રાજકોટ પહેલા જેવું નથી રહ્યું…

March 3, 2017 at 6:06 pm


રાજકોટ હવે પહેલા જેવું નથી રહ્યું. પહેલા આ શહેર ઉપર ‘માલિક’ની મહેર રહેતી હતી અને રાજકોટ રંગીલું શહેર છે તેવું ફિલ્મી પડદે પણ જોવા અને સાંભળવા મળતું હતું પરંતુ હવે આ શહેર સમુળગું બદલાઈ ગયું છે. સુરજ તો હજુ પૂર્વમાં જ ઉગે છે અને પશ્ર્ચિમમાં આથમે છે. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી પરંતુ લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. નાના રાજકોટનું નામ હવે ‘મોટું’ થઈ ગયું છે. મને આવું રાજકોટ નથી જોઈતું…મને મારું જૂનું અને શાંતિપ્રિય રાજકોટ જોઈએ છે…હં રાજકોટનો જ નાગરિક છું અને મેં આ શહેરને મારા શ્ર્વાચ્છોશ્ર્વાસમાં સિંચ્યું છે. મારી નસેનસમાં રાજકોટ વહી રહ્યું છે. મને આ શહેર પ્રત્યે અપાર લાગણી છે પરંતુ અત્યારે જે થઈ રહ્યું છે તે મારી લાગણીને ચોક્કસપણે ઠેસ પહોંચાડે છે. મારે ઈશ્ર્વર પાસે ‘કોઈ લૌટા દે મેરે બીતે હએ દિન, બિતે હએ દિન કો મેરે પ્યારે પલછીન’ ગાવું પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. રાજકોટમાં રેસકોર્સ રિંગરોડ, યાજ્ઞિક રોડ, ગુંદાવાડી, કેવડાવાડી, સોરઠીયાવાડી, આજીડેમ, લક્ષ્મીવાડી, પ્રહલાદ પ્લોટ, કરણપરા, સોનીબજાર, પેલેસ રોડ, ત્રિકોણબાગ, રૈયા રોડ, કાલાવડ રોડ, સદર બજાર, જંકશન પ્લોટ, પોપટપરા જેવા જૂના અને જાણીતા વિસ્તારો જેમના તેમ છે પરંતુ આચાર, વિચાર અને આકાર બદલાઈ ગયા છે. શહેરની ભૂગોળ બદલાઈ ગઈ છે.

ઈતિહાસ જેમનો તેમ છે પરંતુ ભવિષ્ય કોઈ કહી શકે તેવો માહોલ દેખાતો નથી. પહેલાં મારા રાજકોટવાસીઓ બિન્દાસ્ત ફરતાં હતા. રાજકોટમાં ચોવીસેય કલાક ગમે ત્યારે ગમે તે વિસ્તારમાંથી નીકળો તો કોઈ પ્રકારનો ભય રહેતો નહીં. અરે, દાંડિયારાસ પૂરા કરી કોઈ પણ છોકરી રાત્રે 2 વાગ્યે એકલી ઘરે જઈ શકતી હતી. રાત્રે ફૂલછાબ ચોક અને સૂર્યકાંત હોટલે ચાની ચુસ્કીઓ સાથે શહેરની તંદુરસ્તી વિશે ચચર્ઓિ થતી હતી. રાજકોટમાં ભલે પીવાના પાણીની તંગી રહેતી હોય પરંતુ અહીંના લોકો પાણીવાળા હતા. સમય જતાં લોકો અને ખાસ કરીને નેતાઓ પણ ‘નપાણીયા’ થતાં જાય છે. રાજકોટમાં પહેલાં કોઈ એકબીજાને ગાળ દેતું તો પણ લાગી આવતું હતું અને હવે ખુલ્લેઆમ ખૂનામરકી થાય છે, અપહરણો થાય છે, ખંડણી ઉઘરાવાય છે, જાલીનોટ છપાય છે, બોમ્બ મુકાય છે. પહેલાં રાજકોટ આવું ન હતું. રાજકોટવાસીઓ ટેસડો કરવામાં માનતા હતા અને એકથી ચાર મોટાભાગે ઘરે જઈને આડે પડખે થવામાં માનતા હતા પરંતુ હવે કેલેન્ડરો જેમ જેમ બદલાતા ગયા તેમ તેમ લોકોની આવી ટેવ પરાણે છૂટતી ગઈ છે. ટેસડાની જગ્યાએ ટેન્શન અને આડે પડખે ને બદલે આડે રવાડે ચડી જવાય તેવું થઈ ગયું છે. શહેરમાં પૈસો આવ્યો છે પરંતુ શાંતિ હણાઈ ગઈ છે. ઝુંપડા દૂર થયા છે અને ગગનચુંબી ઈમારતો દેખાવા લાગી છે. ફિયાટ અને એમ્બેસેડર ધીરે ધીરે ગાયબ થઈ ગઈ છે અને લેન્ડ રોવર તથા જગુઆર જેવી ગાડીઓ રસ્તા પર દોડી રહી છે. સાઈકલો હવે માત્ર દેખાડો કરવા માટે વપરાતી જોવા મળે છે. પહેલાં પી.કે.દત્તા અને સતિષ વમર્િ જેવા અધિકારીઓ ખોંખારો ખાતાં તો પણ ગુનેગારોની લઘુશંકા છૂટી જતી હતી. લોકો શિસ્તમાં માનતા હતા અને બીજા લોકો પણ માને તેવો આગ્રહ રાખતા હતા. એક સમયે પોતાનું આંગણું સ્વચ્છ રાખતાં લોકોની માનસિકતા સમયની સાથે સાથે તદ્ન બદલાઈ ગઈ છે.

