યશવંતસિન્હાનો ‘સત્ય’ બોમ્બ

September 29, 2017 at 5:54 pm


નાણામંત્રી તરીકે અરુણ જેટલીએ દેશના અર્થતંત્રમાં સર્જેલી અરાજકતા વિશે હું બોલીશ નહીં તો એક નાગરિક તરીકેની મારી રાષ્ટ્રીય ફરજ હું ચૂકી જઈશ,તેમ જણાવીને પૂર્વ નાણામંત્રી અને ભાજપ્ના પીઢ નેતા યશવંત સિંહાએ મોદી સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કરતાં ખળભળાટ મચી ગયો છે

નોટબંધી નામના તઘલખી તુક્કા અને જીએસટીના ઢંગઢડા વગરના અમલ સહિતનાં કારણોને લીધે દેશનાં અર્થતંત્રને જબ્બર ફટકો પડ્યો છે. અર્થતંત્રની આ માંદગી હવે એક એવું ઓપ્ન સિક્રેટ બની ચૂક્યું છે જે આ દેશનો પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પણ જાણે છે. ઘરઆંગણે માંગનો અભાવ, સતત તૂટી રહેલો રૂપિયો, ક્રૂડના વધતા ભાવો તથા અન્ય કેટલાંય પરિબળો સામે લડવામાં મોદી સરકાર સતત વામણી સાબિત થઇ રહી છે. અધૂરામાં પૂરું નાણાં મંત્રાલય જેવાં અતિશય અગત્યના મંત્રાલયના પ્રધાનને સંરક્ષણ જેવાં બીજાં ભારેખમ મંત્રાલયનો ગાળિયો પહેરાવી દેવામાં આવ્યો તેના કારણે પણ નાણાં મંત્રી અરૂણ જેટલી અર્થતંત્ર પર ફોક્સ કરી શકતા નથી. પરંતુ, ભાજપમાં વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય એવો ખેલ ચાલે છે.

સરકાર અંગે જરા સરખો પણ વિરોધ કે વિસંવાદનો સૂર ઉચ્ચારનાર કોરાણે ધકેલાઇ જાય છે. આ સંજોગોમાં અટલ બિહારી વાજપેયી સરકારના નાણાં પ્રધાન રહી ચૂકેલા પરંતુ ભાજપમાં નરેન્દ્ર મોદી-અમિત શાહ યુગનો ઉદય થયા પછી હાંસિયામાં ધકેલાઇ ચૂકેલા યશવંત સિંહાએ ચેતવણીનું બ્યૂગલ વગાડ્યું છે. અગાઉ વાજપેયી સરકારના જ એક સિનિયર મંત્રી અરૂણ શૌરી પણ મોદી સરકારની કાર્યશૈલી પર આકરા પ્રહારો કરી ચૂક્યા છે. એ પછી હવે સિંહાએ પણ વટાણા વેરી દીધા છે કે સરકાર પાંચ ટકાનો પણ જે ઘટેલો ગ્રોથ દેખાડે છે તે વાસ્તવમાં આ સરકારે જીડીપીની ગણતરીમાં કરેલા ફેરફારોને લીધે છે બાકી એકચ્યુઅલ ગ્રોથ ત્રણ ટકાનો પણ માંડ છે. સિંહાએ તો શબ્દો ચોયર્િ વિના કહ્યું છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બાળપણમાં કારમી ગરીબી જોઇ છે અને જેટલીની નીતિઓ જોતાં લાગે છે કે તેઓ બાકીના દેશને પણ એવી ગરીબીમાં ધકેલવા માગે છે.

આમ જોવા જઇએ તો યશવંત સિંહાએ દિવાળીના ત્રણ સપ્તાહ પહેલાં જ ફોડેલા આ બોમ્બથી લાગતાવળગતા સૌના કાનમાં ધાક પડી જવી જોઇએ. પરંતુ, અત્યારે નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ પક્ષ તેમને એક પછી એક ચૂંટણીઓમાં મળતી રાજકીય સફળતાના મદમાં એટલા બધા મુસ્તાક છે કે તેમને આવી ચેતવણીઓ પણ સંભળાતી નથી. તેમાં પણ યશવંત સિંહા તો અસંતુષ્ટ નેતા ગણાય છે એટલે તેમના મુખે કહેવાયેલી સાચી વાતને પણ ભાજપી નેતાઓ હસી કાઢશે એટલું જ નહીં પરંતુ યશવંતસિંહાની શક્ય તેટલા અભદ્ર શબ્દોમાં બદબોઇ કરવામાં પણ કસર નહીં રાખે એ નક્કી છે. આવા મદાંધ વલણથી કદાચ ભાજપ્ને રાજકીય ફાયદો થતો હશે પરંતુ તેનાથી દેશને ભારે નુકસાન થઇ શકે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારોએ વિરોધી સૂર કે ટીકાત્મક અવાજોને સાંભળવા અતિશય તત્પર રહેવું જોઇએ અને તેમાં પણ આ તો એક એવો સૂર છે જે ભાજપની પોતાની જ છાવણીમાંથી ઉઠ્યો છે. ટીકાઓને હકારાત્મક અર્થમાં લઇ સુધારાત્મક પગલાં લેવા જેવી પાકટતા સરકાર નહીં દાખવે તો તે લોકશાહી સ્વરૂપમાં આપખુદ સરકાર હોવાની છાપ વધુ દૃઢીભૂત થશે.

print

Comments

comments

VOTING POLL