રાજકોટમાં 12 મીટરના રોડ પર હવે 7 માળનું બિલ્ડિંગ બની શકશે

October 12, 2017 at 4:06 pm


ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે આજે બપોરે પત્રકાર પરિષદ સંબોધતા રાજ્યભરમાં કોમન જીડીસીઆર અમલી થયાની સત્તાવાર જાહેરાત કરી હતી. કોમન જીડીસીઆરથી રાજકોટ મહાનગરપાલિકા અને ડા વિસ્તારને થનારા લાભાલાભની સ્થાનીક અસરો જોઈએ તો રાજકોટ બિલ્ડર્સ એસો. દ્વારા કરાયેલી રજૂઆતો પૈકી અમુક રજૂઆતો ગ્રાહ્ય રાખીને રાજ્યસ્તરે તેનો અમલ કરવામાં આવ્યો છે. જયારે અમુક રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં નહીં આવી હોવાનું જાણવા મળે છે. મુખ્યત્વે રાજકોટ બિલ્ડર્સ એસો. દ્વારા કરાયેલી રજુઆતના અનુસંધાને હવે 12 થી 15 મીટરની પહોળાઈના રોડ પર પણ 7 માળની બિલ્ડીંગ હાઈટ મળી શકશે મતલબ કે 25 મીટરની ઉંચાઈનું બિલ્ડીંગ બનાવી શકાશે. પાર્કીંગના પ્રશ્ર્નને ધ્યાને લેતાં હવેથી ગ્રાઉન્ડ ફલોરની હાઈટને બિલ્ડીંગ હાઈટમાં ગણવામાં આવશે નહીં. રાજકોટ બિલ્ડર્સ એસો.ની આ રજુઆતને સફળતા મળી છે અને રાજ્યસ્તરે તેનો અમલ કરાશે.
રાજકોટ બિલ્ડર્સ એસો.ની મુળભુત રજુઆત ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર એમ બે ફલોરને પાર્કીંગમાં ગણવાની હતી પરંતુ આ રજુઆતના અનુસંધાને ગ્રાઉન્ડ ફલોરની હાઈટને બિલ્ડીંગ હાઈટમાં નહીં ગણવાની રજૂઆત ગ્રાહ્ય રખાઈ છે.
કોમન જીડીસીઆરની જોગવાઈઓ અને તેની મહત્વપૂર્ણ અસરોની હાઈલાઈટસ નીચે મુજબ છે.
12 થી 15 મીટરના રોડ પર 25
મીટર ઉંચાઈના બાંધકામો થઈ શકશે
હાલ સુધી બિલ્ડીંગ હાઈટમાં ગ્રાઉન્ડ ફલોરની હાઈટ 3 મીટર સુધી ગણવામાં આવતી હતી પરંતુ કોમન જીડીસીઆરના અમલ બાદ હવે ગ્રાઉન્ડ ફલોરની હાઈટને બિલ્ડીંગ હાઈટમાં ગણવામાં આવશે નહીં જેથી રાજકોટમાં 12 થી 15 મીટરના રોડ પર 25 મીટરની ઉંચાઈના મતલબ કે 7 માળની હાઈટ સુધીના બાંધકામો થઈ શકશે. રાજકોટ સહિત રાજ્યભરમાં આ જોગવાઈ લાગુ પડશે.
કચ્છ સિવાયના જિલ્લાઓમાં 45 મીટરની
હાઈટના બિલ્ડિંગ બનાવી શકાશે
રાજ્યના કોમન જીડીસીઆરમાં કચ્છ સિવાયના તમામ જિલ્લાઓમાં 45 મીટરની હાઈટ સુધીના બિલ્ડીંગ બનાવવાની પણ મંજુરી આપી દેવામાં આવી છે. જો કે, નિયમાનુસાર જમીન પરીક્ષણ વિગેરે કરાવવાનું રહેશે. એકંદરે હોરીઝેન્ટલ ડેવલપમેન્ટમાં પ્રાથમીક સુવિધાઓ પુરી પાડવી મુશ્કેલ બનતી હોય હવે વર્ટીકલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપતી જોગવાઈઓ કરવામાં આવતા વધુ ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રકચર પુ પાડી શકાય તેવી આશા જાગી છે.
સુરતમાં એફએસઆઈ અંગેની જોગવાઈ
કોમન જીડીસીઆરમાં પણ સ્થાનિક ભુગોળને ધ્યાનમાં લઈને અમુક શહેરોમાં વિશેષ પ્રોત્સાહક જોગવાઈઓ રાખવામાં આવી છે. જેમાં સુરતમાં 45 મીટરના રોડ પર 4ની એફએસઆઈ અને 36 મીટરના રોડ પર 3.6ની એફએસઆઈ આપવામાં આવી છે.
વડોદરામાં એફએસઆઈ અંગેની જોગવાઈ
વડોદરામાં પણ 36 મીટરના રોડ પર 3.6ની એફએસઆઈ આપવામાં આવી છે. વડોદરા અને સુરતને અપાયેલા એફએસઆઈના વિશેષ લાભ રાજકોટ અને અમદાવાદ સહિતના મહાનગરોને મળવાપાત્ર નથી.
કોમન પ્લોટમાં 50. ચો.મી. સુધીનું
બાંધકામ એફએસઆઈમાંથી બાદ મળશે
હાલ સુધી કોમન પ્લોટમાં 15 ટકા સુધીનું બાંધકામ એફએસઆઈમાંથી બાદ મળતું હતું જયારે આજરોજ કોમન જીડીસીઆરની અમલવારી થતાની સાથે 50 ચો.મી.નું બાંધકામ એફએસઆઈમાંથી બાદ મળશે.
રાજકોટમાં 15 મીટરના રોડ પર હવે હાઈરાઈઝ બિલ્ડીંગની મંજુરી નહીં મળે
રાજકોટમાં હાલ સુધી 15 મીટરના રોડ હાઈરાઈઝ બિલ્ડીંગની મંજુરી મળતી હતી તે હવે કોમન જીડીસીઆરના અમલ બાદ નહીં મળે. હવેથી રાજ્યભરમાં 18 મીટર કે તેથી વધુ પહોળાઈના રોડ પર 12 માળના બિલ્ડીંગને મંજુરી મળશે.
રાજકોટ સહિત રાજ્યભરમાં લેઆઉટ પ્લાનમાં 40 ટકા જમીન કપાત થશે
રાજકોટમાં હાલ સુધી લેઆઉટ પ્લાનમાં 35 ટકા જમીન કપાત થતી હતી પરંતુ કોમન જીડીસીઆરની નવી જોગવાઈઓ મુજબ હવેથી રાજકોટ સહિત રાજયભરમાં 40 ટકા જમીન કપાત થશે. ફકત ક અને ડ કક્ષાની નગરપાલિકાઓના વિસ્તારમાં 30 ટકા જમીન કપાત કરાશે.

print

Comments

comments

VOTING POLL