માર્કેટ યાર્ડમાં આરપારની લડાઈ: સત્તાધિશો V/S કમિશન એજન્ટો

August 25, 2017 at 4:18 pm


રાજકોટ માર્કેટ યાર્ડમાં તેલીબીયા જણસોમાં કમિશનની ટકાવારી 1 ટકો છે તેમાં અડધા ટકાનો વધારો કરીને દોઢ ટકો કમિશન આપવાની માગણી સાથે સતત છેલ્લા ચાર દિવસથી 300થી વધુ કમિશન એજન્ટો હડતાલ પર ઉતરી ગયા હોય કરોડો પિયાનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે. બીજી બાજુ માર્કેટ યાર્ડના સત્તાધિશો કમિશન એજન્ટો સામે નમતું જોખવા તૈયાર નથી. જ્યારે હાલમાં કમિશન એજન્ટોએ અચોક્કસ મુદત સુધી બંધનું એલાન આપેલું છે તે યથાવત રાખવામાં આવ્યું છે. જ્યાં સુધી સત્તાધીશો સહમત ન થાય ત્યાં સુધી બંધ પાળવા કમિશન એજન્ટો મક્કમ હોય હવે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે.

રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કામાણીએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી કમિશનમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. અન્ય યાર્ડમાં વધુ કમિશન આપવામાં આવી રહ્યું છે છતાં રાજકોટ યાર્ડના સત્તાધિશોને વધુ કમિશન આપવામાં વાંધો છે ! વારંવાર મૌખીક અને લેખિત રજૂઆતો કરાઈ છે પરંતુ રજૂઆતોને કોઈ જ પ્રતિસાદ અપાયો ન હોય નાછૂટકે અચોક્કસ મુદત સુધી બંધનું એલાન આપવા ફરજ પડી છે. કમિશન એજન્ટો ક્યારેય એવું ઈચ્છતા નથી કે વેપારીઓ અને ખેડૂતો પરેશાન થાય પરંતુ સત્તાધિશોની જીદના કારણે આ પરિસ્થિતિ નિમર્ણિ થઈ છે. જો સત્તાધિશો કમિશન એજન્ટો પર પાયાવિહોણા આક્ષેપો કરશે તો કમિશન એજન્ટો પણ સત્તાધિશો સામે પ્રતિ આક્ષેપો કરશે જ.

માર્કેટ યાર્ડના સેક્રેટરી તેજાણીએ જણાવ્યું હતું કે કમિશન એજન્ટોની હડતાલના પગલે ચાર દિવસથી વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે. જો કે કચેરીની વહીવટી કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે તેમાં કોઈ વિક્ષેપ નથી.
માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે કમિશન એજન્ટો સામે તંત્ર નમતું જોખવા તૈયાર નથી. હડતાલનું હથિયાર ઉગામી યાર્ડને બાનમાં લેવા પ્રયાસ કરાયો છે પરંતુ આગામી દિવસોમાં ઈ-નામ પ્રોજેક્ટ હેઠળ વચેટીયાઓની કડી નાબૂદ કરી દેવામાં આવશે અને ખેડૂતો તેમજ વેપારીઓ વચ્ચે યાર્ડનું વહીવટી તંત્ર મધ્યસ્થી બનીને કારોબાર ચલાવશે.

print

Comments

comments

VOTING POLL