રૂા.200, 2000ની ફાટેલી-તૂટેલી નોટ બદલી શકાશેઃ નાણા મંત્રાલયની મંજૂરી

August 9, 2018 at 10:55 am


હવે 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી-તૂટેલી નોટ બદલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. નાણા મંત્રાલયે આ અંગે રિઝર્વ બેન્કના ડ્રાફટને લીલીઝંડી આપી દીધી છે. આ માટે ટૂંક સમયમાં જાહેરનામું જારી કરી દેવામાં આવશે.
નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કે ફાટેલી-તૂટેલી અને ગંદી નોટ બદલવાની આરબીઆઈ (નોટ રિફંડ) નિયમ 2009માં ફેરફારનો પ્રસ્તાવ મોકલ્યો હતો જેને મંજૂરી આપીને રિઝર્વ બેન્ક પાસે મોકલી દેવાયો છે. ટૂંક સમયમાં જ નવા નિયમ જારી કરવામાં આવશે જેનાથી સામાન્ય જનતાને રાહત મળશે. હાલના નિયમ અનુસાર માત્ર 1, 2, 5,10,20,50,100,500,1000 રૂપિયાની નોટ બદલવાની જ જોગવાઈ હતી.
રિઝર્વ બેન્કના સૂત્રોએ જણાવ્યું કે નાણા મંત્રાલયની મંજૂરી બાદ ડ્રાફટને રિઝર્વ બેન્કના બોર્ડ સામે મંજૂરી માટે રાખવામાં આવશે. રિઝર્વ બેન્કના પૂર્વ ડાયરેક્ટર વિપીન મલિકે જણાવ્યું કે રિઝર્વ બેન્કની બોર્ડની મંજૂરી બાદ 200 અને 2000 રૂપિયાની નોટ બદલવાનો રસ્તો સાફ થઈ જશે.
કાયદામાં એવી કોઈ જોગવાઈ નહોતી જેના આધાર પર બેન્ક 2000 અને 200 રૂપિયાની ગંદી, જૂની અથવા ફાટેલી નોટ બદલી શકાય. નોટ બદલવાનો કાયદો આરબીઆઈ એક્ટની કલમ 28 અંતર્ગત આવે છે. તેમાં નોટબંધી પહેલા ફાટેલી-તૂટેલી નોટ બદલવાની પરવાનગી હતી. નોટબંધી બાદ રિઝર્વ બેન્કે અત્યાર સુધી તેમાં કોઈ પણ સંશોધન કર્યું નહોતું. હવે નવા ડ્રાફટમાં સંશોધન કરી 200 અને 2000 રૂપિયાની નોટ બદલવાની જોગવાઈને જોડી દેવામાં આવી છે.
2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં નોટબંધી લાગુ થયા બાદ જારી કરવામાં આવી હતી જ્યારે 200 રૂપિયાની નોટ સપ્ટેમ્બર 2017 બાદ જારી થઈ છે. દેશભરમાં મોટી સંખ્યામાં લોકો એ વાતને લઈને ઘણા પરેશાન છે કે નોટ બદલી શકાતી નથી. બેન્ક પણ કાયદો ન હોવાને કારણે લોકો નોટ બદલી શકતા નથી. કાયદામાં ફેરફાર થવાથી લોકોને રાહત મળી શકશે.

print

Comments

comments

VOTING POLL