લાલુનો સપરિવાર ભ્રષ્ટાચાર!

July 14, 2017 at 7:46 pm


બિહારની ગઠબંધન સરકારને ગ્રહણ લાગી ગયું છે અને રાજકીય પંડિતોની વાત માનવામાં આવે તો આ ગઠબંધન તૂટી પડે તો નવાઈ પામવા જેવું નહીં રહે. બીજા શબ્દોમાં કહીએ તો, લાલુપ્રસાદ યાદવના ખાનદાનની કૌભાંડલીલાના કારણે બિહારમાં લાલુ પ્રસાદ ને નીતીશકુમારના રોમાંસના રંગમાં ભંગ પડ્યો છે. લાલુપ્રસાદના પાટવી કુંવર ને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનું નામ આ કૌભાંડમાં ખરડાયું છે. નીતીશકુમાર આ બધા મામલે બહુ ચોખલિયા છે.

અંદરખાને ગમે તે ચાલતું હોય પણ બહારથી નીતીશ પોતાની ઈમેજ દૂધે ધોયેલા ને ચોખ્ખાચણાક માણસ તરીકેની રહે એ માટે સતર્ક રહે છે. આ કારણે તેમણે તેજસ્વીને આ મામલે ચોખવટ કરવા ફરમાન કર્યું તેના પગલે તેજસ્વી જાહેરમાં પ્રગટ થયો ને તેણે એ જ રેકર્ડ વગાડી કે જે દરેક કૌભાંડી વગાડતો હોય છે. તેજસ્વીએ પણ જાહેર કર્યું કે મારી સામે કાવતરું ઘડાયું છે ને રાજકીય કારણોસર મને ફસાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર પોતાને ફસાવી રહી છે ને નરેન્દ્ર મોદી-અમિત શાહની જુગલ જોડી પોતાના ખાનદાનને ખતમ કરવા મેદાને પડી હોવાનો આક્ષેપ પણ તેજસ્વીએ કરી નાખ્યો.

આ વાતોમાં નવું કશું નથી પણ તેજસ્વીએ એક બીજી જે વાત કરી એ નવી છે. તેજસ્વીનો દાવો છે કે મોદી સરકાર જે કૌભાંડ પોતાના નામે ચડાવી રહી છે એ 2004નું છે ને એ વખતે તો પોતે સાવ નાનું છોકરું હતું. પોતાને હજુ મૂછનો દોરોય નહોતો ફૂટ્યો ત્યારે બેનામી પ્રોપર્ટી પોતાના નામે કઈ રીત રાખી શકે તેવો દાવો પણ તેજસ્વીએ કરી નાખ્યો.
તેજસ્વીએ જે વાત કરી એ નવી છે ને લાલુપ્રસાદ યાદવનું આખું ખાનદાન કઈ રીતે તૈયાર છે તેના પુરાવારૂપ છે. મોરનાં ઈંડાંને ચિતરવાં ના પડે એ તેજસ્વીએ ફરી સાબિત કરી દીધું છે. લાલુપ્રસાદે આખી જિંદગી કોઠાંકબાડાં ને જાકુબીના ધંધા કરીને પોતાનું ઘર ભર્યું ને પછી જૂઠાણાં ચલાવીને બિહારની ભોળી જનતાને ઉલ્લુ બનાવી. તેજસ્વીએ એ વારસો બરાબર જાળવ્યો છે તેનો આ વાત પુરાવો છે.

print

Comments

comments

VOTING POLL