શિયાળામાં ઘઉંમાં ૧૦૪, કઠોળમાં ૧૮૧, બટાટામાં ૧૧૭ ટકા બમ્પર વાવેતર થયું

January 12, 2018 at 12:13 pm


આ વખતે સારા ચોમાસાના કારણે ચોમાસામાં તો સારું વાવેતર અને સારા ખેત-ઉત્પાદન બાદ હવે, શિયાળામાં પણ બમ્પર વાવેતર થયું છે. સામાન્ય રીતે શિયાળામાં કુલ ૩૦,૧૫,૬૦૦ હેકટર જમીનમાં વાવેતર થાય છે. ગત શિયાળા દરમિયાન ૩૦,૨૪,૧૦૦ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું હતું તેની સામે આ વખતે ૩૩,૮૮,૮૦૦ હેકટરમાં વાવેતર થયું છે. એટલે કે, ગત શિયાળાની સરખામણીમાં આ વખતે ૩,૬૪,૭૦૦ હેકટર વધુ જમીનમાં વાવેતર થયું છે. જે ગત વર્ષ કરતાં ૧૨ ટકા વધુ છે. કેટલાક વિસ્તારોમાં સિંચાઈના પાણીની તંગી સર્જાઈ છે. જો તેમને સમયસર પાણી મળી રહેશે તો ચોમાસાની જેમ શિયાળું ખેત-પાક પણ સારો ઉતરે તેવી શક્યતા નકારી શકાતી નથી.

રાજ્યમાં શિયાળામાં કુલ ૧૦,૧૪,૫૦૦ હેકટરમાં ઘઉંનું વાવેતર થાય છે. તેની સામે આ વખતે ૧૦,૫૦,૨૦૦ હેકટરમાં પિયત અને બિન પિયત ઘઉંનું વાવેતર થયું છે. જે સામાન્ય વાવેતર વિસ્તારની સામે ૧૦૪ ટકા જેટલું છે. જુવાર, મકાઈ સહિતના ધાન્ય પાકોમાં પણ ૧૦૦ ટકા વાવેતર પૂરું થઈ ચૂક્યું છે.ચણા સહિતના કઠોળમાં પણ તેના કુલ સામાન્ય ૧,૭૬,૯૦૦ હેકટરના વાવેતર વિસ્તારની સામે ૩,૧૯,૯૦૦ હેકટરમાં એટલે કે સામાન્યની સામે ૧૮૧ ટકા જેટલું વધારે વાવેતર થયું છે.

નોંધનીય બાબત એ છે કે, આ વખતે શેરડીનું વાવેતર ઘટ્યું છે. સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળામાં ૧,૮૭,૨૦૦ હેકટર જમીનમાં શેરડીનું વાવેતર થાય છે. તેની સામે આ વખતે ૧,૪૫,૫૦૦ હેકટરમાં અર્થાત માંડ ૭૮ ટકા વિસ્તારમાં શેરડીનું વાવેતર થયું છે. જે સામાન્યની સામે ૧૯,૧૦૦ હેકટર જેટલું ઓછું છે. તમાકુનું વાવેતર પણ માત્ર ૮૬ ટકા જેટલું જ થયું છે. જોકે, જીરાનું વાવેતર બમ્પર છે. રાજ્યમાં સામાન્ય રીતે ૨,૮૦,૩૦૦ હેકટરમાં જીરાનું વાવેતર થાય છે. ગત સિઝનમાં ૨,૭૮,૭૦૦ હેકટરમાં જીરાનું વાવેતર થયું હતું પણ આ વખતે ૩,૮૨,૬૦૦ હેકટરમાં જીરાનું વાવેતર પૂરું થયું છે. જે સામાન્ય વાવેતર વિસ્તારની સામે ૧,૦૩,૯૦૦ હેકટરમાં વધુ છે. જે ૧૩૬ ટકા જેટલું થવા જાય છે.

આ વખતે ડુંગળીનું વાવેતર ૯૮ ટકા અને બટાટાનું વાવેતર, તેના સામાન્ય વાવેતર વિસ્તારની સામે ૧૧૭ ટકા જેટલું થયું છે. આમ, સમગ્ર રાજ્યની દષ્ટિએ જોઈએ તો શિયાળામાં રાજ્યના થતાં કુલ ૩૦,૧૫,૬૦૦ હેકટર જમીનના વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં ૩૩,૮૮,૮૦૦ હેકટરમાં એટલે કે તેના સામાન્ય વાવેતર વિસ્તારની સામે ૧૧૨ ટકા જેટલું વાવેતર પૂરું થયું છે.

print

Comments

comments

VOTING POLL