રેસકોર્સના લવગાર્ડનમાં મનપાના દરોડા: પ્રેમીયુગલોમાં નાસભાગ

November 14, 2017 at 4:59 pm


રાજકોટના હૃદયસમા રેસકોર્સ સંકુલના લવગાર્ડનમાં સવાર-સાંજ ટીનેજર્સ અને કોલેજિયન પ્રેમીપંખીડાઓ કલાકો સુધી બેસતાં હોવાનું અને સહપરિવાર ફરવા ગયેલા શહેરીજનો આ પ્રેમીપંખીડાઓની અભદ્ર ચેષ્ટાઓ નિહાળી શરમજનક સ્થિતિમાં મુકાઈ જતાં હોય આ અંગે મહાપાલિકા તંત્રમાં વ્યાપક ફરિયાદો મળતાં મહાપાલિકાની વિજિલન્સ પોલીસ બ્રાન્ચના ડીવાયએસપી આર.બી.ઝાલાના માર્ગદર્શન હેઠળ વિજિલન્સ પોલીસની ટુકડીઓ બનાવી રેસકોર્સના લવગાર્ડન સહિત શહેરના વિવિધ બગીચાઓમાં સરપ્રાઈઝ ચેકિંગડ્રાઈવ ડબલશિફટમાં શ કરવામાં આવી છે અને બગીચાઓમાં બેસી છાનગપતીયા કરતાં સ્કૂલ-કોલેજના પ્રેમીપંખીડાઓને રંગેહાથે પકડી પાડી ઠપકો આપીને રવાના કરવામાં આવી રહ્યા છે.
વિશેષમાં આ અંગે મહાનગરપાલિકાની વિજિલન્સ પોલીસ બ્રાન્ચના ડીવાયએસપી આર.બી.ઝાલાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રેસકોર્સ ગાર્ડન, કાલાવડ રોડ પર પ્રેમમંદિર સામેનું ગાર્ડન, આજીડેમ સંકુલ, ન્યારી ડેમ સંકુલ, એરપોર્ટ રોડ પરનું ગાર્ડન સહિતના બગીચાઓમાં છેલ્લા ઘણા સમયથી સવારે 10થી 2 દરમિયાન અને બપોરે 3થી 6-30 કલાક દરમિયાન સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિઓના યુગલો પ્રેમાલાપ કરતાં હોવાની ભદ્ર શહેરીજનો તરફથી ફરિયાદો મળતાં વિજિલન્સ પોલીસ બ્રાન્ચ દ્વારા સઘન ચેકિંગ શ કરવામાં આવ્યું છે. સવાર-સાંજ બબ્બે શિફટમાં શહેરના કોઈ પણ બગીચામાં સરપ્રાઈઝ ચેકિંગ કરી ત્યાં આગળ બેઠેલા સ્કૂલ અને કોલેજના પ્રેમીયુગલોને બહાર કાઢવામાં આવે છે. આ માટે છ મહિલા કોન્સ્ટેબલોની ટીમની રચના કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વિજિલન્સ પોલીસ બ્રાન્ચના વર્તુળોએ જણાવ્યું હતું કે તાજેતરમાં રેસકોર્સ લવગાર્ડનમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ત્યાં આગળ સ્કૂલ અને કોલેજના અનેક પ્રેમીયુગલો જોવા મળ્યા હતા તેને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જાહેરમાં અભદ્ર ચેષ્ટા કરતાં હોય તેવા અમુક પ્રેમીયુગલો પણ ધ્યાને આવ્યા હતા તેની શાન પણ ઠેકાણે લાવી દેવામાં આવી હતી. યુવતીઓની અલગથી પૂછપરછ કરવા માટે છ મહિલા કોન્સ્ટેબલની ટીમને સતત સાથે રાખવામાં આવે છે.
વિજિલન્સ પોલીસ બ્રાન્ચના વર્તુળોએ જણાવ્યું હતું કે રેસકોર્સ સહિતના બગીચાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન જે પ્રેમીપંખીડાઓ પકડાય છે તે મોટાભાગે રાજકોટમાં અભ્યાસાર્થે આવ્યા હોય છે અને પેઈંગ ગેસ્ટ તરીકે અથવા તો હોસ્ટેલર તરીકે રહેતાં હોય છે તેવું પૂછપરછ દરમિયાન બહાર આવે છે. અલગ અલગ સ્કૂલ અને કોલેજના સમયે બગીચાઓમાં ચેકિંગ કરવામાં આવે ત્યારે અનેક વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં પ્રેમાલાપ કરતાં નજરે પડતાં હોય છે.

print

Comments

comments

VOTING POLL