વેપારીઓની કનડગત બંધ કરો: મહાપાલિકામાં મહાજનો ઉમટયા

February 17, 2017 at 3:13 pm


રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે સવારે વેપારી મહાજનો ઉમટી પડયા હતાં અને પ્લાસ્ટિક ઝભલાના નામે દુકાનદાર વેપારીઓની કરાતી કનડગત બંધ કરવા માટેની માગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને વેપારીઓએ હજુ દુકાન ખોલીને બોણી પણ ન કરી હોય ત્યાં મહાપાલિકાનો સ્ટાફ આવી પહોંચે છે અને પ્લાસ્ટિક ઝભલાનું ચેકિંગ કરીને દંડ વસૂલી જાય છે તેમજ માલ પણ જપ્ત કરી લ્યે છે. આ પ્રકારની કનગડગતથી હવે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હોય આગામી દિવસોમાં 50 માઈક્રોનની બેગના વેચાણ અને વપરાશ માટે વેપારીઓને મંજૂરી આપવા લેખિત માગણી કરવામાં આવી હતી.
રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ કિશોરભાઈ સંઘવી, વાઈસ પ્રેસિડેન્ટ રમેશભાઈ ચાવડા, સેક્રેટરી રમેશભાઈ ગજેરા, જોઈન્ટ સેક્રેટરી પરેશભાઈ સંઘવી, ટ્રેઝરર અશોકભાઈ કાકૈયા, જોઈન્ટ ટ્રેઝરર મધુરભાઈ નરસિંયા, ચેરમેન બાબુભાઈ ડાંગર, કમિટી મેમ્બર ચંદુભાઈ કોટડિયા, કલ્પેશભાઈ પટેલ, રમેશભાઈ કૈલા, વિનુભાઈ પટેલ, મનસુખભાઈ પટેલ, જયભાઈ પટેલ, જતીનભાઈ વઘાસીયા, રવિભાઈ પટેલ અને રાજેશભાઈ પાનસુરીયા સહિતના વેપારીઓના નામોલ્લેખ સાથેના લેટરપેડ પર મહાપાલિકાના અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં એવા મતલબની રજૂઆત કરાઈ હતી કે કેન્દ્ર સરકાર દ્વારા 50 માઈક્રોન ઉપરની પ્લાસ્ટિક કેરી બેગ વેચાણ તથા વપરાશની છૂટ હોવા છતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેપારીઓને ત્યાં ગમે તે સમયે ચેકિંગ કરવામાં આવે છે તથા ચેકિંગ દરમ્યાન વેપારીઓની કનડગત કરવામાં આવે છે અને કેન્દ્ર સરકારના નિયમ મુજબની પ્લાસ્ટિક કેરી બેગ વાપરવા છતાંય વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવે છે. જ્યારે ગુજરાતભરના દરેક નાના-મોટા શહેરોમાં તથા ગામોમાં રેડીમેઈડ, કાપડ, જ્વેલર્સ તથા અન્ય ધંધાર્થીઓને માલા ગ્રાહકોને પ્લાસ્ટિક કેરી બેગમાં જ આપવો પડે છે. 50 માઈક્રોન પ્લાસ્ટિક કેરી બેગની કેન્દ્ર સરકાર દ્વારા છૂટ હોવા છતાં રાજકોટ મ્યુ.કોર્પો. દ્વારા રાજકોટના વેપારીઓને કાયદાનું ખોટું અર્થઘટન કરીને હેરાન-પરેશાન કરી દંડ વસૂલ કરવામાં આવે છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે રાજકોટ, શાપર, મેટોડા, અટીકા જીઆઈડીસીમાં પ્લાસ્ટિક બેગના સેંકડો ઉત્પાદકો છે અને તેમના કારખાનાઓમાં હજારોની સંખ્યામાં કારીગરો અને મજૂરો કામ કરે છે તેઓને રોજીરોટી મળે છે. આ પ્રકારના પ્રતિબંધથી પ્લાસ્ટિકના એકમો બંધ થશે અને બેરોજગારીનું પ્રમાણ વધશે. આવું ન થાય તે માટે 50 માઈક્રોનની બેગના વેચાણ અને વપરાશ માટે વેપારીઓને છૂટ આપવા માગણી છે તેમ આવેદનપત્રના અંતમાં જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL