મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે

November 14, 2017 at 4:54 pm


વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આગામી તા.૧૬ના રાત્રે તેઓ ભારત પરત ફરી રહ્યા છે અને ત્યારબાદ તુરતં જ તા.૧૭ના ભાજપની બેઠક મળનારી છે અને તેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો ફાઈનલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તા.૧૮ અને ૧૯ના રોજ શનિ–રવિની રજા હોવાના કારણે તા.૧૯ના મોડીસાંજે અથવા રાત્રે ઉમેદવારોના નામની જાહેરાત થાય અને તા.૨૦ના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માહિતી મળી રહી છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટની અન્ય ત્રણ સીટના ભાજપના ઉમેદવારો આગામી તા.૨૦ના સોમવારે વિજય મુહર્તમાં ફોર્મ ભરે તેવું આયોજન થઈ રહ્યું છે. ફોર્મ ભરતા અગાઉ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં સરદાર વલ્લભભાઈ પટેલની બહુમાળી નજીક આવેલી પ્રતિમા પાસે એકત્ર થશે અને શકિત પ્રદર્શન કર્યા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજકોટ શહેરની ચારમાંથી માત્ર વિજયભાઈ રૂપાણીની એક બેઠકની ટિકિટ ફાઈનલ થઈ છે. આ સિવાય અન્ય ત્રણ બેઠક પર કોને ટિકિટ આપવામાં આવશે અને કોને કાપવામાં આવશે તેની ખબર તા.૨૦ સુધીમાં પડી જશે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ટિકિટનું લગભગ પાકું છે પરંતુ તેનો મત વિસ્તાર બદલીને ૬૮–રાજકોટ (પૂર્વ) કરવામાં આવે તેવી ભારોભાર શકયતા છે. ૭૦–રાજકોટ (દક્ષિણ)ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનો મત વિસ્તાર બદલીને ૬૮–રાજકોટ (પૂર્વ) કરવામાં આવે તો દક્ષિણની બેઠક પર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્રાજ જેવા અનેક નામો બોલાઈ રહ્યા છે અને આ પૈકી કોને ટિકિટની લોટરી લાગે છે તે જોવાનું રહેશે

print

Comments

comments

VOTING POLL