વધુ પડતી દવાઓ લખી દેતાં ડોકટરોની ખેર નથી

March 20, 2017 at 11:31 am


અનાવશ્યક દવાઓ ખાવાથી દર્દીઓને શારીરિક અને આર્થિક નુકસાન થાય છે પરંતુ હવે જરૂર કરતાં વધુ દવાઓ લખનારા ડોકટર પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કેન્દ્ર સરકારે દવાઓના ઉપયોગને વિનિયમીત કરવા માટે એક ઈ–પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્લેટફોર્મ પર દર્દીને આપવામાં આવેલી દરેક દવાની માહિતી ડોકટરના નામ સહિત નોંધાશે. આને ડોકટરોના પ્રિસ્ક્રિપ્શનને ઓડિટ કરવાની દિશામાં પહેલું પગલું માનવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દવાઓના વેચાણને વિનિયમીત કરવા માટે પોતાની વેબસાઈટ પર એક પરામર્શ પત્ર જારી કર્યેા છે. આ અંગે એક મહિનાની અંદર વિવિધ પક્ષો પાસેથી પ્રતિક્રિયાઓ પણ લેવામાં આવશે. પરામર્શ પત્રમાં કહેવાયું છે કે દવાઓના સીમિત ઉપયોગ અને ગુણવત્તા નક્કી કરવા, એન્ટીબાયોટિક દવાઓના અંધાધૂંધ ઉપયોગને રોકવા તથા ઓનલાઈન દવાઓની વેચાણને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.
મુસદ્દા અનુસાર તમામ દવા વિક્રેતાઓ, વિતરકો અને નિર્માતાઓને ઈ–પ્લેટફોર્મ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ઈ–પ્લેટફોર્મ મૂળ એક પોર્ટલ હશે. આ પોર્ટલ સરકારના નિયંત્રણમાં રહેશે. દવા નિર્માતા કંપનીથી લઈને કેમિસ્ટ સુધીએ દવાનું વેચાણ આ પોર્ટલ પર લોગ ઈન કરીને કરવું પડશે. આ પોર્ટલથી વેચાણની રસિદ કપાશે. આમાં દવાના વેચાણની સંપૂર્ણ માહિતી આપવી પડશે. કઈ દવા કઈ માત્રામાં કોને વેચવામાં આવી એ બધું લખવું પડશે. કેમિસ્ટ માટે એ પણ અનિવાર્ય હશે કે તેઓ દવા લખનારા ડોકટરનું નામ અને રજિસ્ટ્રેશન નંબર પણ લખે. આ પ્રકારે જેટલી પણ દવાઓ કેમિસ્ટ વેચશે તેનો રેકોર્ડ આ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.
ઈ–પ્લેટફોર્મ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એક વિભાગની રચના કરશે જે આ આંકડાઓ પર નજર રાખશે. આમાં નકલી દવાનું વેચાણ પણ નહીં થઈ શકે. અનાવશ્યક દવાઓ લખનારા ડોકટરોની માહિતી એકત્ર કરવામાં આવશે. આ પોર્ટલ બન્યા બાદ સૌથી મોટો ફાયદો એ હશે કે જે લોકો પોતાની મરજીથી અને ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા ખરીદી નહીં શકે કેમ કે ડોકટરનું નામ અને રજિસ્ટ્રેશન નંબર નાખ્યા વગર વેચાણની રસિદ નહીં કપાય. સરકારી, બિનસરકારી હોસ્પિટલો, ડિસ્પેન્સરીઓ અને કિલનિક સહિતના ડોકટરો આ ઈ–પ્લેટફોર્મના વિસ્તારમાં આવી જશે.
મુસદ્દામાં કહેવાયું છે કે ઈ–પ્લેટફોર્મના સંચાલન વ્યય માટે દવા વિક્રેતાઓ પાસેથી જ રકમ એકત્ર કરવામાં આવશે. ઓનલાઈન દવાઓના વેચાણ પર એક ટકા રકમ ટેકસ સ્વરૂપે ચૂકવવાની રહેશે જે પ્રતિ દિવસ વધુમાં વધુ ૨૦૦ રૂપિયા સુધી હશે. આ ઈ–પ્લેટફોર્મ સ્માર્ટફોન ઉપર પણ ચાલશે એટલે કે યાં ઈન્ટરનેટ કનેકશન નથી અથવા કોમ્પ્યુટરની સુવિધા નથી ત્યાં સ્માર્ટફોનથી આ કાર્ય કરી શકાશે.
એક અભ્યાસ મુજબ દર્દી જરૂરિયાત સામે ૮૬ ટકા વધુ દવાઓ ખાય છે. આનાથી તેને સાઈડ ઈફેકટ થવા સાથે સાથે આર્થિક નુકસાન પણ જાય છે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં ડો.સી.એમ.ગુલાટીએ કહ્યું કે દેશમાં પાંચ લાખ કેમિસ્ટ છે તેમાંથી ૯૫ ટકા પાસે કોમ્પ્યુટર નથી. ખાલી ડોકટણનું નામ નોંધવાથી કશું નહીં થાય પરંતુ રસિદ સ્કેન થવી જોઈએ. આવી વ્યવસ્થા બ્રિટનમાં છે પરંતુ ત્યાં ડોકટરોના રજિસ્ટ્રેશનનો તમામ ડેટા ઓનલાઈન છે પરંતુ આપણે ત્યાં હજુ આવું કશું થયું નથી. ડોકટરોનું રજિસ્ટ્રેશન રાયોમાં અને કેન્દ્રમાં બન્ને જગ્યાએ થાય છે. અનેક ડોકટરો બન્ને જગ્યાએ રજિસ્ટર્ડ છે એટલા માટે યાં સુધી રજિસ્ટ્રેશનના આંકડાને સુધ્ઢ કરવામાં નહીં આવે ત્યાં સુધી સિસ્ટમ યોગ્ય રીતે ચાલી શકશે નહીં.

print

Comments

comments

VOTING POLL