24મીથી જીએસટી સાઇટ પર ઇન્વોઇસ અપલોડ કરી શકાશે

July 17, 2017 at 11:51 am


વેપારીઓ પહેલી જુલાઇ બાદ થયેલા વેચાણ અને ખરીદીના ઇન્વોઇસ 24મી જુલાઇથી જીએસટી નેટવર્ક પર અપલોડ કરી શકશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલી જુલાઇથી જીએસટીનો અમલ શરૂ કરાયા બાદ અત્યાર સુધી જીએસટી નેટવર્ક નામની કંપ્ની વેપારીઓનું રજિસ્ટ્રેશન સંભાળતી હતી.
જીએસટીએનના ચેરમેન નવીનકુમારે જણાવ્યું હતું કે અમે 24મી જુલાઇથી ઇન્વોઇસ અપલોડ સુવિધા શરૂ કરવાની યોજના ઘડી રહ્યા છીએ અને વેપારીઓ મહિનાના અંતે એકસાથે ધસારો ન થાય એ માટે રોજબરોજ કે સાપ્તાહિક ધોરણે પોતાના ઇન્વોઇસ અપલોડ કરી શકે છે.
જીએસટી કર પ્રણાલી અનુસાર ટેક્સ ક્રેડિટ મેળવવા માટે રૂ. 200થી વધુની ઇન્વોઇસ જો મેન્યુઅલી મેઇનટેઇન કરાતી હોય, તો પણ એને ક્રમવાર રાખવી જરૂરી છે. જીએસટીએનએ ગયા મહિને વેપાર જગત પોતાની ઇનવોઇસનો ડાટા રાખી શકે એ માટે ઑફલાઇન એક્સેલ ફોર્મેટ રજૂ કરી હતી અને હવે 24મી જુલાઇથી એ એક્સેલ શીટ ઑનલાઇન અપલોડ કરી શકાશે. આ માટે જીએસટીએન વેબસાઇટ પર ઇનવોઇસ અપલોડ કરવા માટેની સમજ આપતો વીડિયો પણ મૂકશે.
આ સિવાય કરદાતાઓ માટે નવી કર પ્રણાલી સંબંધી કોઇપણ સમસ્યાના સમાધાન માટે કોલ સેન્ટર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. કુમારે જણાવ્યું હતું કે અમે વેપાર અને ઉદ્યોગને લગતી સંસ્થાઓને જણાવ્યું છે કે જે ઉદ્યોગ કે વેપારના રોજના 10,000 કે એથી વધુ ઇન્વોઇસ તૈયાર થતી હોય એમણે પોતાની ઇન્વોઇસ રોજના કે સાપ્તાહિક ધોરણે અપલોડ કરવી, જેથી મહિનાને અંતે વર્કલોડ વધી ન જાય. અત્યાર સુધી 69 લાખ જકાત, વેટ અને સેવાકરદાતાઓ જીએસટીએન પોર્ટલ પર સ્થળાંતર કર્યું છે અને જીએસટી માટે પાં લાખ નવા રજિસ્ટ્રેશન નોંધાયા છે.

print

Comments

comments

VOTING POLL