વિવાદાસ્પદ એનીમી પ્રોપર્ટી બિલને મંજૂરી

March 17, 2017 at 6:57 pm


સંસદમાં એનીમી પ્રોપર્ટી એક્ટમાં સંશોધન કરતું બિલ ધ્વનિ મતથી પસાર થઈ ગયું છે. આ બિલથી અનેક પરિવારો પર અસર થશે. એટલું જ નહીં સરકારને પણ એક લાખ કરોડ પિયાની આવક થશે તેવો અંદાજ છે. 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી એનીમી પ્રોપર્ટી એક્ટ, 1968માં અમલી બન્યો હતો. આ એક્ટ ભારતની કેન્દ્ર સરકારને એનીમી પ્રોપર્ટીના કસ્ટોડિયન નીમવા અધિકૃત કરે છે. પાકિસ્તાની નાગરિકોને આ એક્ટ અંતર્ગત પૂછવામાં આવે છે કે તેઓ 1947માં ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું એ અગાઉ ભારતના નાગરિક હતા અને વિભાજન પછી ભારત છોડી પાકિસ્તાનમાં વસ્યા છે કે કેમ? આવા લોકોની ભારતમાં રહેલી સંપત્તિઓ ભારત સરકારના કસ્ટોડિયન ઓફ એનીમી પ્રોપર્ટી વિભાગને હસ્તક રહે છે. સંશોધિત બિલ મુજબ હવે સંપત્તિઓનો માલિકી હક્ક જે તે માલિકો પાસે નહીં રહે અને સંપત્તિનો સંરક્ષક પાસે અંકુશ રહેશે.
માત્ર ઉત્તરપ્રદેશની જ વાત કરીએ તો ત્યાં ઓછામાં ઓછી 1519 સંપત્તિઓ એવી છે, જેનો માલિકી હક્ક આ બિલ પાસ થવાથી પ્રભાવિત થશે. સૌથી વધુ અસર મહેમૂદાબાદના રાજા પર પડશે. તેમના પિતા અમીર અહમદ ખાન 1957માં પાકિસ્તાન ચાલ્યા ગયા હતા પણ તેમના પત્ની અને પુત્ર ભારતમાં જ રહ્યા હતા. મહેમૂદાબાદના રાજા પાસે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં લગભગ 936 સંપત્તિ છે. નવું સંશોધિત બિલ પાસ થયા પછી તેમના પરિવારનો આ સંપત્તિઓ પર માલિકી હક્ક ખતમ થઈ જશે. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે સૈફ અલી ખાન અને તેના પરિવારની ભોપાલમાં જે સંપત્તિ છે તેના પર પણ અસર થઈ શકે છે. પટૌડી પરિવારના વકીલે જોકે આ સંભાવના અંગે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટના દાવા પર આ બિલની કોઈ અસર પડશે નહીં.

આ નવો કાયદો અમલમાં આવ્યા પછી તમામ એનીમી પ્રોપર્ટીનું નિયંત્રણ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સંરક્ષકો પાસે ચાલ્યું જશે. પૂર્વજોની મિલકત પર પરિવારના વારસોનો અધિકાર ખતમ થઈ જશે. ઉત્તરપ્રદેશની 1519 શત્રુ સંપત્તિઓમાંથી ઓછામાં ઓછી 622 એવી છે જેને સંરક્ષકોના હવાલે કરી દેવાઈ છે. 89 સંપત્તિઓ એવી છે કે જેના સંરક્ષકોની નિયુક્તિની પ્રક્રિયા ચાલી રહી છે.
મહેમૂદાબાદના રાજવી પરિવારને વર્ષ 2005માં સુપ્રીમ કોર્ટના એક આદેશ પછી તેમની અનેક સંપત્તિઓ સોંપી દેવામાં આવી હતી. આ માટે રાજ પરિવાર લાંબી કાયદાકીય લડત આપી હતી. ત્યાર પછી 2010માં એનીમી પ્રોપર્ટી વટહુકમ જારી થયા પછી ફરી તેમની સંપત્તિઓનો અધિકાર સરકારી સંરક્ષક પાસે ચાલ્યો ગયો છે. રાજ પરિવારે ફરી કોર્ટનું શરણું લીધું છે અને આ વટહુકમને ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોની વિરૂદ્ધ ગણાવ્યો છે.

print

Comments

comments

VOTING POLL