મિનિમમ વેજીસ 18 હજારથી વધારી 21 હજાર કરવા રેલવે કર્મીઓની માંગ

August 12, 2017 at 11:14 am


ચામુંડા બ્રિજ સ્થિત અમદાવાદ રેલવે ડિવિઝન ઓફિસ ખાતે રેલવે કર્મચારીઓની સભામાં આશરે એક હજારથી વધુ રેલવે કર્મચારીઓ સહિત કેન્દ્રીય કર્મચારીઓએ ભાગ લીધો હતો. વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ (ડબલ્યુઆરએમએસ) બેનર હેઠળ યોજાયેલી શુક્રવારની આ સભામાં નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવેમેન (એનએફઆઈઆર)ના જનરલ સેક્રેટરી એમ.રાઘવૈયા ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે સભામાં ભારત સરકારે કેન્દ્રીય કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત કયર્નિો આક્ષેપ કર્યો હતો.
એમ.રાઘવૈયાએ કહ્યું કે, એક તરફ મોંઘવારી અટકવાનું નામ લેતી નથી અને ભારત સરકાર કર્મચારીઓના પેટ પર પાટું મારવામાં કોઈ કસર બાકી રાખતી નથી. મોંઘવારીને ધ્યાનમાં રાખ્યા વગર કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને હાલ 18 હજાર મિનિમમ વેજીસ ચૂકવવા નક્કી કરવામાં આવ્યું છે. જેને વધારીને 21 હજાર કરવામાં આવે તેમ અમારી માંગ છે. આ સહિતની કેટલીક પડતર માંગણીઓ માટે ચાર મહિના અગાઉ એનએફઆઈઆરનું પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, અરૂણ જેટલી અને સુરેશ પ્રભુને મળ્યું હતું.
મંત્રીઓ સાથેની મુલાકાત બાદ વિવિધ માંગણીઓની છણાવટ કરવા સરકારે હાઈ પાવર કમિટીની રચના કરવા વાયદો કર્યો હતો. કર્મચારીઓ માટે દવા, હોસ્પિટલની વ્યવસ્તા નથી. છેલ્લા અઢી વર્ષમાં રેલવેના લગભગ 1600 કર્મચારી મૃત્યુ પામ્યા છે. નવી પેન્શન સ્કિમ કર્મચારીઓ હિતમાં નહીં હોવાની મંત્રી સમક્ષ રજૂઆત કરતા તેમણે જૂની પદ્ધતિ મુજબ પેન્શનની ગણતરી કરવા આદેશ કર્યો હતો તેમ છતા તેનો હજુ અમલ થયો નથી.
ડબલ્યુઆરએમએસના જનરલ સેક્રેટરી જે.જી.માહુરકરે કહ્યું કે, રેલવે મંત્રાલય સેફ્ટી સ્ટાન્ડર્ડમાં સુધારા કરવાની વાતો કરે છે, પણ સેફ્ટિકેટેગરીની ખાલી જગ્યાઓ ભરાતી જ નથી. રેલવે કર્મચારીઓ હડતાલ કરવાના પક્ષમાં બિલકુલ નથી, પરંતુ જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો રેલવે કર્મચારીઓને હડતાલનું શસ્ત્ર ઉગામવું પડશે. કર્મચારીઓની એક દિવસની હડતાલ રેલવેને 3 હજાર કરોડનું નુક્શાન પહોંચાડશે જેની જવાબદારી સરકારની રહેશે.

print

Comments

comments

VOTING POLL