સાંજથી પ્રચાર પડઘમ બંધ: કાલે કતલની રાત

December 7, 2017 at 10:51 am


ગુજરાત વિધાનસભાની આગામી તા.9ના શનિવારે યોજાનારી પ્રથમ તબકકાની 89 બેઠકોની ચૂંટણી આડે હવે માત્ર 48 કલાક બાકી હોવાથી ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. આજ સાંજથી પ્રચાર પડઘમ બંધ થઈ જશે અને તેના કારણે ભાજપ-કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકો આજે આખો દિવસ છેલ્લી ઘડી સુધીના પ્રચારમાં લાગી ગયા હતા. 89 બેઠક માટે કુલ 977 ઉમેદવારો મેદાનમાં છે તેમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત 50થી વધુ રાજકીય પક્ષોના ઉમેદવારોનો સમાવેશ થાય છે. અપક્ષોનો પણ મોટા પ્રમાણમાં રાફડો ફાટયો છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ પાલા સહિતનાઓ આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં ધામા નાખીને પડયા છે. મનમોહનસિંઘે આજે રાજકોટમાં બુધ્ધિજીવીઓ સાથે વાતચીત કરી હતી અને મીડિયા સમક્ષ પણ ઉપસ્થિત થયા હતા. યોગી આદિત્યનાથની સભા રાજકોટમાં ઉપલાકાંઠા વિસ્તારમાં પાણીના ઘોડા નજીક યોજવામાં આવી હતી. જ્યારે કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ પાલાએ બાબરા, જસદણ અને કેશોદમાં વિદ્યુતવેગી પ્રવાસ કરી જાહેરસભાઓને સંબોધન કર્યું હતું.
આજ સાંજથી પ્રચાર બંધ થયાની સાથે જ રાજકીય પક્ષો અને ઉમેદવારો હવે ડોર ટૂ ડોર પ્રચાર, જ્ઞાતિ-જાતિના સંમેલનો, ગ્રુપ મિટિંગો દ્વારા છેલ્લી ઘડી સુધીનો પ્રચાર ચાલુ રાખશે. ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને આવતીકાલે નિયત કરાયેલા રિસિવીંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પરથી મતદાન મથકોએ મોકલવામાં આવશે અને કાલ સાંજથી જ ચૂંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે.
ઈવીએમમાં વધુમાં વધુ 16 ઉમેદવારનો સમાવેશ થઈ શકે છે. જામનગર (ગ્રામ્ય)માં 27, જામનગર (ઉત્તર)માં 28, માંડવીમાં 17, વઢવાણમાં 18, ધોરાજીમાં 17, ખંભાળિયામાં 10 અને બોટાદમાં 20 જેટલા ઉમેદવારો મેદાનમાં હોવાથી આ તમામ સ્થળોએ ફરજિયાત રીતે બબ્બે ઈવીએમ રાખવામાં આવશે.

સાત બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટતાં બબ્બે ઇવીએમ લગાવાશે
જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), માંડવી, વઢવાણ, ધોરાજી, ખંભાળિયા અને બોટાદમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી આ તમામ વિધાનસભા મત વિસ્તારમાં બબ્બે ઈવીએમ રાખવા પડશે. એક ઈવીએમમાં વધુમાં વધુ 16 ઉમેદવારનો સમાવેશ થઈ શકે છે પરંતુ આ તમામ બેઠકો પર 17થી માંડી 27 સુધી ઉમેદવારો મેદાનમાં છે.

કાલ સાંજથી મતદાન મથકોનો કબજો ચૂંટણી સ્ટાફ સંભાળી લેશે
શનિવારે યોજાનારી ચૂંટણી માટે તંત્ર દ્વારા રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો નકકી કરાયા છે. ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા તમામ સ્ટાફ માટે આવતીકાલે બપોર સુધીમાં આવા સેન્ટરો પર પહોંચી જવાના આદેશ કરી દેવાયા છે. કાલે સાંજ સુધીમાં ચૂંટણી સ્ટાફ તમામ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે. ચૂંટણી સ્ટાફને મતદાન મથક સુધી લાવવા-લઈ જવા માટે એસ.ટી. બસનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવનાર છે.
ચૂંટણી સ્ટાફની સાથોસાથ ઈવીએમ, વીવીપેટ અને ચૂંટણીને લગતી અન્ય સામગ્રીઓ પણ કાલે સ્ટાફની સાથે જ મોકલી દેવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL