રાંધણ ગેસમાં ભડકો

September 4, 2017 at 9:15 pm


સબસિડીયુક્ત રાંધણ ગેસ ના ભાવમાં સિલિન્ડર દીઠ સાત રૂપિયાનો વધારો કરી દેવાયો છે. સરકારે ગયા મહિને જ જાહેરાત કરી હતી કે એલપીજી પરની સંપૂર્ણ સબસિડી માર્ચ સુધીમાં નાબૂદ કરી દેવાશે, જેના ભાગરૂપે હવે દર મહિને આ પ્રકારે ભાવવધારો થશે. કેન્દ્ર સરકારે જેમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજબરોજ ફેરફાર કરીને ભાવવધારા બાબતે પ્રજામાં ઉહાપોહ થવાની શક્યતાનો જ છેદ ઉડાવવાની કોશિશ કરી છે તેમ રાંધણગેસના સિલિન્ડરમાં પણ દર મહિને ચાર રૂપિયાનો વધારો કરતા જવાની સ્ટ્રેટેજી અપ્નાવી છે. સરકારી કારણ એવું અપાય છે સબસિડી નાબૂદ કરવા માટે દર મહિને ચાર રૂપિયાનો ભાવવધારો થઇ રહ્યો છે. જોકે, આ મહિને સબસિડી ધરાવતાં સિલિન્ડરમાં સાત રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની જેમ જોર કા ઝટકા ધીરે સે લગેની વ્યૂહરચનામાં કોઇને ખ્યાલ નથી આવ્યો કે છેલ્લાં એક જ વર્ષમાં સબસિડી ધરાવતાં સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો થઇ ચૂક્યો છે. મધ્યમવર્ગ પર ચારેબાજુથી મોંઘવારીનો માર પડે છે તેમાં આ વધારો પણ વેદનામાં ઉમેરો કરે છે. સબસિડી વિનાના રાંધણગેસ બોટલમાં ભાવવધારાને જાણે કોઇ લગામ જ નથી. આ મહિને તેમાં 73 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

મોદી સરકારે બહુ સ્માર્ટ રીતે હજારો લોકોને સબસિડી ધરાવતા રાંધણગેસ સિલિન્ડરમાંથી સબસિડી વગરના બોટલ તરફ વાળી દીધા છે. હવે એ તમામ લોકો આ ભાવવધારાનો માર સહન કરી રહ્યા છે. સરકાર એ સમજવા તૈયાર નથી કે સબસિડી વિનાના રાંધણગેસના બોટલના ભાવ વધે છે તેનો મતલબ કે કેટરિંગ, કેન્ટિન, નાના નાના રેસ્ટોરાં અને ખાણીપીણીની લારીઓ એ બધાની પડતર પણ વધે છે. સરવાળે ત્યાં પણ ફૂડના ભાવ વધવાના છે જે છેવટે સામાન્ય માણસે જ પોતાના ખિસ્સામાંથી આપવાના છે. એ સગવડપૂર્વક ભૂલી જવામાં આવે છે કે દેશની મોટાભાગની વસતિ કાંઇ કાચું સલાડ ખાઇને પેટ ભરતી નથી. રાંધવા માટે ગેસની જરૂર તો પડે જ છે અને જો સરકાર અનાજના ભાવો પર કાબૂ રાખવાનો દાવો કરતી હોય પણ બીજી બાજુ રાંધણગેસના ભાવ વધારતી જ જવાની હોય તો સામાન્ય માણસને તો અંતે થાળી મોંઘી જ પડવાની છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવોની જેમ રાંધણગેસના ભાવો પણ ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવો સાથે સંકળાયેલા છે. પરંતુ, મનમોહનસિંઘ સરકાર વખતે ક્રૂડના ભાવ સદીથી ઉપરનો આંકડો વટાવી ગયા હતા તે વખતે સરકારે રાજકોષીય ખાધ સહન કરીને પણ ભાવો કાબૂમાં રાખ્યા હતા તેવું મોદી સરકાર શા માટે નથી અપ્નાવતી તેવો સવાલ અર્થશાસ્ત્રની ગતાગમ નહીં ધરાવતો સામાન્ય માણસ સ્હેજે પૂછી શકે છે.

print

Comments

comments

VOTING POLL