મ્યુનિ.ની નાણાંકીય સદ્ધરતા માટે કાર્યવાહી કરવા માંગણી
$
મ્યુનિ. કોર્પોરેશનની ઓક્ટ્રોયની આવક નાબૂદ થતાં નાણાંકીય સ્થિતિ કથળી હોવાની રજુઆત સાથે આજે વિપક્ષના નેતા દ્વારા મ્યુનિ. કમિશનરને કોર્પોરેશનનું નાણાંકીય સ્તર સદંતર બને એ માટે તાકીદે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આ બાબતે વધુમાં મ્યુનિ. વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, ગત સમયમાં મ્યુનિ. કોર્પો.નો મુખ્ય આવકનો સ્રોત ઓક્ટ્રોયની આવક હતી. જેનાથી મ્યુનિ કોર્પો.ના ર્આિથક વ્યવહારો સચવાઇ જતાં હતાં અને મ્યુનિ. કોર્પો.નું ક્રિસીલનું ઉચ્ચ રેટીંગ મળવાને કારણે ટેક્ષ ફ્રી બોન્ડ બહાર પાડીને નાણાંકીય જરૂરિયાત પુરી કરી શકતાં હતાં. પરંતુ હાલ મ્યુનિ. કોર્પો.ની ઓક્ટ્રોય નાબૂદ થયા પછી આવકમાં ઘટાડો થવા પામેલ છે. જેનાથી મ્યુનિ. કોર્પો.ની શાખ બગડવા પામી હોય તેવી ભીતિ સેવાઇ રહી છે. જેથી રાજય સરકારે આપેલ વચન મુજબ દર વર્ષે ઓક્ટ્રોયની ગ્રાન્ટમાં ૧૫ ટકાનો વધારો અનિવાર્ય બન્યો છે.મ્યુ. કોર્પોરેશન દ્વારા કર્મચારીઓના છઠ્ઠા પગારપંચના તફાવતના નાણાં તેમજ મ્યુ. કોન્ટ્રાકટરોના ૭૦ થી ૮૦ કરોડ જેટલી રકમ દિવાળીના છેલ્લા દિવસોમાં ચૂકવવામાં આવી રહી છે જેને કારણે કર્મચારીઓ દિવાળીની ખરીદી સમયસર કરી શક્યાં નથી. તેમજ કોન્ટ્રાક્ટરોને તેઓના લેણાં નાણાં છેલ્લા દિવસોમાં ચૂકવવાને કારણે તેઓના દિવાળીના વ્યવહારો ખોરવાઇ જવા પામ્યા છે. આ સિવાય પણ ઝોન લેવલે નાના કોન્ટ્રાકટરોનાં નાણાં હજુ સુધી ચૂકવવામાં આવેલ નથી. આમ મ્યુનિ.ની ર્આિથક સ્થિતિ કથળી હોવાનું જણાઇ રહ્યું છે.