વડાપ્રધાન પદની સ્પર્ધાની વાતો અત્યારથી જોરમાં

May 17, 2017 at 9:01 pm


બે વર્ષ પછી યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે વિપક્ષોનો સંયુકત મોરચો રચાશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે. આ જ પ્રશ્ન સાથે જોડાયેલો બીજો મહત્વનો સવાલ એ છે કે આવા સંભવિત મોરચાનું નેતૃત્વ કોણ કરશે? વિપક્ષી મોરચાના નેતા તરીકે સૌથી ચર્ચાયેલું નામ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારનું હતું. પરંતુ, હવે નીતિશે પોતે સ્પષ્ટ્ર કરી દીધું છે કે પોતે ૨૦૧૯ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાષ્ટ્ર્રીય સ્તરે હોડમાં નથી. નીતિશે સ્પષ્ટ્ર ઇશારો આપ્યો છે કે તેઓ હાલ બિહારની ગાદી સંભાળીને જ બેસી રહેશે. નીતિશે તો રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર માટેના પ્રયાસોને ખુલ્લો ટેકો આપવાને બદલે ભાજપ સર્વસંમત ઉમેદવાર માટે પ્રયાસ કરે એવું કહી નરમ વલણ દાખવ્યું છે.

નીતિશે નોટબંધીને ટેકો જાહેર કર્યેા તે પછી તેમના અને ભાજપ વચ્ચેનું અંતર ઝડપભેર ઘટી રહ્યું છે અને બીજી તરફ લાલુપ્રસાદ યાદવના પરિવાર સામે તાજેતરમાં થયેલા ભ્રષ્ટ્રાચારના નવા આરોપો બાદ તેમના અને લાલુ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ સંદર્ભમાં જોતાં નીતિશ રાબેતા મુજબ ચેક એન્ડ બેલેન્સની તેમની જૂની રમત રમી રહ્યા છે. નીતિશનું આ વિધાન કહેવાતા વિપક્ષી મોરચા માટે ભારે ફટકાજનક છે.
આમ તો દેશમાં સૌથી મોટા અને સૌથી જૂના વિપક્ષ તરીકે કોંગ્રેસના નેતા જ કોઇપણ વિપક્ષી મોરચાના નેતા થવા મથે પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહત્પલ ગાંધીએ આવી કોઇ જ ક્ષમતા હજુ સુધી દાખવી નથી. ઉલ્ટાનું યુપી તથા બિહારની પાછલી વિધાનસભા ચૂંટણીઓમાં જોવાયું છે તેમ કોંગ્રેસ મુખ્ય વિપક્ષને બદલે બળવાન પ્રાદેશિક પક્ષ સાથે ગૌણ ભૂમિકા જ ભજવતી રહી છે.

કોંગ્રેસ સિવાયના પક્ષોમાંથી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગાજે છે સૌથી વધારે પરંતુ પંજાબ અને ગોવામાં હાર ઉપરાંત તેમના ગઢ દિલ્હીમાં પણ તેમનો જનાધાર ઘટી રહ્યો છે. ઉપરાંત, તાજેતરમાં તેમની સામે લાગેલા ભ્રષ્ટ્રાચારના નવા આરોપોથી તેમનાં રાજકીય ભાવિ સામે પ્રશ્નાર્થ મૂકાઇ ગયો છે. એમ તો બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીને પણ રાષ્ટ્ર્રીય સ્તરે નેતૃત્વનાં સપનાં આવે છે પરંતુ વાસ્તવમાં બંગાળની બહાર કોઇ તેમને ઓળખતું નથી અને ખુદ બંગાળમાં પણ ભાજપનાં વધતાં આક્રમણના કારણે તેમણે પોતાની રાયની ગાદી સંભાળવામાં જ વધુ મહેનત કરવી પડશે એ નક્કી છે.

નીતિશે આજે જે શાણપણ દાખવ્યું છે તે બિજેડીના નેતા નવિન પટનાયક વર્ષેા પહેલાં દાખવી ચૂકયા છે અને રાષ્ટ્ર્રીય રાજકારણમાં વધારે ચંચુપાત કરવાને બદલે ઓરિસ્સાનું પોતાનું ઘર સંભાળી રહ્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જોવાયું તેમ હવે આપણે ત્યાં પણ ચૂંટણીઓ અમેરિકી પ્રમુખની ચૂંટણીની જેમ મુદ્દા કે પક્ષ કેન્દ્રિત ઓછી અને વ્યકિત કેન્દ્રિત વધારે થતી જાય છે. આવાં વ્યકિતકેન્દ્રી જંગમાં જો વિપક્ષો કોઇ મજબૂત ચહેરો રજૂ ના કરી શકતા હોય તો અગાઉ જમ્મુ અને કાશ્મીરના માજી મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું તેમ તેમણે ૨૦૧૯ નહીં પણ ૨૦૨૪ના જગં માટે જ તૈયારી કરવી પડશે.

print

Comments

comments

VOTING POLL