પહેલાં અખબારોમાં સાંસ્કૃતિક સમાચારોની સાથે સાથે એકાદ ખૂણે ‘એ…ગઈ…’ (એટલે કે સાઈકલચોરી)ના સમાચારો વાંચવા મળતા હતા પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે અને પહેલા-છેલ્લા પાને આઈએસના આતંકવાદીઓ, નહેનગર, અશ્ફાક ખત્રી, અનિસ ઈબ્રાહીમ અને લોકલ લુખ્ખાઓના સમાચાર વધુ વાંચવા મળે છે. પહેલા રાજકોટમાં આટલી બધી સમૃધ્ધિ ન હતી પરંતુ લોકોના દિલ વિશાળ હતાં. આજે જેમ જેમ પૈસો આવતો ગયો તેમ તેમ લોકોના હૃદય સંકોચાવા લાગ્યા છે. આજના રાજકોટમાં છાશનું ચલણ ઓછું અને બિયરનું ચલણ વધી ગયું છે. ગાય પાળનારા લોકો ઓછા છે અને કૂતરા બાંધનારા લોકો વધી ગયા છે. વિચારવાનું ઓછું થઈ ગયું છે અને ડાચું વકાસીને ટીવી જોવાનું વધી ગયું છે. મા-બાપ્ની કડકાઈ ઘટતી જાય છે અને સંતાનોની જોહકમી વધતી જાય છે. ભાખરીની જગ્યાએ બ્રેડ અને થેપલાની જગ્યાએ પીઝાનું ચલણ વધી ગયું છે. લીંબુ શરબત લીમ્કામાં ફેરવાઈ ગયું છે અને યુગલ હોય એવા કપ-રકાબીની જગ્યાએ વાંઢો મગ અથવા પ્લાસ્ટિકની પ્યાલી આવી ગઈ છે. સાંજના સમયે ગૃહિણીને ઘરમાં રસોઈ કરવાનો મોટામાં મોટો કંટાળો આવે છે અને તેને કારણે રેસ્ટોરન્ટના માલિકોના ઘર ચાલે છે. રાજકોટ પહેલા જેવું નથી રહ્યું. લગ્ન પહેલા હનીમુનના અને લગ્ન પછી છૂટાછેડાના બનાવો વધી રહ્યા છે. ટીવી ઉપર આવતી સોપ ઓપેરાને કારણે નવ વર્ષની નાની દીકરી રાતોરાત 18 વર્ષની થઈ જતી જોવા મળે છે. જનરલ ડબ્બામાં મુસાફરી કરનારા પણ આજે એરપોર્ટ ઉપર ચેક ઈન કરાવતા જોવા મળી રહ્યા છે. નોકીયાના 3310ની જગ્યાએ આઈફોન આવી ગયા છે અને એક સીમકાર્ડની સાથે સાથે જોડિયાભાઈ જેવું જીયોનું સીમકાર્ડ પણ લોકો રાખતા થયા છે. રાજકોટ હવે પહેલા જેવું નથી રહ્યું. નાની દુકાનમાં સંતાનો માટે ગંજી-ફરાક લેવા જતાં માતા-પિતા હવે મોલમાં વેસ્ટર્ન આઉટફીટ લેતાં જોવા મળે છે. લાઈબ્રેરીમાં હવે મોટાભાગે વૃધ્ધો જ જોવા મળે છે. નાની નાની વાતને મોટું સ્વપ આપી દેનારા લોકો પણ આ કહેવાતા રંગીલા રાજકોટમાં જ જોવા મળે છે. જેમ લાબેલા કે બજરંગના ગાંઠિયા વખણાય છે તેવી રીતે હવે અહીંના ગુંડા પણ વખણાવા લાગ્યા છે. અહીં પિતા પુત્રની સોપારી આપતા પણ અચકાતા નથી અને માતા પુત્રી પાસે ‘ધંધો’ કરાવતા પણ અચકાતી નથી. પહેલા મુંબઈ ‘હાદસા’ઓનું શહેર ગણાતું હતું પરંતુ હવે આ ડિગ્રી રાજકોટને મળી છે. પહેલાં રાજકોટ આવું ન હતું. પહેલા પોલીસ અધિકારીઓ માત્ર પોલીસ તરીકેની જ ફરજ બજાવતા હતાં પરંતુ હવે મવાલીઓને મસકા પોલીશ કરવાની પવિત્ર ફરજ પણ બજાવે છે. એકાદ બલી-જયપાલ જેવાને પકડીને વાહવાહી મેળવનારી પોલીસની ધાક હવે પહેલા જેવી નથી રહી કારણકે રાજકોટ પણ પહેલા જેવું નથી રહ્યું. શહેરનો વિસ્તાર અને વિકાસ ચારે દિશામાં થયો છે અને અસામાજિક પ્રવૃત્તિઓ આઠેય દિશામાં વધી ગઈ છે. મને મારું શાંત અને પ્રેમાળ રાજકોટ પાછું જોઈએ છે.

print

Comments

comments

VOTING POLL