કુલ ૨૯.૨૦ લાખની કિંમતના બિટકોઇન વેચી મારીને ઠગાઇ

May 16, 2018 at 12:02 pm


શાહીબાગ વિસ્તારમાં રહેતા અને સીજી રોડ ઉપર ટ્રેડિંગનો વ્યવસાય કરતા યુવક સાથે રૂ.૨૯.૨૦ લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. આ યુવકે બિટકોઈનમાં રોકાણ કર્યું હતું. ૧૦ બિટકોઈન બે સગા ભાઈઓના અને એક સુરેન્દ્રનગરના યુવકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જા કે, આરોપી યુવકે બિટકોઈનને બારોબાર વેચી મારી રૂ.૨૯.૨૦ લાખની છેતરપિંડી કરતાં સમગ્ર મામલો સાયબર ક્રાઇમ સેલ સુધી પહોંચ્યો હતો. જેને પગલે હવે આ સમગ્ર પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શાહીબાગ ઉર્મિ બંગલોમાં રહેતા અને સીજી રોડ પર એમિનન્ટ કલર્સ નામથી ટ્રેડિંગનો વ્યવસાય કરતા મુકુંદ પટેલ (ઉ.વ.૨૪)ને ત્રણ વર્ષ પહેલાં મેહુલ પુરણિયા (રહે. નારણપુરા) સાથે ઓળખાણ થઈ હતી. મુકુંદ બિટકોઈનમાં રોકાણ કરતો હોઈ તેણે ખરીદેલા ૧૦ બિટકોઈન બ્રિટેક્સ કંપનીના વોલેટમાં રાખ્યા હતા. આ બિટકોઈન વેચવા બીજા વોલેટ માટે એકાઉન્ટ ખોલાવ્યું હતું. જો કે એકાઉન્ટ ખોલવામાં વધુ સમય લાગતો હોઈ તાત્કાલિક બિટકોઈન વેચવા માટે તેણે મેહુલ પુરણિયાને વાત કરી હતી. મેહુલ ુપુરણિયાએ તેની પાસે રહેલા ૩ વોલેટમાં બિટકોઈન ટ્રાન્સફર કરાવવા જણાવ્યું હતું. ત્રણેય વોલેટમાં ૧૦ બિટકોઈન ટ્રાન્સફર કર્યા બાદ ૨.૫૬ના બિટકોઈન જેની કિંમત રૂપિયા ૭.૫૦ લાખ થતી હતી તે વેચી દીધા હતા અને તેની જાણ મુકુંદને કરાઈ હતી.

બાકીના બિટકોઈન વેચવા અંગેનું પૂછતાં તમામ બિટકોઈન દીધા હોવાનું મેહુલે જણાવ્યું હતું. વેચાયેલા બિટકોઈનના પૈસા પરત માગતા મેહુલે મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. જે વોલેટમાં બિટકોઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેમાં બે વોલેટ મેહુલ અને તેના ભાઈ ભાવિકના નામના હતા. જ્યારે અન્ય આઈડી સુરેન્દ્રનગરના મયૂરનગરમાં રહેતા વીરલ ભાનુશાળીના નામે હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મુકુંદે સાયબર ક્રાઈમને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આ અંગેની તપાસ શરૂ કરી છે. અમરેલીના બિટકોઇન કૌભાંડ બાદ શહેરમાં બિટકોઇનની આ ફરિયાદને પગલે ભારે ચકચાર જાગી છે.

print

Comments

comments

VOTING POLL