રાજસ્થાન રાયના બાડમેર પંથકમાંથી ચાર મહિના પહેલા એક સગીરા શખ્સ સાથે નાસી જઇ ભાવનગરમાં વસવાટ કરતી હોવાની બાતમી રાજસ્થાન પોલીસને મળતા રાજસ્થાન પોલીસે સ્થાનિક પોલીસની મદદથી આ સગીરાનો કબ્જો મેળવ્યો હતો. જો કે જે શખ્સ સાથે સગીરા ભાગી ગઇ હતી તે શખ્સ નાસી છુટયો હોય પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના બાડમેર વિસ્તારના મંગલેકી દેરી, ગુડામાલી નજીક રહેતા જગરામ મેઘવાલની ૧૬ વર્ષની પુત્રી ડાલીબેન આજથી ચાર મહિના પહેલા રાજસ્થાનના તેજા મારવાડી સાથે ભાગી જઇ ફરતા ફરતા ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેવા આવ્યા હતાં.
ડાલીબેન ભાગી છુટયાની ફરિયાદ બાડમેર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ પત્તો નહિ મળતા રાજસ્થાની સ્થાનિક પોલીસ દ્રારા સગીરા અને તેજા મારવાડીનો પત્તો મેળવવા રૂા. બે હજારનું ઇનામ જાહેર કરાયુ હતું. દરમ્યાનમાં આ બન્ને યુવક–યુવતિ ભાવનગરમાં હોવાનું ખુલવા પામતા રાજસ્થાન પોલીસ ભાવનગર આવી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. પ્રદિપસિંહ જાડેજાને વાકેફ કરતા તેમના માર્ગદર્શન હેઠળ પોલીસે કુંભારવાડાના ગોપાલ સોસાયટીમાં દરોડો પાડી ડાલીબેનનો કબ્જો મેળવ્યો હતો. જો કે ડાલીબેનને ભગાડનાર તેજા મારવાડી રાજસ્થાન ગયો હોય તે મળ્યો ન હતો. આ કામગીરીમાં પોલીસ કર્મચારીઓ ભરત ગઢવી, પઠાણભાઇ, મહેન્દ્રસિંહ, મકસુદભાઇ અને બલવીરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો. |