શહેરમાં ધાડપાડુ અને તસ્કરોને છૂટો દૌર : પ્રજા રામ ભરોસે : સરખેજમાં લૂંટથી સનસનાટી

May 26, 2018 at 9:59 am


શહેરમાં સરખેજ વિસ્તારમાં ધાડપાડુઓની ગેંગે ત્રાટકીને લૂંટ મચાવતાં ભારે ચકચાર મચી ગઇ છે, તો સ્થાનિકોમાં ધાડપાડુઓની દહેશતને પગલે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. સરખેજ વિસ્તારમાં આવેલી એકતા હોટલની પાછળના એક ફાર્મમાં ૧૦ જેટલા હથિયારધારી લૂંટારુઓએ ઘરમાં ઘૂસી ગરીબ પરિવારના લોકોને ઢોર માર મારી ઉધાર લાવેલા રોકડા રૂ.એક લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. સરખેજ પોલીસે ૧૦ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ધાડનો ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સરખેજ વિસ્તારમાં આવેલા શ્રીનાથ કોલ્ડ સ્ટોરેજની બાજુમાં ગુલાબભાઇ ભરવાડનું ફાર્મ આવેલું છે. આ ફાર્મમાં સુરતારામ ઉર્ફે ભૂટોસિંગ સિસોદિયા (ઉં.વ.૪પ) તેના પરિવાર સાથે રહે છે. સુરતારામ મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાત્રે મજૂરીકામથી આવી પરિવાર જમી-પરવારીને સૂઇ ગયો હતો.

દરમ્યાન મોડી રાતના ૧.૧પ વાગ્યાની આસપાસ ૧૦ જેટલા પેન્ટ-શર્ટમાં સજ્જ હથિયારો સાથે યુવકો ઘરમાં ધસી આવ્યા હતા. હથિયારધારી લૂંટારૂઓએ સુરતારામને માથામાં લાકડી મારીને માર માર્યો હતો. લૂંટારુઓએ ઘરનાં અન્ય પરિવારજનો પર પથ્થરમારો કર્યો હતો. લૂંટારુઓએ ઘરમાં રહેલા રોકડા રૂ.એક લાખની લૂંટ ચલાવી હતી. થોડા દિવસ પહેલાં જ સુરતારામ એક લાખ રૂપિયા ઉધાર લાવ્યો હતો. ૨૭મીના રોજ રાજસ્થાન ખાતે સત્સંગ હોઈ પરિવાર સત્સંગમાં જવાનો હોવાથી રૂપિયા ઉધાર લાવ્યા હતા. લૂંટ કરી લૂંટારાઓ ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત સુરતારામને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં સરખેજ પોલીસ, એસીપી, ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ તપાસ હાથ ધરી હતી. શહેરમાં ફરી એક વાર ધાડપાડુ ગેંગ સક્રિય બનતાં પોલીસ તંત્ર દોડતુ થઇ ગયુ હતું, તો બીજીબાજુ, સ્થાનિકોમાં પણ ભારે ડર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. મોટા ભાગે શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલાં મકાનોમાં મોડી રાતે પથ્થર અને લાકડીઓ સાથે ધાડપાડુ ગેંગ ત્રાટકીને લૂંટ ચલાવતી હોય છે.

ખાસ કરીને જિલ્લાની આસપાસનાં ગામડાંઓમાં આવી ધાડપાડુ ગેંગ લૂંટ કરતી હોય છે, પરંતુ હવે આ ગેંગ શહેરમાં પણ સક્રિય બની ગઇ છે. ગત અઠવાડિયે નારોલમાં આવેલા લાંભા ર્ટનિંગ પાસેના મરાઠાવાસમાં મોડી રાતના ધાડપાડુઓ ત્રાટક્યા હતા. લોકો સૂઈ રહ્યા હતા ત્યારે હથિયાર સાથે આવેલા ચડ્ડી-બનિયાનધારી આઠ શખ્સોએ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અને કાનમાંથી બુટ્ટીઓ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન મહિલાઓ પર પણ હુમલો કરાયો હતો, જેમાં ત્રણ મહિલાઓને ઈજાઓ પણ થઈ હતી. ધાડ પાડવા આવેલા શખસોમાંથી એક શખસે ઘરમાં સૂઈ રહેલી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતાં લોકો જાગી ગયા હતા, જેથી ધાડપાડુઓ ભાગવા લાગ્યા હતા. લોકોએ યુવતી પર બળાત્કાર ગુજારનાર શખસને ઝડપી પાડીને લાકડીઓ અને ધોકા વડે ઢોર માર માર્યો હતો તેમજ પોલીસને જાણ કરી હતી.જેથી નારોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોના મારથી ઈજાગ્રસ્ત શખસને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડ્‌યો હતો, જ્યાં સારવાર દરમિયાન આ શખ્સનું મોત થયું હતું. જા કે, હજુ સુધી આ ઘટનામાં પોલીસ ધાડપાડુઓને પકડી શકી નથી ત્યાં અઠવાડિયા બાદ ફરી સરખેજની આ ધાડની ઘટના બનતાં શહેર પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે.

print

Comments

comments

VOTING POLL