રાજકોટ એરપોર્ટનું ટર્મિનલ વિશાળ બનશે: 40 કરોડ મંજૂર

April 20, 2017 at 2:26 pm


રાજકોટની ભાગોળે કુવાડવા ગામ પાસે હીરાસર ગામ પાસે આંતરરાષ્ટ્ર્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવાની યોજના ભલે હાથ ઉપર લેવામાં આવી હોય પરંતુ આ પ્રોજેકટ લાંબા ગાળાનો હોવાથી હાલના એરપોર્ટના વિસ્તૃતીકરણ માટેની યોજનાને મંજુરી મળી ગઈ છે અને અંદાજે ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ ટર્મિનલનું વિસ્તૃતીકરણ થશે. રાજકોટ એરપોર્ટ ઉપર વિમાનોની સલામતી માટે આઈસોલેશન ‘બે’ બનાવવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટના એરપોર્ટે ઘણા નવા રંગરૂપ ધારણ કર્યા છે અને આખુ એરપોર્ટ ‘પેસેન્જર ફ્રેન્ડલી’ બન્યું છે.

રોજની છ ફલાઈટ અને વર્ષે ૪ લાખ પ્રવાસીઓની અવર–જવર ધરાવતા આ એરપોર્ટના વિસ્તૃતીકરણને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્રારા મંજુરી આપવામાં આવી છે. સ્થાનિક કક્ષાએથી મોકલવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ દરખાસ્ત અનુસાર હાલના ટર્મીનલ બિલ્ડીંગને ખસેડીને પાકિગના સ્થળે નવું બનાવવાનું છે. જે સ્થળે પાકિગ છે તે ખસેડીને એકઝીટ–વેની ડાબી બાજુની ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવશે. અર્થાત પેસેન્જરને લેવા–મુકવા આવતા વાહનચાલકોએ પોતાના વાહનો નવી જગ્યાએ પાર્ક કરવા પડશે.

ટર્મિનલ બિલ્ડીંગના વિસ્તૃતીકરણના કારણે હાલમાં જે સંકળામણ અનુભવવામાં આવે છે તે સમસ્યા દુર થશે અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ આપી શકાશે. સુત્રોના જણાવ્યા અનુસાર એરપોર્ટ ઓથોરીટીએ રાજકોટ એરપોર્ટ ઉપર આઈસોલેશન ‘બે’ બનાવવા માટે બનાવવા માટેની મંજુરી આપી દીધી અને તેના માટેના ટેન્ડરો પણ ટુંક સમયમાં બહાર પડશે. આ આઈસોલેશન ‘બે’માં વિમાનોને પાર્ક કરી શકાય છે. કટોકટી કે કુદરતી ઘટના–દુઘર્ટના સમયે વિમાનો સલામત રાખી શકાય છે.

રાજકોટના એરપોર્ટના વિસ્તૃતીકરણની યોજના અંતર્ગત નવા એપ્રોન પણ બનાવવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ એરપોર્ટના વિસ્તૃતીકરણનો ટુંક સમયમાં પ્રારભં પણ થશે. હિરાસર પાસે જે નવું એરપોર્ટ બનવાનું છે તેને હજુ ઘણો સમય લાગી શકે તેમ છે. આવી સ્થિતિમાં રાજકોટ એરપોર્ટ ઉપર મુસાફરોની અવરજવર પણ વધી છે ત્યારે તેઓને સુવિધા મળે તે માટે આ વિસ્તૃતીકરણની યોજના મંજુર થઈ છે. રાજકોટ એરપોર્ટના ડિરેકટર તરીકે કાર્યરત દિલીપ સાજનાણીની સુરત એરપોર્ટ ખાતે બદલી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ એરપોર્ટની શકલ–સૂરત ફેરવી નાખનાર અને એરપોર્ટને નવસર્જિત કરનાર એરપોર્ટ ડિરેકટર દિલીપ સાજનાણીની બદલી થતાં ઘણાને આર્ય થયું છે.

છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ એરપોર્ટનો ઘણો બધો વિકાસ થયો છે. અહીં આવનારા મુસાફરોને ફ્રી વાઈફાઈ, એટીએમ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. અગાઉ રાજકોટમાં રોજીંદી ચાર ફલાઈટ આવતી હતી જે હવે વધીને છ ફલાઈટ થઈ છે. રાજકોટ એરપોર્ટની રેવન્યુ પણ વધી છે અને એડવર્ટાઈઝર્સ પણ ઘણો રસ લઈ રહ્યા છે. રાજકોટ એરપોર્ટ ઉપર ત્રણ વર્ષ પૂર્વે ફરતે ફેન્સીંગ હતી પરંતુ હવે કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ છે અને તેને કારણે સલામતી વધી છે. એરપોર્ટની સુરક્ષા સીઆઈએસએફના જવાનોના હાથમાં હોય છે અને તેમના માટે ખાસ પ્રકારના બેરેક બનાવવામાં આવ્યા છે.

એરપોર્ટ ઓથોરીટીના સીએસઆર પ્રોજેકટ હેઠળ પાંચ ગલ્ર્સ સ્કૂલમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાંચ ટોઈલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. એરપોર્ટમાં પ્રવેશતાની સાથે જ નયનરમ્ય ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. રાજકોટ એરપોર્ટનું એનર્જી ઓડીટ કરવામાં આવ્યું હતું પણ હવે ટુંક સમયમાં રૂફટોફ ઉપર સોલાર લગાવામાં આવશે સાથોસાથ એલઈડી લાઈટ પણ મુકવામાં આવશે. એરપોર્ટના એપ્રોનને એટલે કે રન–વેને રીકાર્પેટીંગ પણ કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઉપર વિકલાંગો માટે ખાસ પ્રકારના ટોઈલેટ પણ બનાવવામાં આવ્યા છે. રાજકોટ એરપોર્ટનું નવીનીકરણ થયા બાદ કેટલાક સમય પુર્વે આવેલી રાજભાષા કમિટીએ કામગીરીના વખાણ કર્યા હતાં અને આ માટે એરપોર્ટ ડિરેકટર દિલીપ સજનાણીને અભિનંદન પણ આપ્યા હતાં. દિલીપ સજનાણી ઘણા હોશિયાર અને કાબેલ અધિકારી છે અને રાજકોટ એરપોર્ટના વિકાસમાં તેમણે ઘણો ફાળો આપ્યો છે ત્યારે તેમની સુરત બદલી થતાં અન્ય અધિકારી અને કર્મચારી વર્ગમાં પણ આર્ય થયું છે

print

Comments

comments

VOTING POLL