1600 કરોડની જમીન કૌભાંડમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી હડ્ડા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

February 3, 2018 at 10:56 am


હરિયાણામાં રથયાત્રા કાઢવાની તૈયારી કરી રહેલા પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હડ્ડાની મુશ્કેલીઓ વધી ગઈ છે. કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)એ માનેસર જમીન કૌભાંડમાં હડ્ડા અને તેની સરકારમાં રહેલા દિગ્ગજ અધિકારીઓ સહિત 34 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કર્યું છે. અંદાજે 80 હજાર પાનાની ચાર્જશીટ સંબંધીત દસ્તાવેજ સીબીઆઈ અધિકારી બે કબાટમાં પંચકૂલા સીબીઆઈ કોર્ટમાં લાવ્યા હતાં. સીબીઆઈના વિશેષ જજે 26 ફેબ્રુઆરી સુધી અન્ય દસ્તાવેજ જમા કરાવવા માટે કહ્યું છે.
ચાર્જશીટમાં હડ્ડાના પૂર્વ મુખ્ય સચિવ એમ.એલ.તાયલ, છતરસિંહ, વધારાના પૂર્વ મુખ્ય સચિવ એસ.એસ.ઢીલ્લોન ઉપરાંત અનેક બિલ્ડરોના નામ સામેલ છે. છતરસિંહ કેન્દ્રીય લોક સેવા આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે. ચાર્જશીટમાં એબીડબલ્યુ બિલ્ડર્સના અતુલ બંસલનું નામ પણ સામેલ છે. માનેસર જમીન કૌભાંડ અંદાજે 1600 કરોડનું ગણાવવામાં આવી રહ્યું છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે પણ 12 એપ્રિલ 2017માં ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસ રિપોર્ટ જમા કરાવવા માટે ચાર માસનો સમય આપ્યો હતો. સાથોસાથ રાજ્ય સરકારને એક સપ્તાહમાં જસ્ટિસ એસ.એન.ઢીંગરા પંચનો રિપોર્ટ સોંપવા માટે કહ્યું હતું. આ મામલામાં ઈડીએ પણ હડ્ડા વિરુદ્ધ સપ્ટેમ્બર 2016માં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ઈડીએ હડ્ડા અને અન્ય વિરુદ્ધ સીબીઆઈની એફઆઈઆરના આધાર પર અપરાધીક મામલો નોંધ કર્યો હતો.
હરિયાણાની તત્કાલિન હડ્ડા સરકાર પર પોતાના કાર્યકાળ દરમિયાન 1600 કરોડની અંદાજે 900 એકર જમીનનો કબજો લઈ તેને માત્ર 100 કરોડમાં વેચી દેવાનો આક્ષેપ છે. હડ્ડા આ અંગેના આરોપોને અનેક વખત ફગાવી ચૂક્યા છે.

print

Comments

comments

VOTING POLL