લાલુ પરિવારની મુશ્કેલી વધી

July 10, 2017 at 9:34 pm


સીબીઆઇએ ભ્રષ્ટ્રાચારના એક કેસમાં રાષ્ટ્ર્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવારની મિલકતો પર દરોડા પાડતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં, કેન્દ્રીય તપાસ એજન્સીએ આ સાથે લાલુ, તેમના પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી સહિત ચાર સામે કેસ નોંધીને તેમને આરોપી બનાવતાં રાજકીય ગરમાવો વધી ગયો છે. સીબીઆઈના આ પગલાંને કારણે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનું પદ જોખમમાં આવી ગયું છે. આરોપી બનતાં જ બિહાર કેબિનેટમાં તેમનું સ્થાન પણ ડગમગી ગયું છે.
બિહારના પશુઓનો ઘાસચારો ઓહિયા કરી જવા બદલ કોર્ટ દ્રારા કસૂરવાર ઠરી ચૂકેલા લાલુપ્રસાદ યાદવે એટલી તો પ્રગતિ કરી લીધી છે કે હવે તેમનું નામ હોટલ કૌભાંડમાં સંડોવાયું છે. લાલુપ્રસાદ યાદવ રેલવે પ્રધાન હતા ત્યારે આઇઆરસીટીસી સંચાલિત હોટલોની જમીનો કેટલીક કંપનીઓ મારફતે છેવટે લાલુપ્રસાદના પરિવારજનોની માલિકીની થઇ ગઇ હતી. લાલુપ્રસાદ યાદવ , રાબડી દેવી, તેમના પુત્રો તેજપ્રતાપ અને તેજસ્વી યાદવ તથા પુત્રી મીસા ભારતી સામે અગાઉ પણ અપ્રમાણસર સંપત્તિ સહિતના કેસોમાં કાર્યવાહી થઇ ચૂકી છે.

ઘાસચારા કૌભાંડમાં કોર્ટ દ્રારા કસૂરવાર ઠરી ચૂકયા હોવા છતાં લાલુપ્રસાદ યાદવ રાજકીય તિકડમના સહારે હાલની બિહારની નીતિશ કુમાર સરકારના માત્ર ભાગીદાર જ નહીં પણ ઘડવૈયા પણ છે અને તેમના પુત્રોને નીતિશ પ્રધાનમંડળમાં સ્થાન અપાવી તથા પુત્રીને સંસદમાં ગોઠવીને રાજકીય પ્રભાવ ભોગવે છે. નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપ તેમની રાજકીય કારકિર્દી ભરખી ના જાય તે માટે પોતાના એક જમાનાના કટ્ટર રાજકીય વેરી લાલુપ્રસાદ યાદવ સાથે હાથ મેળવી મહાગઠબંધન રચી વિધાનસભાની ચૂંટણી લડીને સરકાર રચી છે. પરંતુ, છેલ્લા કેટલાય સમયથી અણસાર મળી રહ્યા છે તેમ નોટબંધીથી માંડીને જીએસટી અને રાષ્ટ્ર્રપતિની ચૂંટણી સહિતના મુદ્દાઓ પર નીતિશ કુમાર ફરી એનડીએ તરફ સરકી રહ્યા છે અને તે સાથે જ લાલુ ફરતેનો ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે.
લાલુપ્રસાદ અને તેમના પરિવારના રાજકીય પતન પર આ દેશનો કોઇ નાગરિક આંસુ નહીં સારે બલ્કે તે પતન હવે અતિ ઝડપથી થાય તે માટે તેમની સાથે છેડો ફાડવાની હિંમત નીતિશકુમાર કયારે કરે છે તેના પર જ મીટ માંડશે

print

Comments

comments

VOTING POLL