સિક્કિમ સરહદે શાંતિ થશે?

September 1, 2017 at 8:18 pm


સિક્કિમના સરહદી વિસ્તાર દોકલામમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી તંગદિલીનો અંત આણવાની કવાયતના ભાગરૂપે ભારત અને ચીન પોતપોતાની સેના હટાવવા માટે તૈયાર થયા હોવાનું ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે. ભારત અને ચીન ડોકલામમાં લગભગ લડી પડવાની અણીએ આવી ગયાં હતાં. પરંતુ, હવે બંને દેશોએ વાત વાળી લીધી છે અને સરહદેથી દળો પાછા ખેંચવા માટે પરસ્પર સંમતિ સધાઇ હોવાનો દાવો કર્યો છે. જોકે, બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરે છે. ભારતના દાવા અનુસાર ચીની દળો પણ પોતાનાં સ્થાનો પરથી પાછા ખસવાં તૈયાર થયાં છે. જ્યારે ચીનનું મીડિયા કહે છે કે ભારતે એકપક્ષી રીતે પીછેહઠ કરવાનું નક્કી કર્યું છે.
લશ્કરી અને રાજદ્વારી બાબતોમાં આખરી સત્ય ક્યારેય બહાર આવતું નથી. જોકે, કેટલાંક પરીબળોના આધારે એટલું તો શરૂઆતથી જ સ્પષ્ટ હતું કે ચીન દ્વારા ભલે ગમે તેટલી ધમકીઓ ઉચ્ચારવમાં આવતી હોય તો પણ ડોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે નાની મોટી લડાઇ ફાટી નીકળવાની નથી. ભારત ચીનમાં જેટલી નિકાસ કરે છે તેના કરતાં પાંચ ગણી આયાત કરે છે. સ્વાભાવિક રીતે જ ચીનને ભારત જેવું મોટું બજાર ગુમાવવું પોસાય નહીં.

ભારત પોતાની આ બજાર તાકાત પર જ મુસ્તાક હતું. ડોકલામમાં આટલી તંગદિલી છતાં તેની નજીકના નાથુ લા પાસ પરથી ભારત અને ચીન વચ્ચે ચીજવસ્તુઓની અવરજવર બેધડક ચાલુ હતી. અધૂરામાં પૂરું ભારતે જાપાન જેવાં ચીનના કટ્ટર હરીફ દેશને પણ બહુ મજબૂત રીતે પોતાની પડખે ખેંચી લીધો હતો. અમેરિકા પોતાના સ્વાર્થ અનુસાર ક્યારેક ભારત તો ક્યારેક ચીન તરફ ઝૂકતું રહે છે. પરંતુ, ચીનના વન બોલ્ડ વન રિજિયન પ્રોજેક્ટના કારણે અમેરિકા ચીનના આર્થિક સામ્રાજ્યવાદી ઇરાદાઓને પારખી ચૂક્યું હતું આથી તેણે પણ આ મુદ્દે ભારતની તરફેણ કરી ચીનને કડક સંદેશો મોકલાવ્યો હતો.

આગામી સપ્તાહમાં ચીનમાં બ્રીક્સ દેશોની શિખર પરિષદ યોજાવાની છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે કે નહીં તે ભારતે હજુ સુધી ક્ન્ફર્મ કર્યું ન હતું. ચીનને આમ તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કેવી છાપ પડે છે તેની કોઇ પરવા હોતી નથી પરંતુ બ્રીક્સનાં પ્રમાણમાં નાના જૂથમાં આવી કડવાશ ઊભી થાય તે પરવડે તેમ ન હતું. આ બધા સંજોગોના કારણે વ્યાપક ઉશ્કેરણી અને 62નું યુદ્ધ યાદ અપાવી દેશું કે ભારત હવે 62નું ભારત રહ્યું નથી તે પ્રકારની ભાષાનો ઉપયોગ છતાં પરોક્ષી ડિપ્લોમેટિક ચેનલ્સ ચાલુ જ રહી હતી.
આ બધાને પરિણામે છેવટે બંને દેશોએ સુલેહનો ઝંડો ફરકાવ્યો છે. જોકે, ભારત માટે ખરી રાજદ્વારી સફળતા ત્યારે ગણાશે જ્યારે ચીન આ વિસ્તારમાં રોડ બાંધવાના તેના પ્રોજેક્ટ પડતા મૂકવાની જાહેરાત ના કરે. ચીન કોઇપણ વચન આપે કે લેખીત સંમતિ સાધે તો પણ તેનો અમલ કરશે જ તેવી કોઈ ખાતરી રાખી શકાય તેમ નથી. ચીનનો પાછલી બે સદીનો ઇતિહાસ કહે છે કે તેને તેના એક પણ પડોશી સાથે સારા સંબંધ રહ્યા નથી. ડોકલામ વિવાદમાં ભારતે શું ગુમાવ્યું કે શું મેળવ્યું તેનાં લેખાંજોખાં પછી લેવાશે પણ ચીન મોરચે ક્યારેય આંખ મીંચીને આશ્વસ્ત રહી શકાય તેમ નથી તે પદાર્થપાઠ આ પ્રકરણના કારણે મળ્યો જ છે.

print

Comments

comments

VOTING POLL