રેસકોર્સમાં કાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

January 11, 2017 at 3:41 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ-વિદેશના 60 જેટલા નામાંકિત પતંગબાજો અવનવી પતંગોના પેચ લડાવશે. સવારે 9 કલાકથી કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થશે. આ તકે જાહેર જનતાને ઉમટી પડવા મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ સહિતના પદાધિકારીઓ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
વધુમાં આ અંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જર્મની, બેલ્જીયમ સહિતના વિવિધ દેશોના તેમજ ભારત દેશમાંથી કેરળ સહિતના રાજ્યોના 60 જેટલા પતંગબાજો અવનવા, રંગબેરંગી અને વિશાળ કદના પતંગો સાથે ભાગ લેશે અને આકાશમાં પતંગની રંગોળી સર્જાશે અને આ અદ્ભુત નજારો જોવા જેવો બની રહેશે. શહેરીજનોને આ કાર્યક્રમમાં બાળકોને ખાસ સાથે લઈને સહ પરિવાર પધારવા જાહેર આમંત્રણ અપાયું છે.
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ઉદ્ઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે કરાશે જ્યારે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નીતિન ભારદ્વાજ, ગુજરાત પ્રવાસન નિગમના ડાયરેક્ટર માંધાતાસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ્ના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, શાસક નેતા અરવિંદ રૈયાણી અને વિપક્ષી નેતા વશરામ સાગઠિયા તેમજ શાસકપક્ષના દંડક રાજુભાઈ અઘેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આયોજનને સફળ બનાવવા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરના માર્ગદર્શન હેઠળ આસિ.મેનેજર અમિત ચોલેરા, પ્રવાસન વિભાગના અધિકારી પઢિયાર સહિતનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL