રાજકોટના 6195 દિવ્યાંગોના મતદાન માટે પ્રથમ વખત કલેકટર તંત્રની ખાસ વ્યવસ્થા

December 7, 2017 at 3:25 pm


આગામી તા.9ના રોજ યોજાનારી રાજકોટ જિલ્લાની વિધાનસભાની 8 બેઠકમાં કુલ 6195 દિવ્યાંગો છે અને તેમના માટે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પ્રથમ વખત ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેવી જાહેરાત જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી.
ચૂંટણી સંબંધીત તૈયારીની માહિતી આપવા માટે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં લોકોને વધુમાં વધુ મતદાનની અપીલ કરતાં કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ પર્વમાં દિવ્યાંગો પણ ઉત્સાહભેર ભાગ લે તે માટે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા જિલ્લાની તમામ આઠેઆઠ બેઠક માટે કરવામાં આવી છે.
અંધ, અપંગ, શારીરિક ખોડખાપણવાળા કુલ 6195 મતદારો રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકમાં છે અને તેમના માટે વ્હીલ ચેર, આસીસ્ટન્ટ સહિતની કામગીરી માટે 2139 કર્મચારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. નોડેલ ઓફિસર તરીકે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને જવાબદારી આપી છે.
રાજકોટ શહેર અને જિલ્લાની બેઠકમાં કુલ 10,76,654 પુરુષ અને 9,88,089 મહિલા મતદારો મળીને કુલ 20,64,759 મતદારો છે. 2158 મતદાન મથકો છે અને 12 હજારથી વધુ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં જોડાયો છે. 90 વર્ષ કે તેથી વધુ ઉંમરના 4565 મતદારો છે. જ્યારે પ્રથમ વખત મત્તાધિકાર મળ્યો છે તેવા 18થી 19 વર્ષની વયના મતદારોની કુલ સંખ્યા 54097 છે તેમ કલેકટરે જણાવ્યું હતું.
પત્રકારો સાથેની વાતચીત વખતે અધિક કલેકટર હર્ષદભાઈ વોરા, જિલ્લા પોલીસવડા અંતરિપ સૂદ, જિલ્લા વિકાસ અધિકારી જી.ટી. પંડયા, માહિતી નિયામક કરમટા સહિતનાઓ હાજર રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL