ત્યારે સ્વામીજીએ તેને સમજાવ્યું કે તમે માત્ર એક દિવસ પણ ચાર કિલો વજન પેટ પર ઉપાડવાની તકલીફ સહન કરી શકતા નથી તો પછી વિચારો કે એક મા નવ મહિના સુધી માત્ર વજન જ ઉપાડતી નથી બલ્કે એ દરમિયાન કેટલીય તકલીફોમાંથી પસાર થઈ જાય છે. મા જેટલું ધૈર્ય અને પ્રેમ દુનિયામાં કોઈ પાસે છે જ નહીં.

આજે આપણે સોસાયટી પર નજર કરો તો દિલ પર એક નહીં સેંકડો આંચકા લાગે છે કારણકે ચારેકોર વૃધ્ધાશ્રમો ફેલાયેલા છે અને ત્યાં કેટલીય માતાઓ પોતાના સંતાનો માટે અને પોતાના પૌત્ર પૌત્રીઓને જોવા, મળવા અને વાત કરવા માટે પાણી વગર માછલી તરફડે એવી રીતે તરફડતી જોવા મળે છે. રાત્રે વૃધ્ધાશ્રમમાં એક મા જયારે સુવાના સમયે પથારી પર કમ્મર આડી કરે છે ત્યારે એ પથારી ગાદલાની નહીં બલ્કે જાણે બાણશૈયા હોય તેવી પીડા તેમાં હોય છે. તેના આંસુ ખરેખર ખુટી ગયા હોય છે. વૃધ્ધાશ્રમમાં ખુદ પોતાના સંતાનો અને પૌત્ર પૌત્રીઓ માટે વલખતી આવી માતાઓની સંખ્યા જયાં સુધી આપણા દેશમાં નામશેષ નહીં થઈ જાય ત્યાં સુધી મધર્સ ડેની ઉજવણીમાં કોઈ સ્વાદ આવવાનો નથી. વૃધ્ધાશ્રમો જ જયારે બધં થઈ જશે ત્યારે મધર્સ ડે અને ફાધર્સ ડેની ઉજવણીમાં કદાચ ઉપરવાળો પણ સામેલ થઈ જશે. ઈસ્લામ ધર્મમાં માતાના પગના તળિયે જન્નત બતાવવામાં આવી છે અને બાપ જન્નતનો વચલો દરવાજો બતાવવામાં આવ્યો છે. આમ તો દુનિયાના દરેક ધર્મમાં માતા–પિતાનો મહિમા આટલો જ સુંદર છે પરંતુ આપણી યગં જનરેશન તેને જયારે સમજી લેશે અને અપનાવી લેશે ત્યારે ખરેખર સમાજની દશા અને દિશા બદલાઈ જશે અને આ સમાજ એટલો ખુબસુરત બની જશે કે તમારે બગીચાઓમાં જવાની જરૂર નહીં પડે કારણકે ખુશીઓની મહેક તમારા ઘરના ચારેચાર ખુણામાં ચોવીસ કલાક વાસ કરતી હશે, તમારા વૃધ્ધ મા–બાપ જયારે હસતા હસતા દિવસ પસાર કરતા હશે અને એક છત્રીની જેમ જયારે તમારા ઘર પર એમનો છાંયો હશે એ સમાજ શું પેરેડાઈઝ કરતાં વધુ કિંમતી નહીં હોય ?

print

Comments

comments

VOTING POLL