રૂ.1 લાખના પગારદાર આઈટી અધિકારીઓને ફાળવેલી કાર પાછી લ્યો

October 7, 2017 at 12:30 pm


ઈનકમટેક્સ વિભાગના રૂ. એક લાખના પગારદાર અધિકારીઓને રૂ. 40 હજારના ભાડાની કાર આપવાનો રસપ્રદ મુદ્દો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. રાજ્યમાં આવા 150 જેટલા અધિકારીઓ છે અને તેઓ કારની સુવિધા માટેની લાયકાત નહીં ધરાવતા હોવા છતાંય તેમને કાર ફાળવવામાં આવે છે અને તેનું ભાડું સરકાર ચૂકવે છે. તેથી વર્ષે રૂ. સવા સાત કરોડનો બોજો સરકારી તિજોરી પર પડે છે. કારની સુવિધા કમિશનર અથવા તેની ઉપરનો હોદ્દો ધરાવતા અધિકારીઓને જ મળવા પાત્ર હોઇ બિનજરૂરી રીતે જેને કાર આપીને સરકાર ભાડું ચૂકવે છે તેમની ભાડુતી કાર પરત ખેંચી નાણાંકીય બચત કરવાની દાદ રિટમાં માંગવામાં આવી છે.

આ સમગ્ર મામલે અરજદાર સુનીલ શાહે એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે રિટ પિટિશન કરી છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા છે કે,કેન્દ્ર સરકારના તમામ વિભાગ માટે ડોપ્ટ હેઠળ કેટલાક નીતિનિયમો નિર્ધિરિત કરાયા છે. જે અન્વયે કમિશનર કે તેનાથી ઉપરથી રેન્કના ઈનકમટેક્સ અધિકારીને જ ઘરેથી આવવા-જવા માટે કારની સુવિધા આપવાનું નક્કી કરાયું છે. આ નિયમથી વિરૂદ્ધ ઈનકમટેક્સ વિભાગના આસિસ્ટન્ટ, ડેપ્યુટી, જોઇન્ટ અને એડિશનલ કમિશનરને પણ કારની સુવિધા આપવામાં આવી રહી છે. રાજ્યમાં આવા 150 જેટલા અધિકારીઓ છે. આ અધિકારીઓ જે કાર ભાડે લે છે તેનો ઉપયોગ પોતે તો કરે જ છે, પરંતુ સાથે જ તેમના કુટુંબીજનો પણ તેનો ઉપયોગ કરે છે અને તેનું કરોડો રૂપિયાનું ભાડું સરકાર ચૂકવે છે. સામાન્ય પેટ્રોલ અલાઉન્સને બદલે તેમને ભાડા માટે 40થી 60 હજારનો ખર્ચો કરવામાં આવે છે. જો તે ના કરવામાં આવે તો મહિને 60 લાખ અને વર્ષે રૂ. સવા સાત કરોડની બચત સરકારને થઇ શકે તેમ છે.

રિટમાં એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે, આવા અધિકારીનો પગાર રૂપિયા એક લાખ હોય અને તેને રૂ. 40 હાજર એટલે કે પગારના 40 ટકા રકમ કારના ભાડા પેટે ચૂકવવામાં આવે છે. હકીકતમાં તેમને પગારના 10 ટકા જેટલું પેટ્રોલ અલાઉન્સ આપવું જોઇએ. સરકાર આ રીતે તેમને બીનજરૂરી અને ગેરવ્યાજબી સુવિધા આપીને નાણાં અને સત્તાનો દુરુપયોગ કરે છે. આવા અધિકારીઓ કારનો જે ગેરકાયદેસર ઉપયોગ કરી તેનો ગેરલાભ ઉઠાવે છે તેમની સામે કાયદેસરના પગલાં પણ લેવા જોઇએ.

print

Comments

comments

VOTING POLL