રેલવે ભ્રષ્ટાચારમાં શિરમોર

April 15, 2017 at 6:35 pm


સરકારના વિવિધ ખાતાંઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદોમાં આગલા વર્ષ કરતાં 2016માં 67 ટકા જેટલો જંગી વધારો થયો છે. એમાં પણ રેલવેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલી ફરિયાદોની યાદી ટોચ ઉપર છે. જાહેર ક્ષેત્રનાં ઉપક્રમો સામે 11,000થી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો પ્રાપ્ત થઈ છે.
સંસદમાં તાજેતરમાં રજૂ થયેલી માહિતી અનુસાર સીવીસીને 2016માં ભ્રષ્ટાચારની 49847 ફરિયાદો મળી હતી. તેમાંથી 11200 જેટલી એટલે કે 20 ટકાથી વધારે ફરિયાદો તો એકલા રેલવે મંત્રાલયને લગતી મળી છે. એમા શંકાને સ્થાન નથી કે પથારાની રીતે કે કર્મચારીઓની સંખ્યાની રીતે પણ રેલવેની સામે અન્ય કેન્દ્રીય મંત્રાલયો પાણી ભરે છે તો પણ રેલવેમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનો તો ઇન્કાર થઇ શકે તેમ નથી. આ આંકડા તપાસતી વખતે એ પણ ખ્યાલ રાખવો જોઇએ કે ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે સીવીસી સુધી પહોંચતી ફરિયાદોનું પ્રમાણ કદાચ દસ ટકા પણ નહીં હોય. તેના પરથી પણ રેલવેમાં ભ્રષ્ટાચારના આ આંકડા તો હિમશીલાની ટોચ સમાન હોવાનું માની શકાય છે.

ભારતમાં રોડ, રેલવે અને હવાઇ એ ત્રણ પ્રકારના પરિવહનમાંથી રેલવે એકમાત્ર એવું સાધન છે જેમાં ભારત સરકારની મોનોપોલી છે. સામાન્ય રીતે ઇજારાશાહીના વ્યવસાયમાં નફો સુનિશ્ચિત હોવો જોઇએ પરંતુ સાદા વ્યવસાયનું નફાનુકસાનનું એવું ગણિત સરકારી વિભાગોમાં લાગુ પડતું નથી. સામાન્ય માણસને વેકેશન સિઝનમાં રિઝર્વેશન મળતું નથી. વેપારીઓ તથા અન્ય ધંધાર્થીઓએ પણ નૂરવહન માટે વેગન મેળવવા લાંબી રાહ જોવી પડે છે. પરંતુ તેમ છતાં રેલવેની આર્થિક હાલત ખરાબની ખરાબ જ રહે છે. ચાલુ ટ્રેને બર્થ મેળવવા માટે પ્રવાસીઓએ પૈસા વેરવા પડે છે તે તો રેલવેમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનું બહુ નાનું સ્વરૂપ છે. રેલવેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મીલીભગતમાં થતી ખાયકીઓ તો સામાન્ય પ્રજાની જાણમાં ક્યારેય આવતી જ નથી.

વાસ્તવમાં રેલવેનું તંત્ર એટલું વિરાટ છે કે એકાદ રેલવે બોર્ડ કે એકાદ રેલવે મિનિસ્ટર તે સંભાળી શકે તેમ જ નથી. લાંબા સમયથી રેલવેનું કામગીરીનાં સ્વરૂપ પ્રમાણે તથા ઝોન પ્રમાણેની અલગ અલગ કંપ્નીઓમાં વિભાજન કરી દેવાની માગણી થતી રહી છે. તાજેતરમાં રેલવે રેગ્યુલેટરી ઓથોરિટીની રચનાને બહાલી આપવામાં આવી છે પરંતુ તેનાં કાર્યક્ષેત્ર અને સત્તાઓ અંગેનું ચિત્ર સ્પષ્ટ થાય તે પછી તે રેલવેમાં સુધારામાં કેટલા અંશે મદદરૂપ બની શકશે તેનો ખ્યાલ આવી શકે તેમ છે.

print

Comments

comments

VOTING POLL