વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો ‘ડબલ એટેક’: કોંગ્રેસ પણ લડાયક મિજાજમાં

August 8, 2017 at 4:55 pm


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે આંગળીના વેઢે ગણાય તેટલા મહિનાઓ બાકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની દરેક ગતિવિધિઓ ચૂંટણીલક્ષી જ બની રહી છે. આજે યોજાયેલી રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી તેનું ટ્રેલર હતી પરંતુ ખરાખરીનો જંગ વિધાનસભાની ચૂંટણીમાં ખેલાશે અને તે માટે ભાજપે ‘ડબલ એટેક’ની રણનીતિ અત્યારથી જ અમલમાં મુકી દીધી છે. તો ‘ડિફેન્સ ઈસ ધ બેસ્ટ એટેક’ની જૂની-પુરાણી પોલિસીને ફગાવીને કોંગ્રેસ પણ હવે આક્રમક મૂડમાં આવી ગઈ છે.

ડબલ એટેકની પોતાની રણનીતિ મુજબ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 6 ધારાસભ્યોને કોંગ્રેસમાંથી રાજીનામા અપાવીને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવવામાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ ભાજપને સફળતા મળી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ આ એટેક વધુને વધુ પ્રબળ બનતો જશે અને તેમાં ધારાસભ્ય ઉપરાંત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, વિવિધ જ્ઞાતિ-સમાજના નેતાઓને કેસરિયો ખેસ પહેરાવવા માટે ભાજપ્ના આગેવાનો પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દેશે.
કોંગ્રેસના 6 ધારાસભ્યોને ભાજપમાં ભેળવવાની વાત નવી નથી. આ અગાઉ પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ આગેવાનો, ધારાસભ્યો, સંસદસભ્યોને ભાજપમાં ભેળવવાની પ્રક્રિયા થઈ ચૂકી છે. 2014ની લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં આ અભિયાન હાથ ધરાયું હતું અને ત્યાં સુધીમાં નરહરી અમીન, વિઠ્ઠલભાઈ રાદડિયા, જયેશભાઈ રાદડિયા, પૂનમબેન માડમ, લીલાધર વાઘેલા, દેવુસિંહ ચૌહાણ, રામસિંહ રાઠવા, પ્રભુભાઈ વસાવા, કેશાજી ચૌહાણ, જશાભાઈ બારડ, નીમાબેન આચાર્ય, રાજેન્દ્રભાઈ ચાવડા, બાવકુભાઈ ઉંધાડ, પરબતભાઈ પટેલ, પબુભાઈ માણેક જેવા ગણ્યા ગણાય નહીં તેટલા આગેવાનોને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા છે અને આ દરેક કિસ્સામાં રાજકીય વળતર પણ આપવામાં આવ્યું છે. કોઈને મંત્રી બનાવ્યા છે, કોઈને સંસદસભ્ય… કોઈને ધારાસભ્યપદની લ્હાણી કરી છે તો કોઈને બોર્ડ નિગમ કે આયોજનપંચ જેવા સ્થાનોએ હોદ્દાઓ અપાયા છે.

કોંગ્રેસના વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, સિધ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદભાઈ પટેલ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, વાંસદના ધારાસભ્ય ચનાભાઈ ચૌધરી, ઠાસરાના રામસિંહ પરમાર સહિત અનેક ભાજપમાં જોડાયા છે. જસદણના કોંગ્રેસના ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, જામનગરના રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વાઘેલા સહિતનાઓ અનેક આગામી દિવસોમાં ભાજપમાં ભળે અને તેમને પણ ટિકિટની લ્હાણી થાય અથવા તો અન્ય હોદ્દાઓ આપવામાં આવે તેવી આશંકા છે.
ભાજપ્ને ઉંચો લાવવામાં ‘પરિશ્રમની પરાકાષ્ટા’ સર્જનાર ભાજપ્ના પાયાના અનેક કાર્યકરો આ પ્રકારના રાજકારણથી ખિન્ન બન્યા છે. કોંગ્રેસમાં જવા જેવું નથી અને ભાજપમાં રહેવા જેવું નથી તેવી લાગણી અનુભવી રહ્યા છે. જો આવી જ લાગણી લાંબો સમય સુધી ચાલુ રહેશે તો રાજકોટમાં જેમ ‘કિરણ પટેલવાળી’ થઈ હતી તેવી ઘટનાઓ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં અનેક બેઠકો ઉપર થઈ શકવાની શકયતા રાજકીય નિરીક્ષકો નકારતા નથી.

ડબલ એટેકની બીજી બાબતમાં ભાજપ્નો વ્યૂહ જે તેની સામે છે તેની પર આક્રમણનો રહ્યો છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહલ ગાંધી પર પથ્થરમારાની ઘટના આવા બનાવોની ગવાહીમાં વધુ એકનો ઉમેરો કરે છે. આ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ સહિતનાઓ પર આવા બનાવો બની ચૂકયા છે.

ભાજપની આવી બેવડા એટેકની નીતિ સામે કોંગ્રેસ પણ આ વખતે જાણે કોઈ કસર છોડવા ન માગતી હોય તેમ રાહલ ગાંધી પરની હમલાની ઘટનાના વિરોધમાં કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલનો-દેખાવો કયર્િ હતા. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, કચ્છ સહિત રાજ્યભરમાં અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ પાણી સહિતના ભાજપ્ના નેતાઓના પૂતળા દહન, રસ્તા રોકો, ધરણાં સહિતના કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા યોજાયા હતા અને તેની આક્રમકતા એટલી વધારે હતી કે, નજીકના ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા સંગઠિત રીતે અને આક્રમકતાથી આવા કાર્યક્રમો ભાગ્યે જ અપાયા છે. આ કાર્યક્રમની સૌથી વધુ નોંધનીય બાબત તો એ હતી કે, ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ જેવા કોંગ્રેસના પ્રદેશ કક્ષાના દિગ્ગજ નેતાઓ ગુજરાતની બહાર હોવા છતાં કોંગ્રેસની સેક્ધડ કેડર દ્વારા નેતાઓના માર્ગદર્શન વગર વિરોધનો જોરદાર કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં અપાયો હતો.

સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સામે ‘જનરલ ડાયર ગો બેક’ જેવા સૂત્રો પોકારાયા હતા અને આ કાર્યક્રમ અધુરેથી આટોપી લેવાયો હતો. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે વડોદરામાં તેમની સાથે પણ બદસલુકી થઈ હતી. મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો હરિયો બોલાવાયો હતો. આવી અનેક ઘટનાઓમાં પદર્િ પાછળ કોંગ્રેસ હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવે છે. આ આક્ષેપ સાચો હોય કે ખોટો પરંતુ હવે ભાજપ્ના દરેક એકશનનું રિએકશન આપવામાં કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે તે વાત નિશ્ર્ચિત છે. ગુજરાતની ઓળખ ‘ગાંધીના ગુજરાત’ તરીકેની સમગ્ર વિશ્ર્વમાં છે. સત્ય અને અહિંસાના આજીવન પૂજારી ગાંધીજીના ગુજરાતમાં દિન-પ્રતિદિન બની રહેલી આવી ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે.

print

Comments

comments

VOTING POLL