ભુજ શહેરના આશાપુરા રીંગ રોડ પર સોના–ચાંદીની પેઢીમાં કામ કરતાં એક નોકરે જ દુકાનમાંથી રૂા. સાડા ત્રણ લાખના દાગીના તફડાવીને રફચક્કર થઇ જતાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
શહેર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ભુજના આઇયા નગર વિસ્તારમાં રહેતા ચિંતનભાઇ મહેન્દ્ર સોનીનું કારખાનુ આશાપુરા કોમ્પ્લેક્ષમાં આવેલું છે. એક સાહ પૂર્વે ચિંતનભાઇ સોનીના કારખાનામાં શાહેદ શેખ નામનો કારીગર નોકરીએ લાગ્યો હતો, છેલ્લા એક સાહથી તે સારી કામગીરી બજાવતો હતો, જેથી ચિંતનભાઇને તેના પર પૂરતો વિશ્ર્વાસ આવી ગયો હતો, આજે બપોરે ર–૩૦ વાગ્યાના અરસામાં ચિંતનભાઇ સોની ૧૦ મિનિટમાં બજારમાં ગયા હતા, તે સમયે આ તકનો લાભ લઇને શાહેદ શેખે કારખાનામાં રહેલો સોના–ચાંદીનો કાચો માલ તેમજ સોનાનો ભૂકો કિંમત રૂા. ૩,૬૦,૦૦૦નો લઇને રફચક્કર થઇ ગયો હતો. ૧૦ મિનિટમાં ચિંતનભાઇ સોની પોતાના કારખાને પહોંચ્યા હતા તે સમયેસાહેદ શેખ જોવા ન મળતાં આ બાબતે ચિંતનભાઇ સોનીએ આસપાસના વિસ્તારોમાં શાહેદની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કયાંય પણ પતો ન મળતાં અંતે શહેર પોલીસ મથકે આ અંગેની જાણ કરવામાં આવી હતી. શહેર પોલીસ મથકના હોંશિયારસિંહ યાદવના જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર ચિંતનભાઇ સોનીએ રાખેલા કારીગરના કોઇપણ આધાર પુરાવાઓ લીધા નહોતા. આઇડેન્ડીફિકેકશન રાખવા જરૂરી છે એમ છતાં ચિંતનભાઇએ આવી બેદરકારી દાખવી હતી. હાલ આ કિસ્સામાં પોલીસે બંગાળના કારીગરોની પૂછપરછ શરૂ કરી છે.
|