હાલના રિયલ એસ્ટેટ પ્રોજેકટ ઉપર પણ ‘રેરા’ લાગુ થશે

December 7, 2017 at 10:48 am


મુંબઈ હાઈકોર્ટે મકાન કે ફલેટ ખરીદવા ઈચ્છતા લોકોને રાહત આપતા જણાવ્યું છે કે હાલના રિયલ એસ્ટેટ પ્રોજેકટ ઉપર પણ ‘રેરા’ લાગુ થશે. અહીંની વડી અદાલતે રિયલ ઍસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ ઍક્ટ) (રેરા)ની કાયદેસરતાને બુધવારે માન્યતા આપતા જણાવ્યું હતું કે આ કાયદાનો હેતુ રિયલ ઍસ્ટેટ ક્ષેત્રને વિકસાવવાનો છે.
ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ રાજેશ કેતકરની બેન્ચે રિયલ ઍસ્ટેટ ડેવલપર્સ અને પ્લોટના વ્યક્તિગત માલિકોએ ચાલુ વર્ષના મેથી અમલમાં મુકાયેલા આ ધારાની બંધારણીય કાયદેસરતાને પડકારતી કરેલી અરજીઓના સંબંધમાં આ ચુકાદો આપ્યો હતો.
આમ છતાં, ન્યાયમૂર્તિ નરેશ પાટીલના નેતૃત્વ હેઠળની બેન્ચે બુધવારે પોતાના ચુકાદામાં ડેવલપર્સને થોડી છૂટ આપી હતી અને જણાવ્યું હતું કે જો કોઇ અપવાદરૂપ અને અનિવાર્ય સંજોગને કારણે વિલંબ થયો હોય તો એવા કિસ્સામાં રાજ્ય સ્તરની રેરા ઑથોરિટી અને અપેલટ ટ્રિબ્યુનલ દરેક કેસના ધોરણે વિલંબની તપાસ કરશે અને કારણ યોગ્ય જણાશે તો તે પ્રોજેક્ટ્સ કે ડેવલપર્સનું રજિસ્ટ્રેશન રદ નહિ કરાય.
અદાલતે જણાવ્યું હતું કે પ્રકલ્પ પૂરો કરવામાં વિલંબ અનિવાર્ય કારણસર થયો હોવાના દાવાથી સત્તાવાળાઓને સંતોષ થશે તો ડેવલપર્સનું રજિસ્ટ્રેશન ચાલુ રખાશે. આવા દરેક કેસ અલગ-અલગ ચકાસાશે. સત્તાવાળાઓને જરૂર જણાશે તો તે આવા કિસ્સામાં રાજ્યની સાથે સલાહમસલત કરી શકશે.
બેન્ચે જણાવ્યું હતું કે આ ધારો દેશભરમાંના ફ્લેટની ખરીદી કરનારા લોકોના હિતમાં જ છે. રેરા માત્ર પ્રમોટર્સ (ડેવલપર્સ)ના નિયમન માટે જ નથી, પરંતુ તે રિયલ ઍસ્ટેટ ક્ષેત્ર, ખાસ કરીને અધૂરા પ્રોજેક્ટ્સને પૂરા કરવા અને વિકાસ માટે છે.
ન્યાયમૂર્તિ નરેશ પાટીલે જણાવ્યું હતું કે રિયલ ઍસ્ટેટ ક્ષેત્રની સમસ્યા ઘણી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દરેક આંખમાંથી પ્રત્યેક આંસુ લૂછવાનું જોયેલું સ્વપ્ન પૂરું કરવાનો સમય પાકી ગયો છે.

આ ધારા હેઠળ બધા ડેવલપર્સ અને પ્રમોટર્સે રાજ્ય સ્તરના નિયામક સત્તામંડળ પાસે પોતાની નોંધણી કરાવવાનું ફરજિયાત બનાવાયું છે. ડેવલપર જો નક્કી કરેલા સમયમાં પ્રોજેક્ટ પૂરો કરી ન શકે તો ફ્લેટ ખરીદનાર ફ્લેટના કબજામાંના વિલંબ માટે વળતર માગી શકે છે, ડેવલપર્સની નોંધણી રદ થઇ શકે છે અને આકરો દંડ થઇ શકે છે.
મોટા ભાગના ડેવલપર્સે કુદરતી આફત કે અન્ય અનિવાર્ય સંજોગમાં વિલંબ થાય તો મહેતલ વધુમાં વધુ એક વર્ષ લંબાવવાની દાદ ચાહતી અરજી કરી હતી. ડેવલપર્સે રાજ્ય સ્તરની રેરા ઑથોરિટી અને અપેલટ ટ્રિબ્યુનલને વળતર ચૂકવવાની જોગવાઇનો પણ વિરોધ કર્યો હતો.
રાજ્ય સ્તરના સત્તામંડળને ચૂકવવાના વળતરના સંબંધમાં વડી અદાલતે દખલગીરી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એવો હુકમ કર્યો હતો કે ટ્રિબ્યુનલ કોઇ સરકારી અમલદાર નહિ પણ અદાલતી અધિકારી કે ઇન્ડિયન લીગલ સર્વિસીસના એક સભ્યના નેતૃત્વ હેઠળ હોવી જોઇએ અને આવી ટ્રિબ્યુનલના સભ્ય તરીકે ન્યાયતંત્રના અધિકારીઓ કે સભ્યો હોવા જોઇએ.
કેન્દ્ર અને રાજ્યે આ ધારાનો બચાવ કર્યો હતો તેમ જ તેની કડક જોગવાઇને યોગ્ય ગણાવીને દલીલ કરી હતી કે આ જોગવાઇ ફ્લેટની ખરીદી કરનારા લોકોના હિતના રક્ષણાર્થે અને ડેવલપર્સની છેતરપિંડી રોકવા માટે છે. બેન્ચે કેન્દ્ર સરકારની સંબંધિત દલીલને યોગ્ય ગણાવીને જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ આ કાયદાના અમલ પર સતત નજર રાખવી જોઇએ.
દેશભરની વડી અદાલતોમાં રિયલ ઍસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ ઍક્ટ) (રેરા)ની કાયદેસરતાને પડકારતી અનેક અરજી કરવામાં આવતા સર્વોચ્ચ અદાલતે સપ્ટેમ્બરમાં અન્ય બધી અદાલતમાંની સંબંધિત કાર્યવાહી સ્થગિત કરાવી હતી અને રેરા કેસની સૌપ્રથમ સુનાવણી મુંબઈ વડી અદાલતમાં કરવાનો હુકમ કર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે મુંબઈ વડી અદાલતનો સંબંધિત કેસમાં ચુકાદો ન આવે ત્યાં સુધી અન્ય અદાલતોએ રેરાને લગતી બાબતમાં સુનાવણી શરૂ નહિ કરવી. સર્વોચ્ચ અદાલતે મુંબઈ વડી અદાલતને પણ આ કેસની સુનાવણી ઝડપથી કરવાનો આદેશ આપ્યો હતો.

print

Comments

comments

VOTING POLL