વડાપ્રધાનના ટોચના આર્થિક સલાહકારોએ બજેટ સામે ઉભા કર્યા પ્રશ્નાર્થ
કેન્દ્રીય બજેટમાં કેટલીક જોગવાઈઓ અને કેટલાક પગલાંઓની સામે આમ તો દેશના અનેક વર્ગમાંથી વિરોધ ઉઠયો છે પરંતુ હવે નીતિપંચના વાઈસ ચેરમેન સહિત વડાપ્રધાનના આર્થિક સલાહકાર મંડળના ટોચના બે સલાહકારોએ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ અને વધતી રાજકોષીય ખાધ વિશે ભયંકર ચિંતા દર્શાવી છે અને એમ કહ્યું છે કે અમારી ચિંતા વડાપ્રધાન સુધી પહોંચાડવી જરૂરી છે.
નીતિપંચના વાઈસ ચેરમેન રાજીવ કુમાર તેમજ ઈકોનોમિક એડવાઈઝરી કમિટીના સભ્ય સુરજીત ભલ્લા અને રથીન રોયે પણ બજેટ અંગે ભારે ચિંતાઓ દર્શાવી છે અને કેટલાક પગલાંઓને અયોગ્ય ગણાવ્યા છે. રાજીવકુમારે એમ કહ્યું છે કે બજેટની કેટલીક જોગવાઈઓ ચિંતા કરાવે એવી છે. સુરજીત ભલ્લાએ એમ કહ્યું છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસ નાખવાની જરૂર નહોતી. યારે રથીન રોયે કહ્યું છે કે રાજકોષીય ખાધમાં ઘટાડો કરવાની પ્રતિબદ્ધતા સરકાર પૂરી કરી શકી નથી માટે ભારતની વિશ્ર્વસનીયતાને ગંભીર અસર પહોંચી રહી છે.
આ ટોચના સલાહકારોએ એક સૂરમાં એમ કહ્યું છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસને પાછો લાદવાનું પગલું બિલકુલ અયોગ્ય છે. એમણે કહ્યું છે કે આ ટેકસથી સરકારને રૂા.૫૦૦૦ કરોડથી વધુની આવક થવાની નથી. બજેટમાં આ ટેકસથી આવકનો અંદાજ રૂા.૨૦૦૦૦ કરોડ ભલે બાંધવામાં આવ્યો પરંતુ આટલા રૂપિયા મળવાના નથી. દેશ પાછો સંરક્ષણાત્મક માર્ગ પર પાછો ફર્યેા હોય તેવું લાગે છે કારણ કે કસ્ટમ ડયુટીમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલી રેવન્યુ મળશે તેની કોઈ ચોખવટ થઈ નથી અને કસ્ટમ ડયુટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. નીતિપંચના ચેરમેન અરવિંદ પણાગરીયાએ પણ ઈકોનોમિક ટાઈમ્સમાં એક લેખ લખીને બજેટ અંગે પોતાની નારાજગી દર્શાવી હતી અને હવે વડાપ્રધાનના બે ટોચના આર્થિક સલાહકારોએ બજેટ અંગે ભારે અસંતોષ અને ચિંતા દર્શાવી છે અને સરકાર આ ટોચના અધિકારીઓએ કરેલા મંથનને કેટલી ગંભીરતાથી લ્યે છે અને કોઈ ફેરફાર કરે છે કેમ ? તે જોવાનું રહેશે.