હરામીનાળા વિસ્તારમાંથી પકડાયેલા પાંચ પાકિસ્તાની ઘુસણખોરો પોલીસને સોંપાયા
કચ્છના કોટેશ્વર નજીક આવેલા હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની ઘુસણખોરોને સીમાસુરક્ષાદળે ઝડપી પાડતા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. ઝડપાયેલા પાંચ પાકિસ્તાની ઘુસણખોરોને દયાપર પોલીસના હવાલે સોંપવામાં આવ્યા છે. દયાપર પોલીસ મથકના પી.એસ.આઈ. જાડેજાના જણાવ્યા પ્રમાણે કોટેશ્વર પાસે આવેલા હરામીનાળા વિસ્તારમાં સીમાસુરક્ષા દળની ૧ર૪ બટાલીયનની પેટ્રોલીંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ નજરે ચડતા દળની ટૂકડીએ પીછો કરીને એક બોટ સાથે પાંચ ઘુસણખોરો ઝડપી પાડ્યા હતા. આ ઘુસણખોરોમાં મુસ્તફા અહમદ, ઈબ્દ્રેમાન અહમદ, અજગર અબ્દુલા, અહમદ અબ્દુલ નુર, મીર ઉમરનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો પાકિસ્તાનના જાંગીસર ગામના વતની છે. જેમાં અજગર અબ્દુલા અને મીર ઉમર સગીરવયના છે. આજે સીમાસુરક્ષા દળે પ્રાથમિક પુછપરછ કર્યા બાદ માછીમારોને દયાપર પોલીસના હવાલે સોંપયા છે તેમજ પાકિસ્તાની બોટ કસ્ટમને હવાલે કરી છે. ઉલ્લેખનીય છે કે હજુ એક સપ્તાહ પુર્વે સિરક્રિક વિસ્તારમાંથી ચાર પાકિસ્તાની માછીમારો સાથે એક બોટ ઝડપાઈ હતી ત્યારે ફરી બોટ સાથે પાંચ પાકિસ્તાની ઝડપાતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. હજુ સુધી આ માછીમારો પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળવા પામી નથી. આવતીકાલે આ માછીમારોને ભુજના હરીપર રોડ સ્થિત સંયુકત પુછપરછ કેન્દ્રમાં મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.