સોલર ટેરિફ 50% ઘટ્યા છતાં રાજ્યમાં સૌર ઊર્જા સૌથી મોંઘી

May 19, 2017 at 12:11 pm


સોલર ટેરિફ છેલ્લા 18 મહિનાઓમાં 50 ટકાથી પણ વધુ ઘટ્યું છે અને રાજસ્થાનમાં તો પ્રતિ યુનિટ રૂ. 4.66 થી ઘટીને રૂ. 2.44 સુધી પહોંચ્યું છે. જો કે, તેમ છતાંય ગુજરાત રાજ્યના વીજ ગ્રાહકોને સમગ્ર દેશમાં સોલર ટેરિફ સૌથી વધુ ચુકવવું પડી રહ્યું છે અને તે પ્રતિ યુનિટ રૂ. 13.41 સોલર ટેરિફ માટે ચુકવી રહ્યા છે. ગુજરાત રાજ્યએ 1108 મેગાવોટ સોલર પાવરના ઉત્પાદનની ક્ષમતા ઉભી કરી છે અને રાજ્યના નવા સોલર પ્લાન્ટ્સમાંથી પ્રતિ યુનિટ 4.62ના ભાવે સોલર પાવર ઉપલબ્ધ બન્યો છે. પરંતુ GUVNL દ્વારા વર્ષ 2010-11માં પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યો હતો અને તે પ્રમાણેના ઊંચા દર સોલર પાવર માટે ચુકવવાની ફરજ પડી રહી હોવાથી તેના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે.

જીયુવીએનએલ એ વર્ષ 2016-17ના ક્વાર્ટ-4માં પ્રતિ યુનિટ રૂ. 13.41ના ભાવે 366 મિલિયન યુનિટ સોલર પાવરની ખરીદી કરી છે. જ્યારે કે ટોરેન્ટ પાવરે 81 મિલિયન યુનિટ સોલર પાવરની ખરીદી રૂ. 8.99ના ભાવે કરી છે. સોલર પાવરની ખરીદી માટેના આ ઊંચા ભાવનો બિનજરૂરી બોજો વીજ ગ્રાહકો ઉપર પડી રહ્યો છે કેમ કે તેના પગલે GUVNL દ્વારા ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ રૂ. 2.06 કરી દેવામાં આવ્યો છે. જે એપ્રિલ, મે અને જૂનના બીલમાં વસૂલવામાં આવશે. તેથી આ મુદ્દે ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતોના માટે મુજબ, ‘GUVNL અને ટોરેન્ટ પાવર હરાજી દ્વારા સોલર પાવરની ખરીદી કરે એવા આદેશ જર્કે કરવા જોઇએ. અથવા તો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ 25 વર્ષોના બદલે એક વર્ષ માટે કરવા જોઇએ.’

‘દેશમાં 300 દિવસ સૂર્ય ઉર્જા ઉપલબ્ધ રહે છે અને તેના કારણે સોલર પાવરના ઉત્પાદની વિપુલ તકો છે, ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતને. પરંતુ તેમ છતાંય તમિલનાડૂ 1578 મેગાવોટ્સની ક્ષમતા સાથે પ્રથમ ક્રમે, 1324 મેગાવોટ્સ સાથે રાજસ્થાન બીજા અને 1108 મેગાવોટ્સ સાથે ગુજરાત ત્રીજા ક્રમનું રાજ્ય બન્યું છે. વર્ષ 2015માં સોલર પાવરની કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 3010 મેગાવોટ્સ હતી, જે વર્ષ 2016માં વધીને 6762 મેગાવોટ્સ થઇ છે.’

રાજ્ય સરકારની સોલર પોલિસીનું પુર્નમૂલ્યાંકન થવું જોઇએ તેવો મત પણ તેમણે રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે,‘રૂફ ટોપ સોલર ઇન્સ્ટોલેશનની યોજનાને વધુ પ્રોત્સાહન આપવા માટે ઘરેલૂ અને ધંધેદારી ગ્રાહકોને વધુ સબસિડી સરકારે આપવી જોઇએ. હાલમાં એક કિલોવોટ રૂફ ટોપ સોલર માટે 70થી 75 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે કે કેન્દ્ર 30 હજાર અને રાજ્ય 10 હજારની સબસિડી આપે છે. તેથી ગ્રાહકે લગભગ 50% રકમ ખર્ચવાની ફરજ પડે છે. પરિણામે જો ગ્રાહકને પાંચ કિલોવોટનું સોલર રૂફ ટોપ લગાવવું હોય તો દોઢેક લાખનો ખર્ચ કરવો પડે, જે ખૂબ મોટી રકમ છે.’

સોલર પાવર માટેની એક જોગવાઇ મુજબ જો ગ્રાહકને વપરાશમાં હોય તો તે સોલર પાવર ડિસ્કોમ્સને નેટ મિટરિંગ મારફતે વેચી શકે છે. જેટલા યુનિટનું વેચાણ કર્યું હોય તેટલા યુનિટ તેના બીલમાંથી ઓછા થઇ શકે છે. પરંતુ હાલમાં ગ્રાહકોનો રિસ્પોન્સ નબળો જણાઇ રહ્યો છે. અગાઉના નિયમ પ્રમાણે ગ્રાહકો તેની કુલ જરૂરિયાતના 50% લોડ સોલર પાવરનો લગાવી શકતો હતો, પરંતુ હવે 100% લોડ કનેક્ટેડ હોવો જોઇએ. જો કે નિષ્ણાંતોનું માનવું છે કે શૈક્ષણિક સંસ્થાઓ(શાળાઓ-કોલેજો) સરકારી ભવનો, મલ્ટિપ્લેક્ષ, કોમ્પ્લેક્ષ અને ઔદ્યોગિક એકમોના હેડક્વાર્ટ્સમાં રૂફ ટોપ સોલર પેનલ્સ વધુ પ્રમાણમાં લગાવવા જોઇએ. જેથી તેમના વીજળીના બીલમાં નોંધપાત્ર ઘટાડો થાય. એટલું જ નહીં તેઓ અન્યો માટે પ્રેરણારૂપ પણ બની શકે છે અને આ યોજના વધુ અસરકારક રીતે અમલી બની શકે છે.

print

Comments

comments

VOTING POLL