હળવદ જૂથ અથડામણમાં ઘાયલ વધુ એકનું મોત થયું : ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ

July 17, 2017 at 12:20 pm


ધાંગધ્રાના હળવદ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી અશાંતિના પગલે હળવદ ખાતે કરવામાં આવેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શખસનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા આરોપીઓને ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માગણી સાથે ભરવાડ સમાજના લોકો સવારથી જ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઉમટી પડવાની શરૂઆત થતા હોસ્પિટલને પોલીસ છાવણીમાં પલટી નાંખવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો અનુસાર, હળવદના પૂર્વ પ્રમુખની હત્યાને પગલે છેલ્લા દસ દિવસથી હળવદ, ધાંગધ્રા અને સુરેન્દ્રનગર વિસ્તારોમાં હિંસા અને આગજનીના બનાવો બનવા પામ્યા છે. બીજી તરફ આ વિસ્તારોમાં સઘન સુરક્ષા બંદોબસ્તની વચ્ચે પ્રવર્તી રહેલી અજંપાભરી પરિસ્થિતિની વચ્ચે ગત શનિવારના રોજ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા તેમજ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા શખસનું મોત થવા પામ્યું હતું.

જ્યાં સુધી હત્યારાઓને પકડવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર ન કરવાની માગણી સાથે આજે વહેલી સવારથી જ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રાજ્યભરમાંથી ભરવાડ સમાજના લોકો આવવાની શરૂઆત થઈ ગઈ છે.

બીજી તરફ, આ ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્યના ગૃહવિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ડીસીપી, ડીએસએપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત ૫૦૦થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જરૂર જણાશે તો હજુ પણ વધુ પોલીસ કર્મીઓનો કાફલો હોસ્પિટલ કેમ્પસની શાંતિ ન હણાય એ માટે ખડકી દેવામાં આવશે. હાલ સ્થિતિ શાંત પરંતુ તણાવપૂર્ણ છે.

print

Comments

comments

VOTING POLL