રાજકોટમાં ચોકીદાર પર હુમલો કરી મોરબીના શખસો ડમ્પર ઉઠાવી ગયા

January 12, 2018 at 11:50 am


કુવાડવા રોડ પર આવેલ બેટી રામપર નજીકના ભારતબેન્ઝ શોમમાં ગતરાત્રે મોરબીના ટ્રાન્સપોર્ટર સહિતના શખસોએ ચોકીદાર પર હમલો કર્યા બાદ ડમ્પર ઉઠાવી જતાં ચકચાર મચી ગઈ હતી. શોમના બાકી નીકળતા નાણાં આપવાનો ઈન્કાર કરી સર્વિસમાં આપેલ ડમ્પરના પૈસા આપવાની પણ ના પાડી બળજબરીપુર્વક ડમ્પર હંકારી જવાતા પોલીસે તપાસનો દોર હાથ ધર્યો છે.

આ બનાવ વિશે ભારતબેન્ઝ શોમ (સીલેન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.)ના મેનેજર અમોલ છોટાલાલ આણંદપરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કુવાડવા પોલીસમાં આ બનાવ અંગે મોરબીના બલભદ્રસિંહ જીવુભા ઝાલા અને તેના ત્રણ માણસો વિધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમોલભાઈના જણાવ્યા પ્રમાણે ગત તા.8ના રોજ બલભદ્રસિંહ પોતાનું જીજે3બીટી 1680 નંબરનું ડમ્પર રીપેરીંગ કામ માટે મુકી ગયા હતા. તેઓ શોમના રેગ્યુલર કસ્ટમર હોય તેમની ગાડીઓના સર્વિસ અને રીપેરીંગના કુલ મળી રૂ..85 હજાર બાકી નીકળતા હતા. આ રકમ ડમ્પર લેવા આવશું ત્યારે સાથે આપી દેશું તેવી ખાતરી આપી હતી. જો કે, ગતરાત્રે 9 વાગ્યે ઓડી કારમાં ધસી આવેલા બલભદ્રસિંહ સહિતના શખસોએ અચાનક હમલો કર્યો હતો.

ગેઈટને મારેલું તાળુ ખોલવા સિકયુરીટી ગાર્ડ અંગજકુમાર પટેલ ઉ.વ.23, દુખા મંડલ ઉ.વ.55 અને વિનોદભાઈ સહિતના સિકયુરીટી ગાર્ડ સાથે બઘડાટી બોલાવી હતી. જેમાં અંગજકુમારને ઈજા થઈ હતી. ચોકીદારોને ઢીકાપાટુનો માર મારી ખુનની ધમકી આપીને આ શખસો અંદર ઘુસી આવ્યા હતા અને કમ્પાઉન્ડમાં ઘુસી વર્કશોપમાં રાખેલું ડમ્પર પણ ઉઠાવી ગયા હતા. ડ્રાઈવર ડમ્પર હંકારી ગયો હતો. બાકીના શખસો ઓડી કારમાં બેસી નાસી છૂટયા હતા. ખાણમાંથી માટી, રેતી, પથ્થર ઉપડાવવાનો વ્યવસાય કરતા બલભદ્રસિંહ સહિતના શખસોએ કરેલું આ કૃત્ય શોમ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મેનેજર અમોલભાઈની ફરિયાદ નોંધી તપાસનો દોર આગળ વધાર્યો હતો.

print

Comments

comments

VOTING POLL