હોટલના કર્મચારીઓને મૂઢ માર બદલ ચાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ

February 3, 2018 at 12:04 pm


એસ.પી. રિંગ રોડ ઉપર આવેલી હોટલમાં મળસ્કે ચાર વાગ્યે જમવાનું ન મળતાં હોટલ કર્મીને માર મારવાના મામલે બોપલના ચાર કોન્સ્ટેબલનો પિત્તો ગયો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં બે કોન્સ્ટેબલ મુકેશદાન ફતેસંગ ગઢવી, સાદિક ઉસ્માનભાઈ અને બે લોકરક્ષક કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ જગદીશસિંગ અને હરપાલસિંહ મુળરાજસિંહને અમદાવાદ રૂરલ એસ.પી. આર.વી. અસારીએ સસ્પેન્ડ કર્યાં છે. તા. ૩૧ની વહેલી સવારે ચાર વાગ્યે બનેલી ઘટનામાં આરોપી પોલીસ કર્મીઓને પકડવાની ઉતાવળ સરખેજ પોલીસને નહીં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ફરિયાદ નોંધવામાં વિલંબ પછી કાયદેસર કાર્યવાહીમાં પણ ધીમી ગતિ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

મુળ ઉત્તરપ્રદેશના અને એસ.પી. રિંગ રોડ ઉપર સન સિટી સામે દ્વારકાધીશ હોટલમાં રહેતા ગૌરવ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે કે, પોતાની હોટલ ઉપર અવારનવાર આવતાં મુકેશદાન ગઢવી, પ્રદ્યુમનસિંહ, સાદિક અને હરપાલસિંહ નામના બોપલ પોલીસ સ્ટેશનના ચાર કર્મચારી તા. ૩૧ના સવારે ૩-૪૫ વાગ્યે આવ્યા હતા. ‘પરોઠા ખવડાવો’ તેવી માગણી કરતાં ‘હોટલ બંધ થઈ ગઈ છે, જમવાનું નથી. તમારે ચા પીવી હોય તો ચા પીવડાવું’ તેમ કહેતાં જ ગૌરવને હોટલની બહાર બોલાવ્યો હતો.

હોટલની બહાર બોલાવીને ગાળો આપી હતી. મુકેશદાન ગઢવીએ કહ્યું હતું કે, ‘જમવાનું ના હોય તો દસ હજાર આપ. અમે બીજે જમી આવીએ.’ ગૌરવે કહ્યું હતું કે, ‘તમારા મિત્ર મારા શેઠ હાજર નથી. જો હોત તો તમને પૈસા આપત.’ આવી વાત કરતાં જ માર માર્યો હતો. બે લોકોએ તો પટ્ટા કાઢીને માર્યા હતા. ગૌરવને બચાવવા ગયેલા ભાઈ અંકિતને પણ માર મરાયો હતો. બન્નેને ઊઠક-બેઠક કરાવાઈ હતી. નિર્દોષ વેઈટર પર પોલીસના અત્યાચારનો વીડિયો વાઈરલ થયા બાદ સિનિયર અધિકારીઓના ઠપકાથી સરખેજ પોલીસે મોડી સાંજે કમને ગુનો નોંધ્યો હતો. જો કે, ફરિયાદ નોંધાયાના ૨૪ કલાક પછી બોપલ પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલ એવાં ‘આરોપી’ને અમદાવાદ રૂરલ એસ.પી.એ ચારે’યને સસ્પેન્ડ કર્યાં છે.

print

Comments

comments

VOTING POLL